મકરંદ દવે ~ અમે રે સૂકું રુનું પૂમડું

અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે, સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે ઊધઈખાધું ઈધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર
આવો, રે આવો હો જીવણ, આમના.
~ મકરંદ દવે
સંતકવિની પૂણ્યતિથીએ સ્મૃતિવંદન.
સંત કવિ શ્રી ની ચેતના ને પ્રણામ ખુબ જાણીતી રચના સાંઈ મકરંદજી તો ઓલિયા પુરુષ હતા ખુબ સરસ કાવ્ય
મકરંદ ભાઇનું આ ગીત અધ્યાત્મ સાધકનું મનોગત છે. સંગીત ભવન ટ્રસ્ટ તરફથી મકરંદભાઇના ગીતોના સ્વરાંકન થયેલ છે તે પણ મધુર અને યાદ રહી જાય તેવા છે.
ખૂબ જાણીતી કવિતા, આધ્યાત્મિક ઊંચાઈ ને સ્પર્શ કરે છે. સ્મૃતિ વંદન.