મુસ્લિમ કવિઓની કૃષ્ણપ્રીતિ ~ આર.પી.જોષી * R P Joshi
મુસ્લિમ કવિઓની કૃષ્ણપ્રીતિ
ઈશ્વરીય તત્ત્વનું નિરૂપણ એ વેદકાલીન, મધ્યકાલીન, સમકાલીન સાહિત્યનો સનાતન વિષય રહ્યો છે. ઈશ્વરદર્શની ઝંખના અને ઈશ્વરાનુભૂતિનું ગેબીગાન આપણા સાહિત્યમાં શબ્દદેહે સૈકાઓથી અવતરતું રહ્યું છે.
નાત-જાતના કે કર્મ-ધર્મના ભેદભાવથી ભિન્નતા કેળવીને આર્યાવર્તના સર્જકોએ પ્રભુપ્રીતિ (इश्क-ए-हकीकी)ને સુપેરે પ્રગટાવીને કોમી એખલાસ અને સર્વધર્મસમભાવની જ્યોત સૈકાઓથી જલતી રાખી છે. એક તરફ હિંદુ સૂફી સંત-કવિઓએ માશુકાનાં માધ્યમ થકી પરવરદિગારનાં પૂજન-અર્ચન કરેલ છે તો બીજી તરફ અનેક મુસ્લિમ સંત-કવિ/શાયરોએ રામ-કૃષ્ણ-શિવ આદિ સનાતન હિંદુ દેવતાઓનું આરાધન/આલેખન પોતપોતાની રચનાઓમાં કરેલ છે.
વિવિધ મુસ્લિમ કવિઓએ કરેલ ‘કૃષ્ણગાન’ની થોડી ઝલક માણીએ:
હઝરત નિઝામુદ્દીન ઓલિયાના પટ્ટશિષ્ય अमीर खुसरो (1253-1325)એ કૃષ્ણનો સ્પષ્ટ નામોલ્લેખ કર્યા વિના, કૃષ્ણલીલાને કેન્દ્રમાં રાખીને રચેલ રમણીય રચનાનો એક અંશ જુઓ:
ए री सखी मैं जो गई थी पनिया भरन को,
छीन झपट मोरी मटकी पटकी, मोसे नैना मिलाई के,
छाप तिलक सब छीन ली, मोसे नैना मिलाई के
અકબરનાં દરબારનાં ‘નવરત્ન’ પૈકીનાં એક એવા अब्दुल रहीम खानखाना ઉર્ફે रहीम નો કૃષ્ણપ્રેમ પણ સુવિદિત છે.એક નમૂનો જુઓ:
रहीमन कोउ का करे,
जुआरी, चोर, लबार !
जो पत राखनहार है
माखन चाखन हार !
(જેની લાજ રાખવાવાળો માખણચોર કનૈયો છે એનું જુગારી, ચોર કે લબાડ શું બગાડી શકે?)
અકબરના સમકાલીન મુસ્લિમ સંતકવિ सैयद इब्राहीम ઉર્ફે रसखान તો કૃષ્ણના અઠંગ ચાહક અને પરમ વૈષ્ણવજન.એમનાં એક પદમાં પ્રગટતી કૃષ્ણપ્રીતિ જુઓ :
मानुष हो तो वही रसखानी,
बसो ब्रिज गोकुल गांव के ग्वालना
जो पशु हो तो कहां वश मेरो,
चरो नित नंद की धेनु मंझारन
पाहन हो तो वही गिरि को जो
धर्यो कर छत्र पुरंदर धारना
जो खग हो तो बसेरो करौ मिली
कालिंदी कूल कदंब की डारन
(જો આવતા જન્મે હું મનુષ્ય બનું તો વ્રજવાસી જ બનું.જો પશુ બનું તો નંદની ગાય બનીને ચર્યાં કરું. જો પથ્થર બનું તો કૃષ્ણએ ઊંચકેલ ગોવર્ધન પર્વતનો પથ્થર બનું અને પક્ષી બનું તો જમુના કાંઠે ઝૂલતી કદંબડાળ પર સ્થાન મળે.)
શાયર बेकल उत्साही (नबी ) અને કૃષ્ણનું સાયુજ્ય આ રીતે રચે છે:
भाव-स्वभाव के मोल में दो अक्षर अनमोल,
नबी मेरा इतिहास है, कृष्ण मेरी भूगोल
‘ઉર્દૂ નઝમના પિતા’ ગણાતા આગ્રાના શાયર वली मुहम्मद ઉર્ફે नझीर अकबराबादी કાનુડાની મોરલીના નાદ પર વારી ગયેલા. જુઓ,
जब मुरलीधरने मुरली को अपनी अधर धरी,
क्या क्या प्रेम प्रीति भरी इस में धून भरी !
लै उस में राधे राधे को हर दम भरी खरी,
जब सुननेवाले कह उठे जय जय हरी हरी !
કૃષ્ણનાં ‘ j ‘ આકારના વાંકડિયા (लाम) વાળ( गेसू ) ઉપર વારી જતાં मुसाहिब लखनवी કહે છે:
लाम के मानिंद है गेसू मेरे घनश्याम के,
वो सभी काफिर है,जो कायल नहीं इस लाम के
અવધના નવાબ वाजिद अली शाह ની મીરાંપ્રીતિ જુઓ:
फिर मूरत से बाहर आकर चारो ओर बिखर जा,
फिर मंदिर को कोई मीरां दिवानी दे मौला !
એક અન્ય કૃષ્ણપ્રેમી શાયર हझरत नफीश खलीली કૃષ્ણનાં અનન્ય સૌન્દર્યને આ રીતે અભિવ્યક્ત કરે છે:
कनैया की आंखे हिरन सी नशीली,
कनैया की शोखी कली सी रसीली,
कनैया की छबि दिल उडा देने वाली,
कनैया की सूरत लुभा लेने वाली !
इन्शाअल्लाह खान ‘इन्शा’ કૃષ્ણનાં પરિધાન પરત્વે પ્રસન્નતા વ્યક્ત કરતાં લખે છે:
सांवले तन पे गजब धज है बसंती शाल की,
जी में हैं कह बैठिए अब जय कनैयालाल की
‘પંજાબનાં મીરાંબાઈ ‘ ગણાતાં કૃષ્ણાસક્ત કવયિત્રી ताज मुगलानी ‘ताज’ ની કવિતામાં પ્રેમલક્ષણા ભક્તિ જુદા જ રંગગરૂપમાં પડઘાય છે. જુઓ,
दुष्टजन मारे, सतजन रखवारे ‘ताज’,
चित्तहितवारे, प्रेम प्रीति कर वारा है,
नंदजू को प्यारा, जिन कंस को पछारा,
वह वृदावनवारा, कृष्ण साहब हमारा है !
આ ઉપરાંત सैयद अब्दुल जलील बिलग्रामी/नबीब्क्श ‘फलक’, શાયરા शेख रंगरंजन, शाह बरहानुद्दि ‘जानम’, हाफिज जालंधरी, सईद सुलतान ख्वाजा हसन निझामी, वाहिद अली, आलम शेख, हझरत शाह तुरब चिश्ती, वली दक्खणी, मीर अब्दुल वली, शाह बरकतुल्लाह, अकबर शाह, कादीर बक्ष, मुर्तुझा अहमद खां, मौलाना झफर अली खां, मुबारक अली, अली रझा, अली सरदार जाकरी જેવા અનેક આધુનિક મુસ્લિમ શાયરો/ શાયરાઓએ પોતીકી છટાથી કૃષ્ણપ્રેમ પ્રગટાવ્યો છે.
છેલ્લે परवीन शाकिर તો શે ભૂલાય?
श्याम, मैं तोरी गईयां चराउं,
मोल ले ले तुं मेरी कमाई !
कृष्ण गोपाल रस्ता ही भूले,
राधा प्यारी तो सुध भूल आई
પાકિસ્તાન જેવા કટ્ટર ઈસ્લામિક દેશમાં જાહેર મંચ પરથી કૃષ્ણપ્રીતિને પ્રગટાવતી કવિતાઓ વટથી સંભળાવનાર સુખ્યાત પાકિસ્તાની શાયરા परवीन शाकिर ના વધુ એક શેર સાથે….
ये हवा केसे उडा ले गई आंचल मेरा ?
यूं सताने की आदत तो मेरे घनश्याम की थी !
~ આર. પી. જોશી (રાજકોટ)
વાહ ખુબ સરસ માહિતીસભર લેખ
કૃષ્ણ વ્યક્તિત્વ, એ કદી ધર્મનાનવાડામાં બંધાયો નથી. ઈતિહાસ સાક્ષી છે કે મોટાભાગના કવિ, ગાયકો, સાહિત્યકારોએ કૃષ્ણને ગાયા છે.