અવિનાશ વ્યાસ ~ બે ગીતો * Avinash Vyas

રાખનાં રમકડાં

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે,
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે. 
રાખનાં રમકડાં….

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમતું માંડે,
આ મારું, આ તારું- કહીને એકબીજાને ભાંડે રે. 
રાખનાં રમકડાં….

એ કાચી માટીની કાયા માટે માયા કેરા રંગ લગાયા,
એ ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે. 
રાખનાં રમકડાં….

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી તેવી ગઈ. 
રાખનાં રમકડાં….

~ અવિનાશ વ્યાસ (21.7.1912 – 20.8.1984)

ફિલ્મ ‘મંગલફેરા'(૧૯૪૯)નું આ ગીત ભારતની અન્ય ૧૮ ભાષાઓમાં પણ અનુવાદિત થયું છે, જે ગુજરાતી સાહિત્ય જગત અને ગુજરાતી સુગમ સંગીત માટે ખરેખર ખૂબ જ ગૌરવપ્રદ ઘટના કહી શકાય.

અવિનાશભાઈએ બોલચાલની ભાષાથી માંડીને ઉચ્ચ સાહિત્યિક ગીતો પણ લગભગ પંદર હજાર જેટલા રચ્યા છે.  આજે પણ અવિનાશ વ્યાસનાં ગીતો લોકોના કંઠ અને કાનમાં એકદમ તરોતાજા છે. હાલરડાંથી લઈ મરશિયાં સુધીનાં એટલે કે જીવનની દરેક અવસ્થાઓના ગીતો એમણે આપણને આપ્યાં છે.

કવિ સંગીતકાર અવિનાશ વ્યાસની પૂણ્યતિથિએ સ્મૃતિવંદના

આવી ન્હોતી જાણી

આવી ન્હોતી જાણી,              .
પૂનમ, તને આવી ન્હોતી જાણી.

દૂર રે ગગનમાં તારો ગોરો ગોરો ચાંદલો,
એને જોતાં રે વેંત હું લજાણી.
પૂનમ, તને આવી ન્હોતી જાણી.

તું યે એવી ને તારો ચાંદલિયો એવો,
કરતો અડપલું તો યે મારે સહેવો,
એને વાર જરા મારી દયા આણી.
પૂનમ, તને આવી ન્હોતી જાણી.

અજવાળી રાતનું કાઢીને બહાનું,
કામ કરે દિલડું દઝાડવાનું છાનું.
તને કોણ કહે રાતની રાણી ?
પૂનમ, તને આવી ન્હોતી જાણી.

~ અવિનાશ વ્યાસ

ગીત અને સંગીત ~ અવિનાશ વ્યાસ * સ્વર ~ મહેન્દ્ર કપૂર

https://www.youtube.com/watch?v=l_mStqy3P40

1 Response

  1. ગુજરાતી ગીતો નો આખો ખજાનો આપી ને ગયા છે અવિનાશ વ્યાસ આદર સાથે પ્રણામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: