મુકેશ જોશી

ખોટું ના લાગે તો વાત એક કહું ?

હું થોડા દિવસ હવે તારામાં રહું ?

કામમાં હશે તો હું વાત નહીં માંડુ,

મૌનમાંય કોઈ દિ ના છાંટા ઉડાડું,

શમણાંનો કાયદોય હાથમાં ન લઉં…. ખોટું

કોણ જાણે હિમ શી એકલતા જામી,

વૈદો કહે છે કે હુંફની છે ખામી,

કહે છે કે તારામાં લાગણી છે બહુ…… ખોટું

રોજ એક ઈચ્છા જો સામે મળે છે

આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે

તારામાં તારાથી આગળ નહીં જઉં…… ખોટું

રસ્તામાં કોઈ દિવસ કાંટા જો મળશે,

મારી હથેળી પછી પગ તારો પડશે,

વેદનાનો ભાર હું એકલો જ સહું…. ખોટું

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,

મને સાચકલે મારામાં ફાવતું નથી

એક ટીપાંની ઇચ્છા કે દરિયો હું થઉં….. ખોટું

~ મુકેશ જોષી

આ ગીત વાંચ્યું અને નોંધ્યા વગર રહેવાયું નહીં….

સાવ હળવી રીતે શરૂ થયેલાં કાવ્યમાં કેટલું ઊંડાણ !!  કેટલો વ્યાપ !!  

પ્રેમકાવ્યો તો ઘણાં મળે, આવાં અનોખાં જવલ્લે જ….  

7 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    સીધાસાદા શબ્દો છે અને વિચાર તથા ભાવની ઊંચી ઉડાન છે. પોતાનું અસ્તિત્વ ઓગાળી કોઈમાં ઓતપ્રોત થવાય તો જ તેમાં રહેવાય. સુંદર ગીત.

  2. ખુબ સરસ ભાવસભર રચના હળવા શબ્દો જ ઊંડા ઘાવ કરતા હોય છે પ્રાણવાન પ્રસ્તુતિ અભિનંદન

  3. Minal Oza says:

    સમસંવેદનની ભૂમિકાએ વાચકને મૂકી દે એવી રચનાના કવિને અભિનંદન.

  4. Aarti sheth says:

    One of my favorite
    Remarkable poet

  5. kishor Barot says:

    મારા પ્રિય કવિનું મને બહુજ ગમતાં ગીતો પૈકીનું એક હદયસ્થ થઈ ગયેલું ગીત.

  6. ઉમેશ જોષી says:

    મુકેશ જોષીની ગીત રચના ખૂબ સરસ છે.
    અભિનંદન..

  7. Minal Oza says:

    કાંટા ને હથેળીની વાત કવિની લાજવાબ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: