રક્ષા શાહ ~ સોનેટ & પેટ ભરવા Raxa Shah

યુદ્ધ (સોનેટ)

આતંકીથી જગત જનને કાળ માપી રહ્યો છે,
ઘેરી લીધાં જલ, થલ,નભે યુદ્ધમાં સૈનિકોએ.
આવે ટાણે નૃપ,ગરીબ સૌ વૃદ્ધ ને બાળ ધ્રૂજે,
ના કો’ માથા પર છતર ને તોપ ને બોમ્બ ફૂટે.

શુરા એનાં ટપટપ ઢળે ચુંમતા ભૂમિ પ્યારી,
મારો,ફોડો ગગન ગજવે દેહ પે ઘાવ ઝાલી.
સંકેલી લો ધસમસ થશે વિશ્વ આખું ઘડીમાં,
સાથે રે’તા અવની પરના માનવીની દયામાં.

આતંકીનો જનગણ અહીં ક્રુરતાથી ભરેલો,
મંત્રીઓ સૌ ફરજ પરથી માર્ગ શોધે દશાનો.
થોભી જાઓ લથબથ થયાં દેશ બે વિશ્વમાં રે,
ઈચ્છે છે સૌ ગદગદ થઈ યુદ્ધ લાબું ન ચાલે.

એવું લાગે કમનસીબથી યુદ્ધ ત્રીજુંય થાશે,
પંચાંગે આ દિન દિન પછી દીન જેવા છપાશે.

~ રક્ષા શાહ

ગઝલ

પેટ ભરવા એ નનામી વેચતા’તા
તોય ગ્રાહક ના વધે એ પ્રાર્થતા’તા.

જેટલાં ઊંચા અવાજે બોલતા’તા
એટલા એ ખૂબ નીચા લાગતા’તા.

બંધ દરવાજે રડ્યા છે તે છતાં પણ
કોઈ આવે તો હસીને ખોલતા’તા.

એ સદીમાં પ્રેમ મોંઘો લાગતો નહિ
એકબીજા વસ્તુ નહિ,દિલ આપતા’તા.

પેટનો ખાડોય ક્યાં દેખાય એને
ઠોકરો વાગે છતાંયે દોડતા’તા.

એમની ભાષા સરળ લાગી બધાને
જે સહી પણ અંગુઠાથી આપતા’તા.

મંદિરો નહિ,માણસો ઊભા કર્યા છે
એટલે ભગવાન એને માનતા’તા.

શું બતાવું દોસ્ત એ પકવાન માટે
એક મુઠ્ઠીમાં ચણા રાખી વહેંચતા’તા.

જાણતા’તા ઘાત પાણીની છે મને
આંસુ આવે તો તરત એ રોકતા’તા.

શહેર છોડીને ભલે આવી ગયાં એ
બેગમાં એ શહેર આખું લાવતા’તા.

~ રક્ષા શાહ

4 Responses

  1. Shah Raxa says:

    ખૂબ ખૂબ ખૂબ આભાર…🙏💐

  2. ખુબ ખુબ સરસ કાવ્ય ખુબ ખુબ ગમ્યા

  3. ખૂબ સરસ સામ્પ્રત સમયનું સોનેટ, ગઝલ પણ સરસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: