રમેશ પારેખ ~ આયનામાંથી કશોયે

અર્થ નીકળતો નથી

આયનામાંથી કશોયે અર્થ નીકળતો નથી
ને પ્રતિબિંબે પૂછેલો પ્રશ્ન પણ ટળતો નથી

એકધારી વાતનું કોઇ તો વિષયાંતર કરે
હું મને કહું છું અને તે હું ય સાંભળતો નથી

ભરબપોરે વિસ્તરી ગઇ છે અહીં કેવી અમાસ
મારો પડછાયો હું શોધું છું અને મળતો નથી

હાથ આખોયે સમયના સૂર્યમાં પીગળી ગયો
હસ્તરેખાનો બરફ આ છે કે પીગળતો નથી

મેં ભરેલા શ્વાસની લંબાઇ ત્યાં લાવી મને
જ્યાં ઊગેલો સૂર્ય રાતે પણ કદી ઢળતો નથી

સાફ બેહદ થઇ ગઇ છે દૃષ્ટિઓ મારી હવે
કોઇ કિસ્સો સ્વપ્નમાં પણ આંખને છળતો નથી.

~ રમેશ પારેખ

1 thought on “રમેશ પારેખ ~ આયનામાંથી કશોયે”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *