ઉમેશ જોશી ~ તેને ઈશારાઓની સમજણ પણ છે અને તાન્કા * Umesh Joshi

પણ છે
તેને ઈશારાઓની સમજણ પણ છે
જોવા ચહેરાની સામે દર્પણ પણ છે
અવસ્થાને ખંખેરી થઈ ગયો બેઠો
એવું લાગ્યું, મારામાં બચપણ પણ છે.
માળો બાંધ્યો છે ભરોસાની ડાળે ત્યાં,
જાત માટે કલરવના મુઠ્ઠી કણ પણ છે.
મૃગજળ અને જળ વચ્ચેના ભેદમાં,
અસંખ્ય આંસુડાંઓનું સમર્પણ પણ છે.
પગરવ આવે એવો ઢોલિયો ઢળાય,
ને હિંડોળે ઝૂલે એવી ક્ષણ પણ છે.
~ ઉમેશ જોશી
બે તાન્કા
એક વખત
પડછાયાને થયું
કંઈક બોલું,
વિચારવા રહ્યો ત્યાં
સૂર્ય આથમી ગયો.
~ ઉમેશ જોષી
@@
ફળિયે આવી
અંધકારનું ટોળું
સગડ શોધે
ટમટમતી રાતે
અધૂરી એષણાનું
~ ઉમેશ જોશી
@@@
ઝીણી ઝીણી સંવેદના વેરાયેલી છે. ભરોસાની ડાળે માળો બાંધવાની વાત જાણીતી પણ ત્યાં કલરવના મુઠ્ઠી કણ પામવાની લાગણી સ્પર્શી જાય… એવો જ છેલ્લો શેર…. જરા ઝીણું કામ છે એમાં.
પગરવ થાય ત્યારે ઢોલિયો ઢળાય! કોઈ આવે ત્યારે એના હરખ થાય. આવી ક્ષણ નાયક પાસે છે. આમાં કોઈ આવવાનું જ છે એવો વિશ્વાસ છે અને એ આગમન હરખનું છે એવો પણ ભરોસો છે. કેમ કે પ્રત્યેક આગમન સુખદાયી નથી હોતા. તો આ શેરની બીજી પંક્તિ ‘હિંડોળે ઝૂલે એવી ક્ષણ પણ છે’ એને પ્રથમ પંક્તિ સાથે જોડી શકાય. જેનું સુખદાયી આગમન થવાનું છે એને હિંડોળે ઝૂલાવાય કે એની સાથે હિંડોળે ઝૂલવાનો આનંદ મેળવાય. આ પંક્તિને સ્વતંત્ર રીતે પણ લઈ શકાય કે જીવનમાં ખુશીને ઝૂલે ઝુલાવે એવી ક્ષણોની પણ ખોટ નથી.
સરસ મજાની ગઝલ. ગમી.
@@
બન્ને રચનાઓ ખુબ ગમી
ખૂબ જ સરસ ગઝલ, આસ્વાદ પણ. તાન્કા ખૂબ સરસ.
બંને રચનાઓ સરસ. આસ્વાદ પણ સરસ છે.
વાહ 👌🏽👌🏽