કવિ નર્મદ ~ નવ કરશો કોઈ

નવ કરશો કોઈ શોક

નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક,
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિકડાં

પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી. રસિકડાં
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિકડાં

એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. રસિકડાં
હતો દૂખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી. રસિકડાં

મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી. રસિકડાં
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. રસિકડાં

વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. રસિકડાં
જુદાઈ દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિકડાં

મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રુદનથી. રસિકડાં
જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી. રસિકડાં

મને વિસારી રામ સમરજો, સુખી થશો એ લતથી. રસિકડાં

~ નર્મદ

2 thoughts on “કવિ નર્મદ ~ નવ કરશો કોઈ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *