માધવ રામાનુજ ~ યાદ કરજે * Madhav Ramanuj

તને જે રીતે ~ માધવ રામાનુજ

તને જે રીતે યાદ કરતો હતો હું
હવે એમ તું પણ મને યાદ કરજે
વિરહ એટલે શું એ સમજાય ત્યારે
મને એ રીતે પણ પછી યાદ કરજે.

તરસ અને તૃપ્તિની પાસપાસે
યુગોની લઈ ઝંખના આ પ્રવાસે
જીવનભર રહ્યું ઝૂરતું કોઈ એનો
જો અણસાર આવે, પછી યાદ કરજે.

નિરંતર વધુ રૂપ ખીલતુંય રહેશે
આ સૌંદર્ય ઝાંખું થવાનું નથી પણ
પ્રથમ સ્નેહ, સૌંદર્ય તો એ પછી છે
એ સમજાય ત્યારે પછી યાદ કરજે.

હશે કોઈ કારણ કે સંબંધ કે કંઈ
હશે કોઈ સ્વજનોની યાદી જૂદી પણ
પ્રતીક્ષામાં છેલ્લે રહ્યું નામ મારું
એ સમજાય ત્યારે પછી યાદ કરજે.

સ્મરણ-વિસ્મરણના લીલાવિશ્વમાં
આ છલના સમયની સહેતા રહીને
કોઈ યાદ કરતું રહ્યું’તું નિરંતર
એ પડઘાય ત્યારે પછી યાદ કરજે.

કદી સ્પર્શની વેદના કોઈ જાગે
અને સાંભરણની કોઈ ઠેસ વાગે
પછી ભૂલવાની મથામણ થયે પણ
ન ભૂલી શકે ત્યારે પછી યાદ કરજે.

~ માધવ રામાનુજ

સોયની શૂળ જગાવતું કાવ્ય…. ભૂલવાની મથામણ નિષ્ફળ જાય અને સ્મરણ વિસ્મરણ ન જ બની શકે એ અવસ્થાએ પહોંચાડતા ભાવ…

OP 22.4.22

***

છબીલભાઈ ત્રિવેદી

26-04-2022

કવિ માધવરામાનુજ નુ કાવ્ય ખુબજ ગમ્યું બધાજ શેર ખુબ માણવા લાયક સ્મરણ તો અેવી વસ્તુ છે જે વિસ્મરણ કરવુ અઘરી બાબત છે.

સાજ મેવાડા

22-04-2022

ખૂબ સુંદર ગીત/નઝમ, દરેકને યાદ તો આલે જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: