ઉમેશ જોષી ~ જીવલા Umesh Joshi

કર ના લાંબી વાત ~ ઉમેશ જોષી

કર ના લાંબી વાત જીવલા
પડશે ટૂંકી, રાત જીવલા.

પણ લીધા’તા પાસે બેસી,
સપના સામે સાત જીવલા.

ભાંગી તૂટી ભાષા શીખી,
હવે સંભાળ, દાંત જીવલા-

જીર્ણ થયું છે વસ્ત્ર શ્વાસનું,
અવસરમાંથી કાંત જીવલા

મન બેઠું જઈ આંબા ડાળે,
પાકી ગઇ છે, જાત જીવલા.

~ ઉમેશ જોષી

ટૂંકી બહરની ઊંડી ગઝલ. શ્વાસનું વસ્ત્ર જીર્ણ થવા આવે ત્યારે મળતા અવસરને કાંતવાની વાત સ્પર્શી જાય છે. હવે જે છે એને એમ જ માણવામાં કોઈ સમજદારી નથી. ઝીણું કાંતવાનો સમય હવે આવી પહોંચ્યો છે. ભૌતિક બાબતોમાંથી હવે કૈંક તારવવાની અને સાચવવાની આ વાત છે. છેલ્લા શેરમાં સ્વીકાર છે, સ્વાગત છે આવનારી પરિસ્થિતિનું …..  વાત કહી છે જીવલાને જે કવિનો, મારો, તમારો…. કોઈનો પણ અથવા દરેકનો હોઈ શકે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: