ધીરુબહેન પટેલના કાવ્યો : જીવનના વિવિધ રંગો * Dhirubahen Patel

ધીરુબહેન પટેલ

ગઇકાલે સવારે આપણે એમને ગુમાવ્યા…..

હવે એ અનંતની સફરે…

ધીરુબહેન, સદાય જીવનથી સભર વ્યક્તિત્વ….

મેં કદીયે એમને થાકેલા કંટાળેલા કે નિરાશ જોયા નથી.

કોઈએ નહીં જોયા હોય….

સદાયે ઉત્સાહથી ઉભરાતા….

એમનું જીવન

છેલ્લા શ્વાસ સુધી સાહિત્યમાં રમમાણ

અને બહેનોના વિકાસમાં રત રહ્યું.

ધીરુબહેનને વાર્તાકાર તરીકે આખું વિશ્વ જાણે છે પણ કવિ તરીકે ઓછા લોકો…..

એમનું એ પાસું ….

*****

આ કાવ્ય એમના જીવનને જ જાણે વર્ણવે છે !    

મધુમાલતી

મારા બાગની મધુમાલતી

પાડોશીના અંજીરના ઝાડ પર શા માટે ચડે છે?

સાવ ભાન વગરની છે

સરહદની એને કંઈ સમજ જ નથી.

ક્યાંથી હોય?

નથી એ છાપાં વાંચતી નથી ટી.વી. જોતી

નથી રેડિયો સાંભળતી

એની મેળે ઊગે છે.

ઝાડ પર ચડીને ઝૂલે છે.

રોજ સવારે ફૂલોના દીવા પ્રગટાવે છે

સુગંધ રેલાવે છે.

સાંજે ખરી પડતાં ફૂલોની શોકસભા પણ ભરતી નથી

બસ, લહેરથી જીવે છે શા માટે, તે એ જ જાણે….

*****

તો આ કાવ્યમાં છે ઢળતી વયનું શાંત ચિંતન

બુઢી બાઈ

ક્યારેક વિચાર આવે છે

મારા આયનામાં સદાય દેખાતી

આ બુઢી બાઈ કોણ છે?

એ કંઈ એવી સુંદર નથી

એના વાળ લગભગ સફેદ

ચહેરો ઝંખવાયેલો

અને એના પર પથરાયેલી અપાર શાંતિ

જોવાનું મને સારું લાગે છે.

એની થાકેલી આંખોમાં

હોય છે હંમેશાં એક વત્સલ આવકાર

અને નાનું રમતિયાળ સ્મિત

ક્યારેય કશો ઠપકો નહીં

પ્રશ્નો નહીં, અપેક્ષા નહીં, આકાંક્ષા નહીં

શું કરતી હશે એ ત્યાં એકલી બેઠી બેઠી ?

એને કંટાળો નહીં આવતો હોય?

હું તો ક્યારેક જ એની પાસે જાઉં

એનુંયે એને દુઃખ નથી, નથી કશી ફરિયાદ

ક્યારેય એ મને નિરાશ નથી કરતી.

હોય છે – ત્યાં ને ત્યાં જ.

એનું આ હંમેશાં હાજર હોવું

કેવી અકળ વાત છે!

કેવી અકળ અને આનંદદાયક!

પણ એ બોલતી નથી

કશું કહેતી નથી

મારું કુતૂહલ શમાવવાની જરૂ૨ એ જોતી નથી.

ભલે, એમ તો એમ!

પણ મને એ ગમે છે

મૈત્રીનો સંબંધ ભલે ન હોય

એનું હોવું – હંમેશાં હાજર હોવું

મને ખૂબ સારું લાગે છે…

*****

ક્યારેક મૃત્યુનો ઓછાયો મન પર પડતો જ હોય છે. જુઓ આ એમનું કાવ્ય !

શ્વાસનું સફેદ સસલું

શ્વાસનું સફેદ સસલું

અંધારી ગુફામાંથી

ઘડી ઘડી બહાર નીકળીને

સૂરજ સામે જુએ છે

પહાડી હવા સૂંઘીને

તરત પાછું અંદર ભરાઈ જાય છે

કોઈક દિવસ એવો આવે

એ અંદર ન પણ જાય

લીલોતરીની શોધમાં

મખમલી ડગલાં માંડતું

આખો ઢોળાવ ઊતરીને

ક્યાંક ખોવાઈ જાય

પછી

ખાલીખમ ગુફાનું

શું થાય?

*****

તો ક્યારેક મૃત્યુના ઓછાયાને અનુભવી ધીરૂબહેને આવું કાવ્ય પણ લખ્યું છે !  

ફાટેલા આયખાને

ફાટેલા આયખાને સાંધવા હું બેઠી

પણ આવ્યો ના કાંઈ ભલીવાર જી રે

…ફાટેલા આયખાને

રાતોની રાતો ગઈ ટમટમતા કોડિયે

રતન આંખ્યોનાં ઝંખવાયાં જી રે

ફાંકા ને બખિયા ઊંધું ઘાલીને લીધા

ઓટણ આ પારથી ઓ પાર જી રે

…ફાટેલા આયખાને

તોયે સંધાય ના આ જીવતરની ડગલી

કોને કરવી એની વાત જી રે

મારે તે ખાટલે ખોડ એવી મોટી

કાચો તે દોરો આવ્યો હાથમાં જી રે …

….ફાટેલા આયખાને…

આમથી સાંધે ત્યાં તેમથી તૂટે

ઠાલી સોયું ભોંકાય આ ટેરવે જી રે

વ્હાણા પછી રાત ને રાત પછી વ્હાણું

રામપાતર મળ્યું છે મને કાણું જી રે

…ફાટેલા આયખાને

*****

અને અહીં એમણે સાંગોપાંગ મોતની કલ્પના મૂકી છે !   

હીંચકેથી હેઠે ઉતારો

હરિ ! હવે હીંચકેથી હેઠે ઉતારો

ઝૂલવું ને ઝૂલવું ને ઝૂલતા જ રહેવું

કશે નહીં પહોંચવું એનો લાગે છે થાક મને ઉગારો નાથ!

હવે હીંચકેથી હેઠે ઉતારો…

આભને આંબીને વળી પાછા વળવું

પાતાળે પહોંચીને ફરી પાછું ફરવું

મળતું નથી રહેણાક એનો લાગે છે થાક

મને ઉગારો નાથ!

હવે હીંચકેથી હેઠે ઉતારો…

હીંચકાની જાત એ તો ઝૂલ્યા કરવાની

રાહ જોશે નહીં કોઈના પાછા ફરવાની

ભલે ઝૂલે એ દિવસ ને રાત મને લાગે છે થાક

મને ઉગારો નાથ

હવે હીંચકેથી હેઠે ઉતારો.

સૌજન્ય : કાવ્યસંગ્રહ ‘છોળ અને છાલક’ – ધીરુબહેન પટેલ * ઇમેજ પ્રકાશન 2014  

*****

સત્તાણું વર્ષ ઓછું આયખું નથી, વળી ધીરુબહેન તો તમામ રીતે સમૃદ્ધ જીવન જીવ્યા છે તોયે એમની વિદાય પીડે છે જ… એનેય સ્વીકારવાની જ ને ! મૌત કા કોઈ જવાબ નહીં !

12 Responses

 1. કુમારપાળ દેસાઈ says:

  આટલી ત્વરિતતાથી અને આટલી સુંદર રીતે ધીરુબેનને કાવ્યાજલિ આપવા બદલ અભિનંદન.

 2. ખુબ ઝડપી કાર્ય કહેવાય લતાબેન આપની મહેનત લગન ને સલામ

 3. હરીશ દાસાણી.મુંબઈ says:

  ધીરૂબેન અચાનક શરીર છોડીને અનંતની સફરે નીકળી પડયા. તેમની આ કવિતાઓમાં જીવનના સૌંદર્યનો અને ક્ષણિકતાનો સહજ અને સહર્ષ સ્વીકાર છે. ઘરમાં બેસીને વાત કરતા હોય એટલી સ્વાભાવિક,નૈસર્ગિક ભાષા અને તેમાં આત્મીય હૂંફાળો આવકાર……..પ્રણામ…ધીરુબેન. સ્નેહ વંદન.

 4. સંપૂર્ણ કાવ્યમય, સાહિત્યમય,
  ભરપુર જીવન જીવ્યાં, પણ એમનો અક્ષર દેહ આપણી સાથે વાતો કરતો રહેશે. વંદન.

 5. TRUPTI PATEL says:

  બહુ જ સરસ.

 6. Parul Nayak says:

  વાહહહ! મને હીંચકેથી હેઠે ઉતારો!સતત ક્રિયાશીલ હોય એનો ય થાક! કેવું સુંદર ગીત!

 7. Anonymous says:

  If I am right Gujarati news papers didn’t cover news of Dhiruben’s passing away .while HT covered this by publishing Kumarpal Desai article
  .

 8. Anonymous says:

  હમણાં લેખિની સામયિકમાં શ્રી ધીરુબેન વિશે વાંચ્યું અનહદ આનંદ થયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: