અજબ મિલાવટ કરી
અજબ મિલાવટ કરી
ચિતારે રંગ પ્યાલીઓ ભરી!
એક લસરકે ઊગી નીકળ્યાં
જંગલ જંગલ ઝાડ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા
ધરતીપટથી પ્હાડ !
ઘટ્ટ નીલિમા નરી.
ચિતારે રંગ પ્યાલીઓ ભરી….
જરાક ખંખેરી પીંછી ત્યાં
ફૂલને લાગી છાંટ;
ફૂંક મારતાં ફેલાયા શા
સાગર સાત અફાટ!
જલરંગે જલપરી !
ચિતારે રંગપ્યાલીઓ ભરી….
લૂછતા વાદળ પોતે ઉઘડ્યા
ઈન્દ્રધનુના રંગ;
રંગરંગમાં લીલા નિજની
નીરખે થઈને દંગ !
ચીતરે ફરી ફરી !
ચિતારે રંગપ્યાલીઓ ભરી….
~ જયન્ત પાઠક

ખૂબ સરસ કાવ્યો. સ્મૃતિ વંદન.
જયંત પાઠકની સરળ ભાષામાં સુંદર રચનાઓ 👌🏽👌🏽👌🏽🌹🌹🌹