નલિન રાવળ ~ સખ્ય * ઉદયન ઠક્કર * Nalin Raval * Udayan Thakkar

સખ્ય નલિન રાવળ

મળી ગયાં ટ્રેન મહીં અચિંત

અમે પ્રવાસી અણજાણ એવાં

એ બારીની બ્હાર નીરખી રહી’તી

છટા ભરી ખીલી રહી’તી ચાંદની

ને હુંય એના મુખપે છવાયલી

નીરખી રહ્યો’તો રમણીય રાગિણી

ત્યાં

સદ્ય કેવી ઘૂમવી ગ્રીવાને

વ્હેતું મૂકી એ નમનીય હાસ્ય

સાશ્ચર્ય નેત્રે નીરખી કહે:

એ…ઓ જાય

કિલકારતી કૂંજડીઓની હાર…

એ વાત વીત્યે વર્ષો વહી ગયાં

એ ક્યાં?

હું ક્યાં?

છતાંય આજે

રમણીય રાત્રે

નિહાળતો અંતર-આભ ઊંડે

છવાયલી મંજુલ ચાંદનીમાં

કિલકારતી જાય

ઓ…જાય…

કિલકારતી કૂંજડીઓની હાર 

~ નલિન રાવળ

બે ઘડીનું સખ્ય – ઉદયન ઠક્કર

‘બે ઘડીનું સખ્ય’ નાનકડા પ્રસંગને વર્ણવતું આ કાવ્ય છે.

કાવ્યના પહેલા બે શબ્દો છે,’મળી ગયાં.’ -મળ્યાં નથી, પણ ‘મળી ગયાં’ છે, આકસ્મિક રીતે. આ કથાકાવ્ય નહિ પરંતુ ઊર્મિકાવ્ય હોવાથી ક્યાંનો પ્રવાસ હતો, ટ્રેનમાં કેવા કેવા મુસાફરો બેઠેલા, વગેરે વર્ણનો નથી, સીધો જ પ્રસંગ-પ્રવેશ છે.ટ્રેનમાં બેઠેલી સ્ત્રી અરસિક હોત તો થેપલાં ખાતી હોત કે નસકોરાં બોલાવતી હોત, પણ આ તો બારીની બહાર ફેલાયેલી ચાંદની નિહાળી રહી હતી. તે સુંદર હોવા ઉપરાંત સૌંદર્યલુબ્ધા હતી.

આપણે નિત્યપ્રવાસી છીએ, માર્ગમાં કૈંક અજાણ્યાં આપણનેય મળી જાય છે, એટલે કાવ્યનાયકની લાગણી આપણે સંવેદી શકીએ છીએ.

સ્ત્રીની વેશભૂષા કે કેશભૂષાનું વર્ણન નથી, નામ નથી કહ્યું, સંવાદ પણ થયો નથી. કાવ્યનાયક સ્ત્રીના મુખને નીરખી રહ્યા હતા, એટલે આકર્ષણ થયું હતું એટલું આપણને સમજાય છે.

તેવામાં ડોક ફેરવીને સ્ત્રી હસી,’ઓ જાય કિલકારતી કૂંજડીઓની હાર..’ સ્ત્રીને આનંદનો ઉભરો આવ્યો. આવું કુદરતી સૌંદર્ય અણજાણ વ્યક્તિને પણ ગમે જ એવા વિશ્વાસ સાથે, તેનો ઉદ્ ગાર નીકળ્યો. કલાપીએ ઇચ્છા વ્યક્ત કરી છે કે સૌ પ્રેમીઓનાં ઉર વિદ્યુત-સાંકળી વડે જોડાયેલાં હો, જેથી એકનો આનંદ સૌને મળે. આ સ્ત્રીએ પણ પોતાનો આનંદ વિદ્યુતવેગે વહેંચ્યો.

વર્ષો વીતી ગયા એ વાતને. છતાંય જ્યારે જ્યારે ચાંદનીની રાત હોય છે,ત્યારે ત્યારે કાવ્યનાયકને કુંજડીઓની હાર કિલકારતી જતી દેખાય છે.

આ કાવ્યને પામવાની ચાવી તેના શીર્ષકમાં છે. સૃષ્ટિને ચાહતાં હોય તેવાં અણજાણ્યાં માણસો વચ્ચે સખ્ય-મૈત્રી સંભવી શકે છે.

નલિન રાવળે (જન્મ ૧૯૩૩) આ કાવ્ય સંસ્કૃતગંધી પદાવલિમાં, મિશ્રોપજાતિ છંદના મુક્ત પદ્યમાં રચ્યું છે, જેમાં પંક્તિઓનું માપ લાંબું કે ટૂંકું હોઈ શકે છે.

 નાના પ્રસંગ પરથી કવિ મોટું કાવ્ય સરજી શક્યા છે.

-ઉદયન ઠક્કર

OP 17.10.22

***

સાજ મેવાડા

19-10-2022

એક સુંદર પ્રસંગને કાવ્ય બનાવી કવિએ કમાલ કરી છે, વાહ.

છબીલભાઈ ત્રિવેદી

18-10-2022

અેક સરસ મજાની રચના અને અેટલોજ ઉત્તમ આસ્વાદ ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

1 Response

  1. સરસ આસ્વાદ વંદન બન્ને રચનાકારો ને આભાર લતાબેન

    આભાર છબીલભાઈ -લતા હિરાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: