કૃષ્ણ દવે ~ પૂજ્ય મોરારીબાપુ * Krushna Dave

પૂજ્ય મોરારીબાપુના જન્મદિવસે : કૃષ્ણ દવે

બીજા બાપુ તો ક્યાંથી કાઢવા ?
પર્વોમાં આમંત્રે, પાંપણ પર ઉંચકે ને તાણ કરી ખવડાવે લાડવા !
એવા બીજા બાપુ તો ક્યાંથી કાઢવા ?
વાદળ પર બેસાડે, જાતરા કરાવે ને આકાશે બંધાવે માંડવા !
એવા બીજા બાપુ તો ક્યાંથી કાઢવા ?

બાવન અક્ષરના તો બેસણા હતા ને એની રોનક દેખાતી છેક ડેલીએ !
ભાષાની આરતી જ્યાં ઊતરતી હોય એવી એક વેંત ઊંચી હવેલીએ
ડા’પણના ડાયરામાં ડાયરીયું  લઈને અમે પહોચી જાતા’તા વટ પાડવા !
એવા બીજા બાપુ તો ક્યાંથી કાઢવા ?

હોંકારે ખાબક્યા ને ખાબક્યા તો પલળ્યા ને પલળ્યા તો નીતરી ગ્યો દંભ.
સદીઓ ને’ય કોકવાર માણવા મળે છે ભાઈ આવા ઉત્સવ નો આરંભ.
હૈયે જે આવ્યા ઇ બોલી ગ્યા બાપ ! એમાં શબ્દો શા માટે સંતાડવા ?
એવા બીજા બાપુ તો ક્યાંથી કાઢવા ?

એને તો ભીંતમાંથી રસ્તા દેખાય અને દુનિયાને  સૂઝે નહીં સળ
વાળે પલાંઠી પછી ટૂંકે પ્હોચે ને પછી પામે છે અવધૂતી પળ 
નાચે,નચાવે ને ઝેર પણ પચાવે ને એરૂને’ય માંડે રમાડવા
એવા બીજા બાપુ તો ક્યાંથી કાઢવા ? – કૃષ્ણ દવે

 પૂજ્ય મોરારીબાપુ સામાન્ય જનતાના તો ખરા જ પણ સાહિત્યકારો માટે પણ એટલા જ વંદનીય છે. બાપુનો સાહિત્યપ્રેમ અને એથી સાહિત્યકારો માટે વિશેષ પ્રેમ વિખ્યાત છે. કવિ કૃષ્ણ દવેએ એમના આ પ્રેમને સરસ રીતે કવિતામાં ઢાળ્યો છે. પૂજ્ય બાપુને એમના જન્મદિવસે શત શત વંદન.

16.10.21

***

sudha mehta

17-10-2021

Krushnabhai, saras riite potano ahobhaav darshaavyo chhe.

છબીલભાઈ ત્રિવેદી

16-10-2021

પુજય બાપુ ના જન્મદિવસ નિમિતે ક્રુષ્ણ દવે સાહેબ નુ કાવ્ય ખુબજ સમયોચિત અમે પણ કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે સંસ્કૃત સત્રમા ખુબજ સાહિત્ય રસ માણેલો છે વર્ષો સુધી બાપુ ના હાથે પિરસેલા લાડુ ખાધા છે પુજય બાપુ ને પ્રણામ આભાર લતાબેન

પ્રફુલ્લ પંડ્યા

16-10-2021

પૂજય મોરારીબાપુને યથાતથ અને આબેહૂબ શબ્દોમાં કંડારી તેઓની વિભૂતિય વિશેષતાઓને ઉપસાવી આપતું સુંદર ગીત માટે કવિશ્રી કૃષ્ણ દવેને હાર્દિક અભિનંદન ! કાવ્ય વિશ્વ આવી ઉત્તમ કૃતિઓની રજૂઆત માટે યાદગાર બની રહેશે !

કિશોર બારોટ

16-10-2021

પૂ. બાપુને ભાવભર્યા વંદન.
અલગ અંદાજથી પૂ બાપુને વંદન કરનારા કવિને આદરભરી સલામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: