લતા હિરાણી ~ નરસૈયાનું નામ * Lata Hirani

નરસૈયાનું નામ જ લેતાં ~ લતા હિરાણી

આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો
તું જ ગોપી મહીં, તું જ કાના મહીં, વાંસળી-સૂરમાં વાસ તારો.

હાથ કરતાલ ને એ ચરણ નાચતાં, રાગિણી રાગનો રાસ થાતો
શામળા સંગ જે પ્રેમરસ પામતો, ઉર મહીં કેમનો એ સમાતો !

નીરખે આભમાં હરજીને હરઘડી, બાથમાં હરપળે એ જ ભાસે
સળવળે રોમમાં, નેણમાં ઝળહળે, પંડમાં હે પ્રગટ પરમ હાસે.

શ્હેર જૂનાગઢે શ્રી હરિને સ્મરી, કુંડ દામોદરે કેલિ કરતો
નાગરી નાતનો વંશવેલો રૂડો, કૃષ્ણના ગાનમાં લીન થાતો.

એ જ ગિરનારની વ્હાલની વાંસળી ને તળેટી તણો તાલ વાજે
નરસીના નાથને જોડી કર વીનવું, ઝૂલણા છંદથી આભ ગાજે.

~ લતા હિરાણી   

શબ્દ સૃષ્ટિ > એપ્રિલ 2017

શ્રી ગુણવંતભાઈ વ્યાસ સંપાદિત નરસિંહ કાવ્યોનું સંપાદન ‘જૂજવે રૂપે અનંત ભાસે’ માં સમાવિષ્ટ 

રાજસ્થાનમાં એક મીરાં થઈ ગઈ ને ગુજરાતમાં એક નરસિંહ. આ બે ભક્ત વિના તો કૃષ્ણનેય કદાચ અધૂરું લાગે. કૃષ્ણપ્રેમની કવિતા તો ઘણા લખી ગયા, ઘણા લખશે પણ લતા હિરાણી જરા અલગ ફ્લેવરની નરસિંહસ્તુતિની રચના લઈ આવ્યા છે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. જેનો શ્વાસ પૂર્ણને પામી જાય છે એ अहं ब्रह्मास्मि છે, એ જ આદિ, એ જ મધ્ય ને એ જ અંત પણ. કણ-કણમાં પછી એ જ. અને એકવાર જે મોરના પિચ્છધર પાસે પ્રેમરસ પી લે એનું ઉર છલકાઈને સમસ્તિ સાથે એકરસ થઈ જાય છે. ખુદ નરસિંહને ફરી આવવાનું મન થાય એવી મજાની ગીતરચના… – વિવેક ટેલર (લયસ્તરોમાંથી)

કાવ્યસંગ્રહો : 1. ઝળઝળિયાં  2. ઝરમર

1.12.21

devika dhruva

08-12-2021

ઝુલણા છંદમાં ગૂંથેલ આ સ્તુતિગાન મારું પણ ગમતીલું ગાન છે. વાંચવાનું અને આસ્વાદ કરવાનું મન થાય તેવું. પહેલી વાર વાંચવામાં આવ્યું ત્યારથી ખૂબ જ ગમી ગયું હતું.
રસદર્શન માટે અહીં મુલાકાત લેશો તો આનંદ..
https://devikadhruva.wordpress.com/2020/05/17/%E

આભાર આપનો

04-12-2021

આભાર સુરેશભાઇ…

સુરેશ ‘ચંદ્ર’ રાવલ

03-12-2021

નરસૈયાને ખૂબ સરસ રીતે લતાબેન લઈ આવ્યાં છે તે પણ ઝૂલણા છંદમાં…
કદાચ મુરલીધરના મર્મને પણ સ્પર્શી ગઈ હશે તેમની કવિતા…
મને પણ પણ ખૂબ ગમી… આ કવિયત્રી હંમેશાં ચીલો ચાતરીને સર્જન કરતાં રહે છે તે પણ ખૂબ ગમ્યું…

આભાર આપનો

03-12-2021

આભાર મેવાડાજી, છબીલભાઈ, અરવિંદભાઇ અને ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રો.

Saaj Mevada

01-12-2021

It is indeed a great pleasure to read this poem. I believe in Krushna. You have nicely created in Zulana Chhand. (New computer, not yet installed Gujarati)

છબીલભાઈ ત્રિવેદી

01-12-2021

આજનુ કાવ્ય વિશ્ર્વ નુ કાવ્ય ખુબજ ગમ્યું આપે નરસિંહ મહેતા ને ખુબ સારી રીતે રજુ કર્યા ઝુલણા છંદ મા લખાયેલુ આપનુ કાવ્ય ખરેખર અદભુત આભાર લતાબેન

અરવિંદ દવે

01-12-2021

કોઈ શંકા નથી કે ખુદ નરસૈયાએ પ્રગટ થઈને જ આ લખ્યું છે…..
જો આપના નામે આ કાવ્ય ન મૂકાયું હોય તો એ નરસિંહ મહેતાનું જ છે….આપના જેવાં સર્જકો માતૃભાષાનું ગૌરવ છે……
ખૂબ ખૂબ અભિનંદન બેન…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: