ગંગાસતીના પદો ~ કાલિંદી પરીખ

આંડાલને જેમ દક્ષિણના મીરાં કહેવાય છે તેમ ગંગાસતી સૌરાષ્ટ્રના મીરાં છે.સૌરાષ્ટ્ર સતી, સંત અને શૂરાની ભૂમિ છે. આ ત્રણેય રૂપો ગંગાસતીમાં એકીસાથે જોવા મળે છે. પતિ કહળસંગ સાધુપુરુષ અને ભક્ત હતા. તેમણે સમાધિ લીધી હતી. પતિના માર્ગને અનુસરવાની ઈચ્છા જણાવી પણ લગ્ન બાદ રાજવી પરંપરા મુજબ સાથે આવેલા પાનબાઈને આધ્યાત્મિક જ્ઞાન આપવા પતિને આજ્ઞાને શિરોધાર્ય ગણી ગંગાસતી રોકાઈ ગયા. 

કહેવાય છે કે સમાધિ માટે ગંગાસતી અને પાનબાઈ રોજ ખાડો તૈયાર કરતી વખતે ગંગાસતી પાનબાઈને એક સ્વરચિત ભજન સંભળાવતા હતા. આ ભજન કે પદ દ્વારા ગંગાસતી પાનબાઈને આધ્યાત્મિક  જ્ઞાન આપતા હતા. મોહ,માયા અને રાગ-દ્વેષથી મુક્ત થઈ ભક્તિમાં મન પરોવવવાનું કહેતા હતા. અહંકાર ત્યજી સદ્ગુરુનો આશ્રય લઈ નિત્ય સત્સંગ કરવો તથા ધ્યાન ધારણા અને યોગાભ્યાસ કરવા.વચનવિવેકથી પરમાત્મામાં ચિત્ત લીન થવાથી બ્રહ્માનંદની અનુભૂતિ થાય છે.

ગંગાસતીનાં ભજનોમાં વર્ણવાયેલી સાધનામાં એમના આધ્યાત્મિક જીવનનો જ પ્રતિધ્વનિ  સંભળાય છે.જ્ઞાન, યોગ અને ભક્તિની સાથે સદ્ગુરુનાં મહિમાનું ગાન પણ છે. ગંગાસતીનાં ૫૨(બાવન) પદોનું ૬ વિભાગમાં વર્ગીકરણ થઈ શકે. ૧ –  યોગ  ૨ – વચન વિવેક ૩ –ભક્તિ  ૪ – જ્ઞાન-વેદાંત  ૫- શિખામણ  ૬ – આગમ

ગંગાસતીએ આધ્યાત્મિક સાધનાના  ભાગરૂપે વિવિધ પ્રકારની યૌગિક ક્રિયાઓથી યુક્ત એવા હઠયોગની સાધના કરી હતી. વિવિધ આસનો, સ્વર-ભેદ, નાડીઓનું શોધન,  અપાન વગેરે પંચ પ્રાણ અને નાભિકમળથી પવન ઉલટાવવો ઈત્યાદિનું વર્ણન તેમનાં પદોમાં જોવા મળે છે. 

ભાઈ રેનાભિકમળથી પવન ઊલટાવ્યો ; સુરતા ચડી ગઈ શૂનમા રેચિત્તમાંહી પુરુષ ભાળ્યા ત્યાંય રે.

શૂન્યમંડળમાં સુરતા દ્વારા પૂર્ણ બ્રહ્મમાં સમાઈ જતાં અમૃત પદની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ માટે મેરુ ભલે ડગી જાય પણ મન ન ડગે તેવી અડગતા, સ્થિરતા કેળવવી પડે છે. આથી જ ગંગાસતી પ્રારંભમાં કહે છે,

મેરુ રે ડગે ને જેનાં મન નો ડગેમરને ભાંગી પડે બ્રહ્માંડ રે.

પોતાની બુધ્ધિને ચિત્તમાં સ્થિર કરવી આ જ સાચો બુધ્ધિયોગ છે. વિવેકબુધ્ધિથી વાસનાઓનો ક્ષય થતાં જે નિત્ય, સનાતન છે તેવા પરમ તત્વની ભાળ મળે છે. કણેકણમાં વ્યાપ્ત એવા આ તત્વને આદિ- અનાદિ કહ્યું છે. સદ્ગુરુ વચનરૂપે દીક્ષા આપે છે. –  આદિ અનાદિ વચન છે પરિપૂરણ, વચનથી નથી બીજું કાંઈ રે.

આદિ- અનાદિ વચનનો દોર પકડાઈ જાય પછી ભજન કે જાપ કરવા પડતાં નથી. કર્મકાંડ પણ છૂટી જાય છે.

ભાઈ રેકર્મકાંડ એને નડે નહિ ને, જેને આવ્યો વચનનો વિશ્વાસ રે.

તો વચન વિવેકી જે નરનારી પાનબાઈ, તેને બ્રહ્માદિક લાગે પાય.

વચનવિવેક જાગતાં રાગ-દ્વેષ, આશા-તૃષ્ણા ટળી જાય છે. તેને બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે. આ પરમ સુખની અનુભૂતિ થતાં સહજ વૈરાગ્ય સધાય છે. ગંગાસતી જપ-તપ , યોગ, તીર્થ- ધ્યાનનો મહિમા કરતાં હોવા છતાં સદ્ગુરુનાં વચનોમાં વિશ્વાસ અને સમર્પણને અધિક મહત્વ આપે છે કારણ કે ભક્તિ કરવી હોય તેણે રાંક થઈ રહેવું જોઈએ. અહંકારનું શિશ કપાવવું જોઈએ. સદ્ગુરુનાં ચરણોમાં શરણાગતિ કહેતા પ્રપત્તિ ભાવ જાગવો જોઈએ.

ભગતિ કરવી તેને રાંક થઈ રેવું ને, મેલવું અંતરનું અભિમાન રે.

ભક્તિ વિષયક પદોમાં ગંગાસતી નવધાભક્તિ અને પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા ગાય છે.

પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રકટી તેને, કરવું પડે નહિ કાંઈ રે.

પણ આવી ભક્તિ ક્યારે પ્રાપ્ત થાય- તે સમજાવતાં ગંગાસતી પાનબાઈને કહે છે,

ઈ રે ભક્તિ ક્યારે ઉરમાં આવે, જ્યારે થાય સદ્ગુરુનાં દાસ.

તેમનાં જ્ઞાન-વેદાંતનાં પદોમાં મનુષ્ય જીવનની ક્ષણભંગુરતા પર ભાર મૂક્યો છે. સાધકે અજ્ઞાનનો અંધકાર છવાઈ જાય તે પહેલાં જ્ઞાનરૂપી વીજળીનાં ચમકારામાં અધ્યાત્મનું મોતી પરોવી લેવાનું છે.  આ જ વેદાંત છે.

વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઈ, નહિતર અચાનક અંધારા થાશે. 

અંતમાં આગમના બે પદો સંભળાવતાં ગંગાસતી, પાનબાઈને શિખામણ આપતાં ચેતવે છે.

ગંગાસતી એમ બોલિયાં ને, તમે કરજો સાચાનો સંગ.

કારણકે કળિયુગમાં ઘણાં લેભાગુ ગુરુઓ અને ચેલાઓની ટોળકી ધર્મના નામે પાખંડ આચરતી હોય છે.

સાચા સાધુપુરુષનો સંગ કળિયુગના પરિતાપથી રક્ષણ આપે છે માટે તેમનો સંગ કરવો જોઈએ.

ગંગાસતીનાં ભજનોમાં ગૂઢાતિગૂઢ રહસ્યો અને સૂચિતાર્થો રહેલા છે. પાનબાઈને પ્રબોધેલાં આધ્યાત્મિક શીખનાં આ પદો જીવ માત્ર માટે ઉપયોગી છે.ગંગાસતીનાં પદો ગુરુમુખ સાધનાનું વિજ્ઞાન છે.વળી આ પદો બાવન બાહરા છે. શબ્દકોશમાંથી તેનાં અર્થો સાંપડે નહીં ઉલટું બુધ્ધિ અને શિશને ઉતારીને પ્રવેશ કરવો પડે.

આમ તમે તમારું શિશ ઉતારોપાનબાઈ; તો તો રમાડું બાવનની બાર.

ગંગાસતીનાં ભજનોની શૈલી

આધ્યાત્મિક વિષયવસ્તુ હોવાથી સૂત્રાત્મક શૈલી છે. અલબત્ત ભાષા સાદી સરળ અને હ્રદય સોંસરવી ઉતરી જાય તેવી છે. ઉપદેશાત્મક હોવાથી જાણે પ્રત્યક્ષ કહેતાં હોય તેમ જણાય છે. વાણીની ઊંચાઈ અને ઊંડાઈ બંને એકીસાથે રસાઈને ઘનીભુત થાય છે. તેમની પાણીદાર વાણીમાં તેમનો ક્ષાત્રત્વ મિજાજ પણ ડોકાય છે.ગંગાસતીનાં ભજનોમાંથી શબ્દબ્રહ્મ અને નાદબ્રહ્મ બંન્નેની અનુભૂતિ હોઈ અલખના પાટ પર ગાવામાં આવે છે. વિવિધ ઢાળ, તાલ અને રાગમાં ગવાતાં હોવાથી ભજનનું આંતરિક સૌંદર્ય અને સત્વ પ્રગટ થાય છે. પરજનાં ઢંગમાં ઊંચા સ્વરેથી વિલંબિત લયમાં ગવાતાં હ્રદયની તંત્રીને ઝંકૃત કરવાનું સામર્થ્ય ધરાવે છે. ગંગાસતીનાં ભજનો કાવ્ય અને સંગીતા તત્વોને લીધે લોકભોગ્ય અને વિદ્વતભોગ્ય બની રહ્યાં છે.

પદોમાં સાહજિક રીતે આવતાં પ્રાસાનુપ્રાસ, યમક, વર્ણસગાઈ જેવા શબ્દલંકારો કે રૂપકાદિ અર્થાલંકારોથી રસાળ અને માધુર્યપૂર્ણ છે જેમાં અંત્યાનુપ્રાસની સાહજિકતા કર્ણપ્રિય બની રહે છે.

જ્યાં લગી લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાંમાં લાગ્યા/ ભાગ્યા તથા અન્યત્ર નૂરત/સૂરત વગેરેમાં યમકની ચમત્કૃતિ જોવા મળે છે.

આણવું નહિ અંતરમાં અભિમાન રે તથા અખંડ અમર અવિનાશી ભાળ્યા ને – માં વર્ણસગાઈનું સૌંદર્ય રેલાય છે.રમીએ તો રંગમાં રમીએમાં પણ વર્ણસગાઈની રૂપ માધુરી છલકાય છે.

ગંગાસતીનાં ભજનોમાં વીરરસ વહે છે. – સત્ગુરુના વચનમાં શૂરા થઈ ચાલે. સદ્ગુરુના વચન પ્રતાપે અંતર્જયોતિ પ્રકાશતાં એ નિર્ભય બની વચન રૂપી તલવારથી શૂરવીર થઈને ડગ માંડે છે.

ભાઈ રેશીશ પડે પણ એનાં ધડ લડે ને ; જેણે સાચો માંડ્યો સંગ્રામ રે.

જીવાત્માને જન્મજન્માંતરોના સંસ્કારો અને વૃત્તિઓ સાથે સંગ્રામ ખેલવો પડે છે , તે વિના આત્મશુધ્ધિ થતી નથી.

ઊભાં રે થાવ પાનબાઈશૂરવીરપણું દાખવો હવે લાંબો નથી કોઈ પંથ.

વીરતાપૂર્વક લડવા ગંગાસતી પાનબાઈને ઊભા થવા કહે છે. સદ્ગુરુનાં વચનમાં વિશ્વાસ રાખી મોરચો સંભાળવાનો છે. – મેદાનમાં જેણે મોરચો માંડ્યોને, જેણે પકડ્યો વચનનો વિશ્વાસ રે.

ગંગાસતીનાં ભજનોમાં આગળ જણાવ્યું તેમ રૂપક જોવા મળે છે.

ઈ રે કૂંચીથી બ્રહ્મનાં તાળાં રે ઉઘડે ને, લાગે ભજનમાં એક તાર રે.

અહીં બ્રહ્મરૂપી તાળાંને ભજનરૂપી કૂંચીથી ઉઘાડવીની વાતમાં રૂપક છે. તો અન્ય એક પદમાં ભક્તિને પદ્મિની સાથે સરખાવી છે.પદમણી નારી જેમ પોતાના પ્રિયતમની નિકટ રહે છે તેમ હરિ ભક્તિની નિકટ રહે છે.

ભગતિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈરહે છે હરિની પાસ.

ગંગાસતીનું અતિ પ્રસિધ્ધ ભજન – વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઈનહિતર અચાનક અંધારા થાશે.

અહીં વીજળીનો ચમકારો એટલે બ્રહ્મજ્યોતિ, તેના ચમકારામાં ગુરુ કૃપાએ આત્મારૂપી મોતીને પરોવી લેવાનું છે. તો

છૂટાં રે તીરથી હવે નો મારીએ બાઈજી, ભાઈ રેબાણ વાગ્યાં ને વિંધાણા બાઈજી.

ઉપનિષદ કહે છે પ્રાણ ધનુષ્ય છે, આત્મા તીર છે અને બ્રહ્મ નિશાન છે. શબ્દરૂપી બ્રહમના લક્ષ્યવેધી બાણથી ઓમકારનો હ્દયભેદી ગુંજારવ સંભળાય છે. શક્તિપાત થવાથી ચક્રભેદન થાય છે. આ અનુભવ  મોઢેથી વર્ણવી શકાતો નથી.

પી લેવો હોય તો રસ પી લેજો, પિયાલો આવ્યો તત્કાળ.

સદ્ગુરુની કૃપાથી સદ્ભાગીને જ આ પ્યાલો પીવા મળતો હોય છે. ગુરુના સાંનિધ્યમાં કોઈ અધિકારીને સંશયરહિત આત્મદશા પ્રાપ્ત થતી હોય છે. પિયાલો રહસ્યમય અને રૂપકાત્મક છે. ગંગાસતી પાનબાઈને બ્હ્મરસરૂપી પિયાલો એટલે જ તત્કાળ પી લેવાનું આહ્વાન કરે છે. – કાલિન્દી પરીખ

OP 9.2.21

***

Daxa Baxi

20-02-2022

Kalindiben, these creations of Gangasati are invaluable treasures and you have done an amazing job of compiling them here. Congratulations and thanks. 🙏👏👏👏

લલિત ત્રિવેદી

11-07-2021

સરસ લેખ.. કાલિંદી બેન. .

વારિજ લુહાર

13-04-2021

આજે ગંગા સતીને સાક્ષાત કરી દીધા… વાહ કાલિંદીબહેન.

6 Responses

 1. ઉમેશ જોષી says:

  ગંગાસતીના 52 પદો 6 વિભાગમાં વગીઁકરણ કરી વિસ્તૃત આલેખન કર્યું છે…..જે ખરેખર ખૂબજ સરસ છે..
  કાલિન્દીબેનને અભિનંદન.

 2. Kalindi Parikh says:

  ખૂબ ખૂબ આભાર લતાબેન

 3. કાલિન્દી બહેને ખુબ સરસ રીતે ગંગાસતી ના પદો ને ઉઘાડી આપ્યા ખુબ અભિનંદન આપણા નરસિંહ, મીરા ગંગાસતી પથદર્શક છે આપણો અમૂલ્ય વારસો છે

 4. Minal Oza says:

  ગંગાનાં સતીનાં પદોનું વિવિધ રીતે કાલિન્દી બહેને વિશ્લેષણ કર્યું એ બદલ ધન્યવાદ.
  લતાબહેને વિવિધ ગાયકો દ્વારા ભજનો એની સ્ક્રીપ્ટ સાથે મૂકીને આપણને લાભાન્વિત કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: