રામનારાયણ વિ. પાઠક ‘શેષ’ ~ દુહા-મુક્તકો & હજીયે ન જાગે * Ramnarayan Pathak

આતમરામ

હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!

સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર,
સમજું ન ભરતી કે આ તે આવે છે તુફાન!
આ તે આવે છે તુફાન!
હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!

સઢ સંધા ફડફડે, દોર ધિંગા કડકડે;
હાજર સૌ ટંડેલ એક આ સૂનાં છે સુકાન!
મારાં સૂનાં છે સુકાન!
હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!

વહાણ રાખું નાગરેલું, વેપાર શી રીતે ખેડું?
સવાયા થાશે કે જાશે મૂળગાય દામ!
હજીયે ન જાગે મારો આતમરામ!
મારો આતમરામ!

હવે તો થાય છે મોડું વિનવું હું પાયે પડું,
મારે તો થવા બેઠો છે ફેરો આ નકામ!
મારો ફેરો આ નકામ!
જાગોજી જાગોજી મારા આતમરામ!
વ્હાલા આતમરામ!

~ રામનારાયણ વિ. પાઠક ‘શેષ’
(8.4.1887-21.8.1955)

દુહા-મુક્તકો

એકલ ખાવું, એકલ જોવું, એકલ રમવું ઈશ!
એકલ વાટે વિચરવું, કરમ કદી ન લખીશ.

*
એકલ દેતા દાન જે, એકલ ઝૂઝતા જંગ,
એકલ જગનિન્દા સહે, એ મરદોને રંગ!

*
એકલ ભલાં તપસ્વીઓ, રસિયાં ભલાં જ હોય,
બીજાં ત્રણ, ત્રણ કે અધિક, જો દિલ દંભ ન હોય.

*
સુંદર સુંદર સૌ કહે, સુંદર કહ્યું શું જાય?
(ઈ) સાચા સુંદર કારણે, (જેનો) કળીકળી જીવ કપાય.

*
તન ખોટાં, હૈયાં ખૂટલ, ધરવ ન કશીયે વાત,
એ કળજુગની જાત, શાણા સમજે સાનમાં

*
મુખ સમ કો મંગલ નહિ, મૃત્યુ સમી નહિ હાણ,
જગ સમ કો જંગલ નહિ, સત્ય સમી નહિ વાણ.

~ રામનારાયણ વિ. પાઠક શેષ(8.4.1887-21.8.1955)

આપણી ભાષાના હસતા ફિલસૂફ‘  એટલે કવિ, વિવેચક, વિદ્વાન શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક – રા.વિ.પાઠક  એવું ઉમાશંકર જોશીએ નોંધ્યું છે. ‘શેષઉપનામથી કાવ્યો,  ‘દ્વિરેફ’ ઉપનામથી વાર્તાઓ અને ‘સ્વૈરવિહારી’ ઉપનામથી હળવા નિબંધો એમણે આપ્યાં છે.

આપણી અંદરના રામ એટલે કે આતમરામને સંબોધીને લખાયેલું આ ભજન.

જાગોજી જાગોજી મારા આતમરામ! વ્હાલા આતમરામ! પોતાની સામાન્ય પ્રાકૃત સ્થિતિથી ઊર્ધ્વ થઇ નિર્ણય કરવાની શક્તિ માણસમાં છે તેને અહીં અંતરાત્મા-આતમરામ કહેલો છેએવી નોંધ પાઠકસાહેબે કરેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: