ધીરુબહેન પટેલના કીચન કાવ્યો * Dhirubahen Patel

ધીરુબહેન પટેલ

ગઇકાલે સવારે આપણે એમને ગુમાવ્યા…..

હવે એ અનંતની સફરે…..

એમને વાર્તાકાર તરીકે આખું વિશ્વ જાણે છે પણ કવિ તરીકે ઓછા લોકો….

ધીરુબહેન માત્ર રસોડાના અને સ્ત્રીના મનોભાવોના વિધવિધ રૂપ-રંગોથી આ કાવ્યસંગ્રહ સજાવ્યો છે. જુઓ કેટલાંક કાવ્યો  

રંગોની ધૂળેટી

આજે તો મારા રસોડામાં

રંગોની ધૂળેટી છે.

રીંગણ ને મોગરી ને જાંબલી કોબીનો ઠાઠ

એની પાસે ગાજ૨ ને પાકાં લાલ ટામેટાં

અને પાછળ પાછો સરગવાની શિંગો

ભાજી અને કોથમીરનો લીલો પડદો!

આ તો મારી દૃષ્ટિને મંત્રમુગ્ધ કરે

એવી નયનરમ્ય ગોઠવણ!

હું ત્યાં ઊભી ઊભી જોતી જ રહી.

જાણે સમાધિસ્થ!

એટલામાં મને પાછળથી કોઈએ ધીરેથી પરવારી

અને મધુર અવાજે પૂછ્યું

‘આજે તું રાંધવાની જ નથી, મા?’

*****

સામુહિક રસોડું

સામુહિક રસોડું એટલે લાજવાબ!

એને માટે બીજો શબ્દ હોઈ જ ન શકે.

અરે! કેટલી બધી સ્ત્રીઓનાં

કેટલા બધા કલાકો બચી જાય!

નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ જ ચાલે.

કરકસરયુક્ત, સ્વચ્છ, સ્વાસ્થ્યપ્રદ,

દરેકને યોગ્ય પોષણપ્રદ.

સામૂહિક રસોડું એટલે સમાજને માટે વરદાન

કોઈ ન નાનું, કોઈ ન મોટું – સર્વ સમાન.

સૌને માટે આશીર્વાદ!

તો પછી આ મૂર્ખ સ્ત્રીઓ

‘આ કંઈ બરાબર ન કહેવાય’

એવા નિસાસા શાને નાખતી હશે?

*****

રસોડું એટલે

આ રસોડું એટલે કંઈ

ફક્ત રાંધવાની જગ્યા નહીં

દવાની દુકાન પણ એ જ.

અમારી નાની મોટી બધી તકલીફોનો

ત્યાં તરત ઈલાજ થાય.

દાદીમા ફ૨માવે ને મા બનાવે.

અમે હા પાડીએ કે ના

અમારા મોંમાં ઠોંસવામાં આવે.

એનો સ્વાદ એટલો ખરાબ હોય

અને વાસ તો એથીયે ભયંકર

પણ એટલું તો કબૂલ કરવું પડે,

અમે તરત સાજા થઈ જઈએ –

અરે, એટલા ઝટપટ

કે અમારે પાછું નિશાળે જવું જ પડે.

*****

એક સ્ત્રી

શાંત અને શાતાદાયક ચહેરાવાળી

એક સ્ત્રી પોતાના રસોડામાં મૌનપણે રાંધતી હતી.

જેવું એનું કામ પત્યું

કે તરત એણે ચાર થાળી પીરસી.

પહેલી પક્ષીઓની

બીજી પ્રાણીઓની

ત્રીજી અણધાર્યા મહેમાનની

છેલ્લી ઘ૨માં પૂજાતા દેવની.

એ તો એમણે આશીર્વાદ સાથે

પ્રસાદરૂપે પાછી વાળી.

એ સ્ત્રીને સપનામાંયે કદી

એવો વિચાર ન આવે

કે ફક્ત પોતાને માટે રાંધે

અને એકલી એકલી ખાય!

*****

મારું રસોડું

નામના સિક્કા મારેલી કોઈ પણ ચીજ

મારા રસોડામાં પેસવા જ ન દઉં!

મારે તો ઈશ્વરની ઇચ્છા પ્રમાણે

કુદરતે જ બનાવેલું કાચું ને ખરબચડું બધું ખપે.

એનો મારી મરજી પ્રમાણેનો ઘાટ ઘડવાની

મને ફુ૨સદ છે.

લાખો માણસો માટે વૈજ્ઞાનિક પ્રક્રિયાથી બનાવેલો ખોરાક

મને હું ખોવાઈ ગઈ હોઉં એવો અનુભવ કરાવે છે.

મારું રસોડું એટલે

શું માત્ર ડબા ખોલવાનું

ને ખોખાં પરનાં ઢાંકણાં ફાડવાનું

અને બાટલીઓના બૂચ

સંભાળીને કાઢવાનું જ સ્થળ છે?

ખોરાકના ધંધામાં પડેલા ને શહે૨માં વસતા

મહાન ઉદ્યોગપતિઓના હુકમ ઉઠાવનારી

હું શું એક મામૂલી મજૂરણ છું?

*****

રાંધવું એટલે

જુવાન છોકરીઓનું એક ઝોલું

ઓચિંતું મારા રસોડામાં ઊતરી આવ્યું છે.

એમની લાંબી રજાઓ શરૂ થઈ છે

એટલે મારી દીકરીની એક બહેનપણીને

એકાએક સોલો ઊપડ્યો –

“આપણે રાંધતાં શીખીએ તો કેવી મજા પડે!”

બીજી બધી તરત સંમત થઈ.

એ લોકોને એવી જ ટેવ હોય છે.

હવે એમને કશું શીખવાય તો નહીં.

એ પોતાની મેળે જ બધું જાણી ચૂક્યાં હોય છે.

માત્ર એમને એટલી ખબર નથી

કે રાંધવું એટલે

માત્ર બાફવું, ઉકાળવું, શેકવું કે તળવું નહીં

કે બે ચાર મસાલા ભભરાવી દેવા એટલું જ નહીં.

ત્યાર પછી બધું સાફ કરવાનું, ધોવાનું,

લૂછવાનું, ઘસવાનું, ગોઠવવાનું

ને રસોડાને તદ્દન નવું ચકચકાટ કરી દેવાનું પણ હોય છે.

*****

સૌજન્ય : કાવ્યસંગ્રહ ‘કીચન પોએમ્સ’ ~ ધીરુબહેન પટેલ * પ્રકાશક : બુકપબ 2018

આ જ કાવ્યસંગ્રહ ધીરુબહેન અંગ્રેજીમાં પણ આપ્યો છે.

Kitchen Poems – Dhiruben Patel * Image Pub. 2005, 2nd ed 2017

15 Responses

  1. પારુલ બારોટ says:

    વાહ… ખૂબ સરસ…સાહિત્ય જગતને શ્રી ધીરુબહેન જવાથી મોટી ખોટ પડી છે…

  2. Bakulesh Deaai says:

    વાહ સરસ

  3. Divaben says:

    “એક સ્ત્રી’ સૌથી વધારે ગમ્યું.
    મું ધીરૂ બેનના આત્માને સંતોષ મળો!!

  4. Shah Raxa says:

    વાહ…વાહ..વાહ…સાદર વંદન🙏💐

  5. ધીરૂબેન ની ચેતના ને પ્રણામ સરસ કાવ્યો

  6. હરીશ દાસાણી.મુંબઈ says:

    ધીરુબેનના આ રસોડા કાવ્યોમાં બજારવાદ સામેનો વિરોધ અને સાંસ્કૃતિક પરંપરાઓ સરસ કાવ્યાત્મક રૂપ લઈ આસન જમાવી બેઠા છે. સમાજ અને આંધળા નારીવાદને પણ ખોંખારીને કહેવા જોગ બધું કહી દીધું છે.

  7. Pritiben Hareshbhai Trivedi says:

    વાહ ખુબ જ સરસ. બધાં જ કાવ્ય કોઈ ને કોઈ મેસેજ આપી જાય છે. બહેન ને સાદર પ્રણામ 🙏🙏🙏

  8. એકાધિક સંવેદન, રસોડા મસે પણ કેટલું માર્મિક અને સત્ય.

  9. વહીદા ડ્રાઈવર says:

    મસ્ત કાવ્યો..્

    સાહિત્ય જગત ને મોટી ખોટ પડી

  10. Niva Joshi says:

    આગવો દ્રષ્ટિકોણ રસોડાનો,ખાલીપો તો વર્તાશે જ.

  11. રેખાબા સરવૈયા says:

    બધા કાવ્યો એકી શ્વાસે પીવાતા પાણીની જેમ વાંચ્યા.. એમાં પણ “એક સ્ત્રી “તૃપ્ત કરી ગયું. સ્ત્રીઓ નો સમસ્ત સઁસાર ધીરુબહેને કલમથી પીરસી દીધો.
    લતાબેન આપને ધન્યવાદ

  12. Parul Nayak says:

    ખૂબ સરસ, સંવેદના અને રસોડું ઓતપ્રોત થઈ જાય છે!

  13. jugalkishor says:

    રસોડું કુટુંબજીવનનું કેન્દ્રસ્થાન.
    ત્યાં ફક્ત પેટ ભરવાનું જ નથી હોતું.
    ત્યાં જે કાંઈ જમ્યાં એનું ફક્ત લોહી જ બનવાનું છે તે વાતમાં શું માલ છે ! ત્યાં જ જીવનરસ પ્રગટે છે.
    સાથે બેસીને જમવાનો, સહના વવતુ સહનો ભુનક્તુ વાળો ભાવ માણસને એકલપેટો થતો રોકે છે.
    કુટુંબનું જ નહીં……..રસોડું તો જીવનનું કેન્દ્રસ્થાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: