શ્વેતા તલાટી ~ ખામોશી * કાવ્યસંગ્રહ

રોજ થોડું થોડું દિલ વીંધાય તો નીકળે ગઝલ
અશ્રુ થીજે, રક્ત જામી જાય તો નીકળે ગઝલ **  

રાખજો એ લક્ષ્ય સાથે યોગ્ય એક નકશો તમે
ને વિચારીને પસંદ કરજો પછી રસ્તો તમે **

રહે અજવાળું આખા ઘરમાં એ ઈચ્છા લઈ અંદર
સતત સળગ્યા કરે ફાનસ કથા એની કહું સાંભળ **

ફૂલ જેવા મૃદુ છે ને પહાડ સમ ભારેય એ
છે તમારા પર કે કેવા વાપરો શબ્દો તમે **

ખેલ અઘરો જીવનનો ને એમાંય
પ્રેમનો દાવ ખૂબ અઘરો છે **

હું રમું કાગળની હોડીથી ફરી?
વધતી ઉંમરનેય બચપણ જોઈએ **

ઘણું રડતું ‘તું પણ જો એકદમ શાંત છે
મળે બાળકને માને ખોળે, એવી હાશ શોધું છું **

આયનામાં કોઈ તડ સર્જાય છે
સત્ય જ્યારે પણ ઉઘાડું થાય છે **

ડાયરીમાં મેં ભર્યા ‘તાં પણ ક્યાં ગયા?
જિંદગી રંગીન પાનાં ફાડતી રહી **

હાથથી એના હું લે છટકી ગયો
એટલે ક્ષણભર સમય હબકી ગયો **

~ શ્વેતા તલાટી

શબ્દ પ્રત્યે લગાવ અને પ્રીતિ ધરાવનારા આ કવયિત્રી પોતે સભાનતાથી ગઝલને સમજવાનો પ્રયત્ન કરે છે
અને ગઝલસર્જનમાં પોતાનું રક્ત રેડે છે. ~ ગુલામ અબ્બાસ નાશાદ

શ્વેતાબહેન ઉત્તરોત્તર ગઝલના છંદ તથા બારીકીઓ જાણવા સમજવા ઉત્સુક હોય છે અને ગઝલ લખ્યા પછી પૂર્વસૂરિઓ સાથે સલાહ ઇસ્લાહ કરે છે એ જ એમની ગઝલને ક્રમશ: બળકટ બનાવે છે. ~ દિનેશ ડોંગરે ‘નાદાન’

શ્વેતા તલાટીએ સ્વબળે કરેલા ગઝલ પુરુષાર્થનું પરિણામ છે ‘ખામોશી’. એમાં રમલથી કામિલ સુધીની વિવિધ બહરોના પ્રયોગો ધ્યાન ખેંચે છે. ~ ડો. કુમાર જૈમિની શાસ્ત્રી

‘કાવ્યવિશ્વ’ને આ ગઝલસંગ્રહ ભેટ મોકલવા બદલ આભાર.
‘ખામોશી’ – શ્વેતા તલાટી
રન્નાદે પ્રકાશન 2023    

5 thoughts on “શ્વેતા તલાટી ~ ખામોશી * કાવ્યસંગ્રહ”

  1. દિનેશ ડોંગરે નાદાન

    ખામોશી ભેદીને આવતી સુંદર ગઝલ શ્વેતાબેન. અભિનંદન તમને અને લતાબેન બંનેને.

  2. મૂંગી સંવેદનાને ગઝલ દ્વારા વાચા આપનાર કવિયત્રી ને અભિનંદન.

  3. 'સાજ' મેવાડા

    કવિયત્રી શ્વેતાજીનું ગઝલ પુસ્તક વાંચ્યા પછી મને ‘નવો અવાજ’ સંભળાયો છે. સરસ પસંદગીના શેર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *