પ્રફુલ્લ પંડ્યા ~ એકવાર મન & ક્યાંક પાંદડા નીચે રે * Prafull Pandya

નથી આવતું 

એકવાર મન સાવ ખાલી થઈ જાય પછી
મનમાં પણ કંઈ નથી આવતું  !
એકવાર જંગલમાં નાચે છે મોર પછી
મોરમાં પણ મોરપણું મોરમાં બેસીને નથી નાચતું !

જેમ મોરમાંથી મોરપણું છૂટું પડે છે એમ
આપણે પણ આપણાંથી છૂટાં !
છૂટાં પડેલાં હાથ પગને પૂછે છે કેમ
ફરકયાં નહીં આપણાં અંગૂઠા ?
ટેરવાં પણ ધ્રૂજારી ગૂમાવી બેસે ત્યારે
ટકોરા જેવું યે નથી આવતું ‌!

આમ તો આ આપણને દૂરથી જોવાનાં,
જુઓ આપણાપણું ત્યાં ચાલ્યું જાય છે !
જ્યારે પણ જાતના બે ટૂકડા થઈ જાય છે,
જુદી જુદી દિશામાં એ જાય છે !
જાતમાંથી જુદી થયેલી બીજી જાત ઊંડો કૂવો પૂરે
તો પછી કોઈ નથી એને બચાવતું !

~ પ્રફુલ્લ પંડ્યા

કવિનો આજે જન્મદિન અને એમની એકદમ તાજી જ રચનાઓ માણો…

જુગ જુગ જિયો કવિ !

જઈ બેસીએ

ક્યાંક પાંદડા નીચે રે જઈ બેસીએ !
એકલતા સોંસરવી ભીંસ્યા કરે છે તો
ભીંસમાંથી મોકળાશ ખેંચીએ !
ક્યાંક પાંદડા નીચે રે જઈ બેસીએ  !

પગ પાંદડા તો રેબઝેબ ફરકયાં કરે ને
નહીં આંખના અરિસામાં છાંયો !
ડાળખી બનીને દેહ ઝૂલ્યાં કરે ને
દેહ અંદર ઝૂલે છે પડછાયો !
ક્યાંક અટકીને આગળ થઈ બેસીએ !
ક્યાંક પાંદડા નીચે રે જઈ બેસીએ  !

કાળાં માથાંને લઈ દોડવાનું થાય
ધોમ કાળી બપ્પોરનાં ક્યાંક,
સાવ સૂનાં કટિબંધનો સૂનો અનુભવ
રે પગની મુરાદ બધી રાંક !
રાંક વાદળમાં વ્હેંત એક ઠેકીએ !
કહો પાંદડાં નીચે રે કેમ બેસીએ ?

~ પ્રફુલ્લ પંડ્યા

વિષયની રીતે આ કવિ સાવ જુદા જ છે. ગીતમાં આવો વિષય પણ આવી શકે ? એવો સવાલ થાય ત્યારે આ કવિને યાદ કરવા. એ ગીતમાં સાવ જુદો વિષય આપી શકે અને એને મજ્જાનો નિભાવી પણ શકે…

7 Responses

  1. ઉમેશ જોષી says:

    વાહ ગીત કવિ….. પ્રફુલ્લ પંડ્યા.

  2. Minal Oza says:

    ગીતમાં આવા નોખા વિષયને ઉતારવો અઘરઓ જે કવિ કરી શક્યા છે. અભિનંદન.

  3. પ્રફુલ્લ પંડ્યા says:

    બંને ગીત અને જન્મદિન વિશેષ ખૂબ સરસ રીતે મૂક્યું છે અને તમારી મૂલ્યસભર કોમેન્ટ સાથે !
    હાર્દિક આભાર. લતાબેન
    પ્રફુલ્લ પંડ્યા

  4. પ્રફુલ્લ ભાઈ ની બન્ને રચનાઓ ખુબ માણવા લાયક ખુબ સરસ જન્મદિવસ ની શુભ કામના

  5. હરીશ દાસાણી says:

    ખૂબ જ સુંદર ગીતો

  6. મિત્ર પ્રફુલ્લ ભાઈની વાત કરવી એટલે એમની અનોખી રચનાઓ ને માણવી, એમને પારખવા એટલે કાવ્યના અવનવા રંગ માણવા. ખૂબ શુભેચ્છાઓ એમના જન્મ દિવસે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: