કાવ્યપ્રકાર : સુમન શાહ

સુમન શાહ ~ મંતવ્ય જ્યોત : કાવ્યપ્રકાર

કાવ્યના સર્જકો ભાવકો વિવેચકો અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ અને આપણે સૌએ ૩ વસ્તુ બરાબર સમજી રાખવી જોઈશે : કાવ્યપ્રકાર. કાવ્યમાધ્યમ. કાવ્યબાની.

આ જ્યોતમાં, વાત કરું કાવ્યપ્રકારની :

કોઈ કાવ્યપ્રકાર પૂર્વકાલીન સર્જકો વડે પ્રયોજાયો હોય અને નવી પેઢી લગી પ્હૉંચ્યો હોય એ ઘટના એ કાવ્યપ્રકારની પ્રસિદ્ધિ બતાવે છે -દાખલા તરીકે, સૉનેટ; ઈટાલિમાં જન્મ્યું અને ફરતું ફરતું ગુજરાતી સાહિત્યક્ષેત્રે આવી બેઠું અને આપણા કવિને હાથ ચડ્યું.

હું કહું કે કોઈપણ પ્રકાર પૂર્વકાલીનો તરફથી મળેલો સાહિત્યપરક વારસો છે. એમાં એ વ્યક્તિઓની સર્જકતા ઠરી હોય છે. સર્જનનો એ નીવડેલો તરીકો હોય છે.

પ્રકાર સ્થિર થાય એટલે એનું સ્વરૂપ બંધાય, એની પરમ્પરા ઊભી થાય. સ્વરૂપ કેટલાક નિયમોથી બધાયું હોય. બંધારણ અનુસારના નિયમોને દરેક સર્જક વશ રહેતો હોય. રાગ બાગેશ્રી ગાવા ઇચ્છે એ ગાયક બાગેશ્રીના બંધારણને વળગી રહે તેમ સૉનેટ લખવા માગનાર ૧૪ પંક્તિ આદિ નિયમોનું પાલન કરે. ટૂંકમાં, કોઈપણ કાવ્યપ્રકારમાં કે સાહિત્યપ્રકારમાં લખવા માગનારે બંધારણને ચુસ્તપણે અપનાવવું પડે. આ એક પાયાની શરત છે.

પણ એ શરત એટલે? શું એ નિયમોથી બંધાયેલા-જકડાયેલા રહેવું? શું એ પરમ્પરાને આંખો મીંચીને સ્વીકારી લેવી? શું એ વારસાને વાસણ, ભાજન કે બીબું સમજીને ચાલવું? ના. જો એવી જડતા-સજ્જડતા આચરવામાં આવે તો બંધારણ મુજબનું બધું રૂડુંરૂપાળું દેખાય ખરું, પણ એ કોઈ મોટી સિદ્ધિ ન પણ હોય.

કેમકે પરમ્પરા નબળી પડી ગઈ હોય અને કાવ્યપ્રકારો વપરાઈ-ઘસાઈને મન્દપ્રાણ થઈ ગયા હોય. જરા વિચારો કે શું સૉનેટની બધી જ શક્યતાઓ ખરચાઈ ચૂકી નથી? કેટકેટલા કવિઓએ એને કેટકેટલી વાર ખેડ્યું છે ! એ કેટલું લપટું પડી ગયું છે, તેનો કોઈ હિસાબ નથી.

વાત એમ છે કે મન્દપ્રાણ થઈ ગયેલા પ્રકાર પાસેથી સર્જકો ધાર્યું કામ લઈ શકતા નથી. જેની ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય એ તલવારથી લડી નથી શકાતું, દાવપેચ તો કરી શકાતા જ નથી. એ તલવારને સજાવવી પડે છે, એમ એ સાહિત્યપ્રકારને કે કાવ્યપ્રકારને પ્રયોગોથી સજીવન કરવો પડે છે.

એવો એક પ્રયોગ તે પરમ્પરાનો વિદ્રોહ. રૂઢ નિયમોનો અસ્વીકાર. નાટકના સંદર્ભે ઍરિસ્ટોટલે વર્ણવેલા અને નીયોક્લાસિઝમ લગી વિસ્તરેલા, સ્થળ કાળ અને ક્રિયાની યુનિટીઝના નિયમો શેક્સપીયરે ફગાવી દીધા છે. જોકે, “ધ ટૅમ્પેસ્ટ”-માં સ્થળ કાળ અને ક્રિયા સાચવ્યાં છે, પણ એ તો અપવાદ.

બીજો પ્રયોગ છે, બંધારણને ફગાવી દેવાનું સાહસ. જેમકે, એવા સાહસને પરિણામે, ગ્રીક અને લૅટિનમાં ખૂબ જ વપરાઈ ચૂકેલા પૅન્ટામીટરનું સ્થાન લીધું, બ્લૅન્ક વર્સે અને તે પછી ફ્રી વર્સે. વૉલ્ટ વ્હિટમૅનનું ‘સૉન્ગ ઑફ માયસૅલ્ફ’ કે ટી.ઍસ. એલિયટનું ‘સૉન્ગ ઑફ જે. આલ્ફ્રેડ પ્રુફ્રોક’ ફ્રી પ્લેનાં અચ્છાં નિ દર્શનો ગણાય છે. આપણે ત્યાં સંસ્કૃત અક્ષરમેળમાંથી આપણે માત્રામેળમાં ગયા ને તે પછી અછાન્દસમાં; અધ્યેતાઓને એનાં દૃષ્ટાન્તો યાદ કરાવવાની જરૂર નથી.

છેલ્લે તો, સર્જકે સમજી રાખવું કે કાવ્યપ્રકાર કે કોઇપણ સાહિત્યપ્રકાર નિયમોથી આબદ્ધ એક ‘ગેમ’ છે, નિયમોમાં રહીને ‘ગેમ’ ચલાવવી તે સારી વાત છે, પરન્તુ એ જ નિયમોમાં રહીને ‘પ્લે’ કરવો તે વધારે સારી વાત છે. સામાન્ય સર્જકો ‘ગેમ’ કરી જાણે છે પણ અ-સામાન્ય સર્જકો ‘પ્લે’ કરી બતાવે છે. ‘ગેમ’-માં એના નિયમો સચવાયાની મજા લેવાય છે, જેમકે, ધ્યાનથી રમાતી ક્રિકેટમાં; પણ ‘પ્લે’ તો ત્યાં નિયમોસહિતની લીલા હોય છે, એમાં, ચૉગ્ગા-છગ્ગાની રમઝટ બોલતી હોય અથવા તો ક્લીન બોલ્ડ્સનો આનન્દ જ આનન્દ.

કાવ્યપ્રકારના બારામાં મહત્ત્વનો મુદ્દો સર્જકની વૈયક્તિક સર્જકતા છે, તેમ છતાં, સર્જક પોતાની સર્જકતાનો યોગ-વિનિયોગ કેવોક કરે છે એ મુદ્દો વધારે મહત્ત્વનો છે. એ મુદ્દા વિશે આવા પ્રશ્નો કરીને વિચારવું જોઈશે :

૧ : કોઈ કવિને છંદોબદ્ધ કાવ્ય રચવાની ફાવટ આવી ગઈ હોય, બીજો એકેય કવિ છન્દમાં લખતો જ ન હોય, તો પણ શું એણે મન્દાક્રાન્તા વગેરેના લઘુ-ગુરુમાં બધું બેસાડ્યા કરવું કેટલું હિતાવહ છે?

૨ : બધા કવિઓ અછાન્દસ કરે છે માટે કશી ગતાગમ ન હોય તો પણ કવિયશપ્રાર્થી અછાન્દસમાં ઝંપલાવે તો શું થાય?

૩ : કોઇ અછાન્દસકાર મહાન ગણાઈ ગયો હોય, એને પણ એથી જરાય જુદું ન લાગતું હોય, અને એ જુએ કે ગુજરાતી કવિતામાં ઋતુ અનુ-આધુનિકતાની બેઠી છે, તો લાવ ને, બે-ચાર લાંબીટૂંકી લીટીઓમાં વિચારો લખી પાડું, તો શું એની એ તકવાદી ચેષ્ટાને એની સર્જકતાનો વિકાસ ગણવી જોઈએ?

૪ : કોઇ નવોદિતને ગેરસમજ થઈ હોય કે ગઝલમાં તો ઝાઝો સમય નથી આપવો પડતો ને વાહવાહી ઝટ મળે છે, અને એ રદીફ-કાફિયાના મેળ બેસાડતો થઈ જાય, તો શું એને તુરન્ત ગઝલકાર ગણી લેવાનો? :

યુગસ્પન્દન -ટાઇમસ્પિરિટ- ગદ્યાળુ અનુભવાતું હોય તે છતાં અલંકાર પ્રાસ વગેરેની કાવ્યાત્મક કસરતો કવિઓ બસ કર્યા જ કરે ને સર્જનાત્મક પરિવર્તન દાખવે જ નહીં તે પ્રવૃત્તિને કેટલી સમીચીન ગણી શકાય?

આ પ્રશ્નોના સરળ ઉત્તર બે છે : ૧ : કવિઓ નિરંકુશ હોય છે, આપણે કોણ એને પૂછવાવાળા? જેને જેમાં ફાવે એમાં સરજે : ર : કાવ્યપ્રકારની પસંદગી સ્વયંભૂ છે. સર્જનસંકલ્પ અનુસાર તે આપોઆપ નક્કી થઈ જાય છે -શોકમાંથી શ્લોક પ્રસવે છે.

બન્ને ઉત્તર સાચા છે, તેમ છતાં, ઉપર્યુક્ત પ્રશ્નો પૂછવાલાયક નથી એમ નથી, કેમકે એથી, છેલ્લે તો કયા કવિની સર્જકતા કેટલી મૌલિક છે તેનાં માપ મળી આવે છે. સમજાઇ જાય છે કે દેખાદેખીથી લખનારો કયો છે, કયો અનુકરણિયો છે, કયો ફૅશનિયો છે, કયો તકસાધુ છે, કયો અ-કવિ છે, તો વળી, કયો સ્વકીય છે, કયો સ્વાયત્ત છે.

વિચારો કે આવા પ્રશ્નો કરીએ જ નહીં તો શું થાય? બધા જ સુ-કવિ કે કવિ લાગે, કોઇ કોઇ તો, મહાન !

મૂળ પોસ્ટીંગ 23.6.2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: