ભાગ્યેશ જહા ~ લેટ અસ મીટ ડીફરન્ટલી… !
ચિત્રવત્ ઉભેલી મારી શેરીમાં
વહેલી સવારથી એક કોયલ
ક્યારનીયે રંગ પુર્યા કરે છે,
એક ચકલીએ એની
ઉડાણરેખાથી હાલ જ એક લસરકો માર્યો..
કોઇ બહાર નથી એટલે કોઇ જ નથી,
એમ માની બે વાંદરાઓ લીમડાને બદલે
લાઈટના થાંભલાને વળગેલા
અજવાળામાં ધુબાકા મારે છે…
રવિવારની આવૃત્તિ જેવી લીમડાની છાયામાં પડેલા બાંકડા
વર્ષોથી આમ જ પડ્યા હોય એવું લાગે છે,
જાણે કોઇ અવાવરું બગાસું…
સૂર્ય માસ્ક પહેરીને નીકળે છે,
તડકાની ભુખથી ઉંચું મોં કરી આકાશ તરફ જોતા હીંચકાઓ,
કવિ વગરના ધોળાવાળ વાળા શબ્દોને સુંઘવા આવેલો તડકો,
વીસ સેકન્ડ સુધી ધોયેલા સાબુના ફીણવાળા હાથ બતાવતો દરિયો,
આયસોલેટેડ થઈ ગયેલી માછલીઓનો
કિનારે નહીં આવવાનો સંકલ્પ,
એક સન્નાટો પહેરીને ઉભી છે પૃથ્વી…
આવતીકાલે કદાચ ચકલી મને
સોળ સોમવારની વાર્તા કહેવા આવે
ત્યારે હું છાપાને સેનીટાઈઝર છાંટતો હોઉં,
ત્યારે જ પહેલા પાને છપાયેલા ફોટામાંથી
કોઇ ગ્લોવ્ઝ પહેરેલો હાથ
બહાર આવી એક પુસ્તક આપી જાય;
એનું શીર્ષક હોય;
“લેટ અસ મીટ, ડીફરન્ટલી… !!! ”
~ ભાગ્યેશ જહા
OP 7.12.2020
પ્રતિભાવો