પન્ના નાયક ~ બાએ કહેલું : આસ્વાદ ~ લતા હિરાણી * Panna Nayak * Lata Hirani   

બાએ કહેલું કે
બંધિયાર ઘરમાં
ક્યારેક એકલું લાગે ત્યારે
પૂર્વની બારીઓ ખોલી નાખજે
અને
સવારના તડકાથી ભીંતો રંગજે.
મેં પૂર્વની બારીઓ ખોલી નાખી છે
અને
બધી ભીંતો તો
સોનેરી સોનેરી થઇ ગઇ છે
તોય, બહુ એકલું એકલું કેમ લાગે છે ?

~ પન્ના નાયક

સોનેરી સૂનકાર ~ લતા હિરાણી

અમેરિકામાં વસતા કવયિત્રી પન્ના નાયકની આ કવિતા પ્રથમ વાંચને એક સીધી સાદી વાતચીતની અનુભૂતિ આપે છે પણ શબ્દો જેવાં પૂરા થાય કે એક સુનકાર ઊભરાય છે. રોજિંદા જીવનની આસપાસ વણાયેલું,  છતાંય જીવાતા જતા સ્થૂળ, યાંત્રિક જીવનને વિસર્જિત કરી નાખતું ભાવવિશ્વ અનુભવાય છે. આ આખીયે સૂચનાત્મક કવિતાના છેડે એક સવાલ છે, પછી જવાબ કવયિત્રીએ નથી આપ્યો. ઉત્તર સ્વરુપે ભાવકના મનમાં ફેલાય છે અણીદાર સોય જેવા સમસંવેદનો…. એટલે જ શ્રી સુરેશ દલાલ કહે છે, “પન્ના નાયકની કવિતાઓ વિષાદની કવિતા છે. વિષાદમાંથી જે શૂન્યતાનો અનુભવ થાય છે, એનું નિરુપણ છે.”

આ ગદ્યકાવ્યની શરૂઆત થાય છે દીકરીને માએ આપેલી શીખથી. પરદેશમાં વાતાનુકુલિત ઘર હોય એટલે બંધિયારપણું સ્વાભાવિક છે. પૂર્વનો માનવી આ બંધિયારતાથી ઉબાય. એને ઊઘાડા આકાશનો, રાતને અજવાળતા તારલાઓનો કે રોમને રણઝણાવતા વાયરાનો વિરહ સાલે. દેશની માટીમાંથી ઊઠતી સુગંધ શ્વસવા માટે એ તડપે. આંખ ખુલતાં જ ઊગતા સૂર્યના કૂણાં તડકાનું સ્મરણ એના પ્રાણને વ્યાકુળતાના અંધારામાં એવું ડૂબાડે કે પરદેશનું ભૌતિક સમૃદ્ધિનું ઝળાંહળાં પણ એને એમાંથી ઉગારી શકે નહીં. અને ત્યારે બાની શીખ યાદ આવે કે એકલું લાગે ત્યારે પૂર્વ દિશાની બારીઓ ખોલવી અને સવારના તડકાથી ભીંતોને રંગવી. અહીં પૂર્વ દિશા પોતાના દેશની સૂચક છે, બારીઓ ખોલવાથી મનને મોકળાશ આપવાની સૂચના છે તો સોનેરી તડકાથી રંગાયેલી ભીંતો ઉદાસીની સાંજને ઓગાળવા માટે છે. ઉઘડતી બારીનું, ખુલ્લી આંખમાં ઉઘડતાં સ્મરણો અને ખુલેલા હૃદયમાં ઊઠતી ભાવનાઓ સાથે પણ અનુસંધાન થાય છે. પણ આ તો બાહ્ય તરસનો ઉપાય છે. ખુલ્લી બારીઓ અને તડકાનો પ્રવેશ ઘડીભર રોજિંદી જિંદગીને ઉબાતી જરૂર અટકાવે… પણ ભીતરમાં સળવળતા સુનકારનું શું ? સમસ્યા નથી ઉકેલાતી.

કવિતા પૂરી થાય છે આ શબ્દોથી, ‘તોય બહુ એકલું એકલું કેમ લાગે છે ?’ અને શરુ થાય છે સ્થૂળથી સૂક્ષ્મ તરફનો પ્રવાસ… કવયિત્રીની ઉદાસી હવે ભાવકના ભાવજગતમાં પ્રવેશી જાય છે. એની એકલતાના સીમાડા સરહદ વળોટી વાચકના વિશ્વમાં વ્યાપી જાય છે. પૂર્વની બારીઓ ખોલ્યા પછી સોનેરી તડકાથી ભીંતો ભલે રંગાય પણ હૈયું ભીંત નથી, એ ધબકે છે અને એને જોઇએ છે સંગાથ…એટલે સમગ્ર વિશ્વમાં ચેતના પૂરતી સૂર્યની ઉષ્મા એના સૂના હૈયાને હૂંફ આપી શકતી નથી….. એના મનને મલકાવી શકતી નથી.. એની એકલતા પીગળાવી શકતી નથી. કવયિત્રીને ઘરની જ નહીં, હૈયાની બારી પણ ખોલવી છે, એમાં કોઇકની હાજરી અનુભવવી છે… કોઇકનો સ્નેહ ને સંગાથ, વહેતી હવાની પાંખે ઝંખનાના જંગલો વિંધી, પ્રાણમાં પ્રવેશે અને એના એકલ અસ્તિત્વના અંધારા ઉલેચે, એ પીડા અહીં તીવ્રતાથી વાચક સુધી વહી આવે છે. વિષાદની આ કવિતા વાચકમાં વરસ્યા કરે છે……

દિવ્ય ભાસ્કર > કાવ્ય સેતુ  4 > 27 સપ્ટેમ્બર 2011

4 Responses

  1. વાહ ખુબ સરસ રચના અને અેટલોજ સરસ આસ્વાદ ખુબ ગમ્યો

  2. હરીશ દાસાણી says:

    લઘુ કાવ્ય અને આસ્વાદલેખ ભાવ અને વાસ્તવનો અનોખો સંબંધ બતાવી વિચાર કરતા કરે.

  3. 'સાજ' મેવાડા says:

    શ્રી સુરેશ દલાલ કહે છે, “પન્ના નાયકની કવિતાઓ વિષાદની કવિતા છે. વિષાદમાંથી જે શૂન્યતાનો અનુભવ થાય છે, એનું નિરુપણ છે.” હુ પણ સહમત છું.

  4. Kavyavishva says:

    આભાર મેવાડાજી, હરીશભાઈ, છબીલભાઈ અને કાવ્યવિશ્વની મુલાકાત લેનારા સૌ મિત્રો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: