કાવ્યાસ્વાદમાં અભિધા-લક્ષણા અને વ્યંજ્નાનું મહત્વ ~ નવલસિંહ વાઘેલા – ભાગ 1 * Navalsinh Vaghela

સંસ્કૃત આલંકારિકો પ્રમાણે કાવ્યમાં પ્રયુક્ત થતા શબ્દના ત્રણ વ્યાપારો, ત્રણ શક્તિઓ હોય છે. આ વ્યાપારો અથવા શક્તિઓને અભિધાશક્તિ અથવા વાચકશક્તિ અથવા મુખ્યશક્તિ, લક્ષણાશક્તિ અથવા લક્ષણાવ્યાપાર અથવા અમુખ્યશક્તિ અને વ્યંજનાશક્તિ અથવા વ્યંજ્નાવ્યાપાર એવા નામો અપાયાં છે, કેટલાક ‘તાત્પર્ય’ નામની એક ચોથી શક્તિ પણ દર્શાવે છે. ‘શક્તિ’ શબ્દના ‘વૃત્તિ’ અને ‘વ્યાપાર’એવા પર્યાય પ્રાપ્ત થાય છે. આમ, શક્તિ, વૃત્તિ, અને વ્યાપાર એમ ત્રણ લગભગ સમાનાર્થક શબ્દો પ્રયુક્ત થયેલા જણાય છે. આ શક્તિઓ અથવા વ્યાપારો અથવા વૃત્તિઓ દ્વારા જુદા જુદા પ્રકારના અર્થો અપાય છે.

આલંકારિકોએ ‘કાવ્ય’ને મુખ્યત્વે ‘શબ્દ’ અને ‘અર્થ’ના સાહિત્યસ્વરૂપને લક્ષણબધ્ધ કર્યું છે. તેથી, ‘શબ્દ’ અને ‘અર્થ’ના પ્રકારો અને શબ્દમાંથી અર્થગ્રહણ કઈ રીતે થાય છે અર્થાત્ અર્થગ્રહણ કરાવનારી અભિધાદિ શક્તિઓ વગેરેનું અધ્યયન અનિવાર્ય બની જાય છે.

(૧) અભિધાશક્તિથી કાવ્યાસ્વાદન :-
મમ્મટે અભિધા માટે જણાવ્યું છે કે, “સાક્ષાત્સંકેતિતં યોઅર્થમભિધત્તે સ વાચક:”  અર્થાત્ “જે સાક્ષાત્ સંકેતિત અર્થને પ્રકટ કરે તે વાચક શબ્દ છે.’’ અભિધામાં સાક્ષાત્ સંકેત દ્વારા અર્થ પ્રાપ્ત થાય છે. એને મુખ્યાર્થ પણ કહેવાય છે. અન્ય કોઇ વ્યવધાન વગર અર્થ સીધેસીધો પ્રાપ્ત થાય એને મુખ્યાર્થ કહેવામાં આવે છે. સંકેતિત અર્થની સમજ માટે વ્યાકરણ, ઉપમાન, કોશ, આપ્તવાક્ય, વ્યવહાર, વાક્યનો શેષ ભાગ, વિવરણ અને સંદર્ભ એમ આઠેક પદ્ધતિઓ ખપમાં લેવાતી હોય છે.

અભિધાશક્તિ એટલે પ્રસિદ્ધ અથવા સાક્ષાત્ સંકેતિક અર્થના બોધક વ્યાપારના મૂળ કારણરૂપ શબ્દશક્તિ “તત્ર સંકેતિતાર્થસ્ય બોધનાદગ્રિમાભિધ્યા” અભિધાશક્તિથી શબ્દનો સંકેતિક વ્યાપક પ્રચલિત સામાન્ય અર્થ મળે છે. અભિધા સામાન્ય અર્થ, વાચ્યાર્થ કે મુખ્યાર્થની જનની છે. એ શબ્દની પ્રાથમિક શક્તિ છે. સંસાર-વ્યવહાર-વ્યાપાર અને સામાન્ય કાવ્ય આ અભિધાનો વ્યાપાર છે.

અભિધાશક્તિથી જ કાવ્યાસ્વાદનની પ્રક્રિયા શરૂ થાય છે. શબ્દનો મૂળ અર્થ પામીને કાવ્યાસ્વાદન કરી શકાય છે. (એ પછી જ એના વિશિષ્ટ અર્થની અપેક્ષા જાગે છે.) “જે કાવ્યમાં વ્યંગ્યાર્થ ગૌણ હોય અને વાચ્યાર્થ પ્રધાન હોય તેવા કાવ્યને મધ્યમ કાવ્ય કહે છે” આવા પ્રકારના કાવ્યનો આસ્વાદ્ય કરવામાં અભિધાશક્તિનો ઉપયોગ થાય છે જેમકે-
“ગ્રામતરુણં તરુણ્યા નવવંજુલમંજરી સનાથકરં,
પશ્યંત્યા ભવતિ મુહુર્નિતરાં મલિના મુખચ્છાયા.
અર્થાત્ ‘’અશોકની તાજી મંજરી હાથમાં રાખનાર ગામના યુવકને જોતી યુવતીના મુખની છાયા વારંવાર એકદમ ઝાંખી પડી જાય છે.’’

આચાર્ય મમ્મટે આપેલા આ ઉદાહરણમાં વાચ્યાર્થની ચારૂતા છે. ‘પ્રિયતમને મળવાનું વચન આપી ચૂકેલી પ્રિયતમા સ્વજનોના નિષેધથી જઈ શકી નહી અને નિરાશ થઈ પાછા ફરેલા પ્રિયતમને જોઈ ભોંઠપ અનુભવે છે,’ એ વાચ્યાર્થ પોતે જ ચમત્કૃતિજનક છે.
‘’ પિંગળ પાઠ પઢ્યા વિના, કાવ્ય કરે કવિ હોય,
વળી વ્યાકરણ વિના વદે, વાણી વિમળ ન હોય.’’
અહીં જે વાત કહેવાઈ છે તે સીધી શબ્દના અર્થથી પ્રાપ્ત થાય છે.માટે કાવ્યના આસ્વાદન માટે અભિધાશક્તિનું મુલ્ય છે.

જગન્નાથ અને અન્ય મીમાંસકો અભિધાના ત્રણ ભાગ પાડે છે : (૧) યોગ (૨) રૂઢિ અને (૩) યોગરૂઢિ. ‘વાચક’,’પાચક’,’પાઠક’ જેવા શબ્દોનો અર્થ વ્યુત્પત્તિ અનુસાર હોઈ એને યૌગિક શબ્દ ગણવામાં આવે છે. ‘અનુકૂળ’,’છત્રી’, ‘નૃત્ય’ જેવા શબ્દોને કેવળ રૂઢિ સાથે સંબંધ છે, તો ‘પંકજ’ જેવા શબ્દને યોગરૂઢિ સાથે સંબંધ છે. ‘પંકજ’ એટલે ‘કાદવમાં જન્મેલું’, પણ પછી એ શબ્દ ‘કમળ’ના અર્થમાં રૂઢ થયો. (સંકુચિત પણ થયો.) કાદવમાં જન્મેલા અન્ય જીવજંતુ માટે ‘પંકજ’ શબ્દ વપરાતો નથી.

આમ અભિધા એટલે મુખ્ય અર્થ. “મુખ્ય એટલે પ્રધાન નહીં પણ પ્રાથમિક “મુખ્ય: પ્રાથમિક : ન તુ પ્રધાનં” અભિધા સમજાય તો જ અન્ય વ્યાપારો પણ સમજાય. મૂળ અર્થને જાણ્યા વિના,ઘણી- વાર, અન્ય અર્થનો સાચો રોમાંચ થતો નથી. શબ્દ એના મુખ્ય અર્થમાંથી જ તિર્યકતા સાધે છે. વાઈઝમેન કહે છે તેમ,……….Yet, in the remotest meaning there is still some echo of the original sound of the word. 

આમ અભિધા એ પાયાની, બુનિયાદી શક્તિ છે. એમાંથી જ, એને આધારે જ શબ્દની અન્ય શક્તિઓનો વિકાસ-વિસ્તાર થાય છે.

(આવતી કાલે લક્ષણાથી કાવ્યાસ્વાદન)  

પ્રા. નવઘણસિંહ બી. વાઘેલા
(સંસ્કૃત વિભાગાધ્યક્ષ)
શ્રી એન.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, શંખેશ્વર.
તા.સમી, જિ.પાટણ(ઉ.ગુ.) – ૩૮૪૨૪૬

6 Responses

  1. ઉમેશ જોષી says:

    મમ્મટની અભિધા વિશે સરસ જણાવેલ છે.

  2. દિલીપ જોશી says:

    કાવ્યમાં અભિધા,લક્ષણા અને વ્યંજનાના મહત્વની છણાવટ કરતો મમ્મટની વ્યાખ્યા મુજબનો નવલસિંહ વાઘેલાનો લેખ ગમ્યો.એ સાચું છે કે અભિધા કાવ્યનો પિંડ ઘડે છે. ઘણી વખત જ્યારે સમાજને આંગળી ચીંધીને વાત કરવાની હોય ત્યારે અભિધામાં કહેવાતું સત્ય લોકોની રગેરગમાં ઉતરી જાય છે અને ધાર્યું નિશાન લઈ શકાય છે.આ સફળતાનો આધાર આમ લોકોના માનસમાં એ રજૂઆત કઈ રીતે પહોંચે છે એના ઉપર છે.એ અભિધાથી શક્ય બને છે.
    વાહ વાઘેલા સાહેબ.
    દિલીપ જોશી.
    રાજકોટ

    • Kavyavishva says:

      રસ લઈને વાંચીને આટલી ઊંડાણપૂર્વક નોંધ લખવા બદલ આભાર દિલીપભાઇ

  3. વાહ ખુબ સરસ

  4. કાવ્ય શાસ્ત્ર વિષે ભણ્યા ના હાય એવા કવિઓ માટે સરસ સમજણ ભર્યો લેખ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: