લતા હિરાણી ~ એક ગમતીલું ગીત * Lata Hirani
‘કવિતા’ > 6-2023
આજ તો જરી વ્હાલ કરી લે
કાલની ખબર કોઈ ન જાણે, જીવને માલામાલ કરી લે
આજ તો જરી વ્હાલ કરી લે !
લહેરખી જરી એક આવે કે વન આખુંયે લહેરાયે ને
ઋત બધીયે સામટે સાદે, હળવાં મીઠાં ગીતડાં ગાયે
પડઘા પડે સંગ સદાયે, એમ અનોખા ભાવ ભજી લે
આજ તો જરી વ્હાલ કરી લે !
એક દિ’ આખેઆખી પી જો, રોજ ઊઠીને ઊગતી જે એ
રૂંવે રૂંવું ભરશે તારું, તોય છલોછલ રહેતી તેજે
એ જ સવારે મન મૂકીને, પગમાં તારા તાલ ભરી લે
આજ તો જરી વ્હાલ કરી લે !
નાનકું જોને આભલું પેલું, આછા તેજે ના’તું કેવું
સાંજ પડે ને એય તળાવે, જળની વાતે થાતું ઘેલું
વાયરા અંગેઅંગ પરોવી, રતુમડો ગુલાલ સજી લે….
આજ તો જરી વ્હાલ કરી લે !
~ લતા હિરાણી
(છેલ્લો અંતરો બદલ્યો છે. 5.9.23)
આયના ને પણ બાથ ભરી….વાહ વાહ આપના પોઝિટીવ વલણો આરપાર દેખાય છે કવિતા લાવણય મય છે ધન્યવાદ
વાહ, આદરણીય લતાજી, સરસ અભિવ્યક્તિ, લય સભર સુંદર શબ્દો.
વાહ ખૂબ સરસ 👌🏻👏🏻👌🏻
સહજ લયમાં આવેલું ગીત ,સરળ શબ્દોમાં વહેંચે. અભિનંદન, લતાબહેન.
ખુબ સરસ કાવ્ય ખુબ ખુબ અભિનંદન ય
વ્હાલ કરી લે..સુંદર રચના.
ખૂબ સરસ ગીત..
લય તથા શબ્દ માધુર્યથી ગમી જાય તેવું સુંદર ગીત
અત્રે પ્રસ્તુત સુંદર ગીત … .લતાબેનને સલામ !
પ્રફુલ્લ પંડ્યા
આજ તો જરી વ્હાલ કરી લે!
લતાબહેનની અંદર લપાયેલી વાણીએ આ ગીતમાં પ્રવેશ કરી લીધો છે!
હા પ્રાસ આદિની ખેવના તમારા ગીતને ઊજળું બનાવશે, એટલું કાનમાં કહી દઉં. ખૂબ ખૂબ ધન્યવાદ.
સરસ ગીત…👌
ગીત સાદ્યત સુંદર બન્યું છે.આપનું કવિકર્મ ગીતમાં સુપેરે પ્રગટ થયું છે. હ્રદય થી દુર રહી જાય તે ગીત નથી હોતું.આપનું ગીત હરદય ને સ્પર્શી જાય છે.ખૂબ ખૂબ ધન્યવાદ.
-- રામુભાઇ ડરણકર.
આભારી છું રામુભાઈ, રિયાઝભાઈ, પ્રફુલ્લભાઈ, હરીશભાઈ, ઉમેશભાઈ, છબીલભાઈ, કીર્તિભાઈ, મેવાડાજી, ઉમેશભાઈ, મીનલબેન, માધવીબેન, સ્નેહલ…. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
મનોહરભાઈ, વંદન કરું છું.
સરસ ગીત
આભાર શ્વેતાજી
સરસ ગીત, લતાબેન
વાહ મસ્ત રચના
આભાર વહીદાજી
સરસ રચના… પણ મનોહરદાદાએ જે ટકોર કરી,એમાં હુંય સૂર પુરાવું છું. વહાલ કરી લે અને માલામાલ કરી લે એ ઉપાડ સાથે ત્રણેય બંધમાં બંધબેસતા પ્રાસની અપેક્ષા ભાવક સહજ જ રાખે…