રમેશ પારેખ ~ આપણે આપણો & અસંખ્ય ઝાંઝવા * Ramesh Parekh
ધર્મ સંભાળીએ
આપણે આપણો ધર્મ સંભાળીએ
સૂર્યને ન્યાળીએ ઘાવ પંપાળીએ
ઢાળીએ રાતનું ઢીમ ઘરમાં અને
જીવને ઝાટકી વાસીદું વાળીએ
શ્વાસ કરતબ કરે, જાય પાછો ફરે
જોઈએ ખેલ તાળી દઈ તાળીએ
વિશ્વમાં પેસીએ, ટેસથી બેસીએ
ટેસથી આંખને ટાંગીએ ગાળીએ
મૂછને તાવ દઈ આપણી નાવ લઈ
રાહ દરિયાવની દેખીએ જાળીએ
~ રમેશ પારેખ
નિરાંતે લટકે છે
અસંખ્ય ઝાંઝવા ઘરની હવામાં ભટકે છે,
પછીથી હાથની રેખા બનીને અટકે છે.
હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું ?
વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે !
ઉઘાડી આંખમાં છલકે અસંખ્ય શમણાંઓ,
ભીડેલી પાંપણો વીંધી તમામ છટકે છે.
મરણગતિએ મળી લઈએ એકબીજાને-
એક ઘરમાં બે ખંડની જુદાઈ ખટકે છે.
દીવાલ જેવી સલામત જગાઓ શોધીને,
જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છે.
~ રમેશ પારેખ
સરસ સંકલન
ઉત્તમ કાવ્યો
દિલ તરબતર થઇ જાય એવા કાવ્યો