રાજેન્દ્ર શાહ ~ આપણાં દુખનું   

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?

નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !

ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.

જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.

આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.

~ રાજેન્દ્ર શાહ  

કવિ રાજેન્દ્ર શાહના જન્મદિને સ્મૃતિવંદના

4 Responses

  1. કવિ શ્રી ના જન્મદિવસે વંદન સરસ મજાની રચના

  2. હરીશ દાસાણી.મુંબઈ says:

    દુ:ખનું કેટલું જોર?પ્રશ્ન જ ભાવકને અલગ વિચારબિંદુ પર મૂકી દે છે. સુખદુ:ખેશ્વનુદ્વિગ્ન મના: સુખેષુ વિગતસ્પૃહ:ગીતાવચન યાદ કરાવે તેવી કવિતા

  3. Minal Oza says:

    કવિશ્રીને ભાવવંદના..સારી સરળ બાનીમાં ઊંચી વાત કેવી સરસ રીતે કવિ કરી દે છે!!

  4. “આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.”
    શિરમોર પંક્તિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: