અનિલ ચાવડા ~ હાય પ્રભુ * Anil Chavda

હાય પ્રભુ ~ અનિલ ચાવડા

હાય પ્રભુ આ મહેફિલ માતમમાં બદલાઈ કોની ભૂલે?
હાય પ્રભુ આ સંધ્યા આખીયે ખરડાઈ કોની ભૂલે?

હાય પ્રભુ આ કોની ભૂલે કિલકારીની ચીસ બની ગઈ?
હાય પ્રભુ આ કોની ભૂલે હૈયામાં એક ટીસ બની ગઈ?

કોની ભૂલે હસતાં સપનાં હાથ છૂટતા ખરી પડ્યાં છે?
કોની ભૂલે બે કાંઠાઓ પોક મૂકીને રડી પડ્યાં છે?

હાય પ્રભુ આ ચારે પા ચીસો ખડકાઈ કોની ભૂલે?
હાય પ્રભુ આ મહેફિલ માતમમાં બદલાઈ કોની ભૂલે?

જળ ઉપર જ્યાં ચમક હતી ત્યાં ચીચીયારીઓ તરી રહી છે
નદી બિચારી નદીપણાને દોષ ગણીને રડી રહી છે.

કાંઠા પરનાં ઝાડ બાપડાં સાવ શોકમાં સરી પડ્યાં છે
કંઈક જ્યોતિઓ, કંઈક દીવડા એક ઝાટકે ઠરી પડ્યા છે

હાય પ્રભુ આ અજવાળાની આંખ ભરાઈ કોની ભૂલે?
હાય પ્રભુ આ મહેફિલ માતમમાં બદલાઈ કોની ભૂલે?

અનિલ ચાવડા

30 ઓક્ટોબર 2022ના દિવસે મોરબીના ઝૂલતા પૂલ પર બનેલી ભયંકર દુર્ઘટના અને એમાં ભોગ બનેલા માટેની પીડા હૈયું વલોવી નાખે એવી છે જે કવિતામાં એટલી જ તીવ્રતાથી વ્યક્ત થઈ છે.

આ ઘટના માટે જવાબદાર તત્ત્વો બચી ન જાય અને એમને આકરામાં આકરી સજા થવી જોઈએ એવું આપણે સૌ ઈચ્છીએ.

મૃતકોના આત્માને ઈશ્વર સદગતિ આપે અને એમના પરિવારને સાંત્વના (આ શબ્દો કોઈ કામના નથી તોયે)      

OP 3.11.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: