એસ. એસ. રાહી ~ આવેલી એક તક

આવેલી એક તક એસ. એસ. રાહી

આવેલી એક તક મેં અમસ્તી જ અવગણી
ખટકે છે તે દિવસથી સમય નામની કણી.

કાગળનો શ્વેત રંગ પછી લાલ થઈ જશે,
એ બીકે આંગળીની નથી કાઢતો અણી.

સંતાડી રાખ ધાબળામાં સૂર્યની ઉષ્મા,
જો હું અમીર થઈ ગયો તડકો વણી વણી.

જખ્મો વિશેના અલ્પ પરિચયમાં આટલું:
બિનવારસી છે લાશ ને કોઈ નથી ધણી.

નવરાશ મળી છે એ ક્ષણે વાંચી છે ડાયરી,
મેં રાત વિતાવી નથી તારા ગણી ગણી. 

એસ. એસ. રાહી

જે તડકો વણી વણી અમીર હોવાનું અને એમ એક પ્રકારનો આત્મસંતોષ અનુભવી લે છે, એ જ નાયક નવરાશમાં ડાયરી વાંચી વાંચી વાસ્તવિક્તા સાથે પોતાનું અનુસંધાન જાળવી રાખે છે. એને કલ્પનાના તારાલોક સાથે નથી જોડાવું. ડાયરી ભૂતકાળનો ખજાનો છે અને વર્તમાનની સીખ છે જે અંતે ભવિષ્યનો રાહ નક્કી કરી શકે. હાથમાં આવેલી તક ગુમાવવાનો વસવસો રહે જ… પણ એ યાદ રહે તો કામનું…. અને ડાયરી એમાં સાથીસંગી ખરી ને !

નોંધ : ન્હાનાલાલ સાહિત્યસભા (સુરેન્દ્રનગર) તરફથી કવીશ્વર દલપતરામ એવોર્ડ (2020-2021) ડો એસ.એસ.રાહી’ને તા. 10 સપ્ટેમ્બર 2022ના રોજ અર્પણ થયો. કવિને અઢળક અભિનંદન.

OP 12.9.22

Sarla Sutaria

16-09-2022

રાહી સાહેબને એવોર્ડ બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐
એમની ગઝલો મનને સ્પર્શી જાય છે. ખૂબ સુંદર ગઝલ.

દાન વાઘેલા

13-09-2022

રાહીસાહેબને અભિનંદન.
આ રચનાનો પહેલો અને ત્રીજો શેઅર સંમોહક છે. વારંવાર એને માણવાનું વિશેષ ગમ્યું. અણી પણ અસરકારક સાંકેતિક છે. રચના ગમી.

આભાર

13-09-2022

આભાર મેવાડાજી, છબીલભાઈ, કીર્તિચંદ્રજી, વારિજભાઈ, દિનેશભાઇ, ચંદ્રશેખરભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર

ચંદ્રશેખર પંડ્યા

13-09-2022

અદભૂત કાફિયાની મજા … આ ..હા … રાહી સાહેબને એવૉર્ડ બદલ અભિનંદન!

દિનેશ ડોંગરે નાદાન

11-09-2022

રાહી મારા ગમતાં ગઝલકાર છે અને એમની આ ગઝલ પણ મને ગમતી ગઝલોમાંથી એક છે

સાજ મેવાડા

11-09-2022

આદરણીય કવિ ડો. એસ.એસ.રાહી સાહેબ ને અઢળક અભિનંદન.
“જખ્મો વિશેના અલ્પ પરિચયમાં આટલું:
બિનવારસી છે લાશ ને કોઈ નથી ધણી.”. વાહ!

Varij Luhar

11-09-2022

વાહ..
કવિશ્રી ડૉ.એસ.એસ.રાહીને કવીશ્વર દલપતરામ ઍવૉર્ડ મળ્યો તે બદલ
આનંદ સહ અભિનંદન

Kirti Shah

11-09-2022

જો હું અમીર થઈ ગયો તડકો vani vani કલ્પ્ના Shrushthi no અદ્ભુત નમૂનો. ધન્યવાદ

છબીલભાઈ ત્રિવેદી

11-09-2022

અભિનંદન કવિ શ્રી ને ખુબ સરસ રચના આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: