પ્રફુલ્લ પંડ્યા ~ દરિયો * રાધેશ્યામ શર્મા
દરિયો એક પછેડી છે : પ્રફુલ્લ પંડ્યા
ખરું પૂછો તો દરિયો એક પછેડી છે,
પછેડીનો રંગ દરિયા જેવો છે અને પાણીએ એને પ્હેરી છે
ખરું પૂછો તો દરિયો એક પછેડી છે !
પછેડીમાંથી ફૂંકાતા ધોધમાર પવનમાં ધ્રૂજારી છે,
અને એની સામે ચાલતાં માણસનું મન નાની એક વછેરી છે !
જોકે ધણાં બધાં અસવારોએ એને ઘેરી છે !
પરંતુ
રસ્તાનો રંગ ઉંમરલાયક હશે,
અને રંગનાં વન લીલાછમ્મ અને પાકટ !
અશ્વોનાં ચરણો ગરમ અને ઉત્સુક છે પણ
દિશાનો આકાર લાંબો લાંબો અને દૂર દૂરનાં અંતરનો !
અને એટલે જ ઈરછા એક પછેડી છે !
જે માણસનાં હાથમાં હથોડી છે,
એણે ઈરછાને કે પછેડીને ફેડી છે
અને બસ હવે કહી દ ઈએ :
દરિયો પહેરવાં જાવું છે,
સપનામાં આખો ટાપુ છે,
ઈરછા ખૂબજ છે પણ ક્યાંય કેડી છે ?
~ પ્રફુલ્લ પંડ્યા
(આત્મકથાની પંક્તિઓમાંથી, પૃષ્ઠ – ૧૦૫)
એક વર્તુળાકાર કલ્પનાસમૃધ્ધ ગદ્ય કાવ્ય : રાધેશ્યામ શર્મા
અછાંદસ કવિતા અધિક ગદ્યનિષ્ઠ હોય, પદ્ય કરતાં ગદ્ય કાવ્યમાં અમર્યાદ સ્વતંત્રતા કલ્પનાવિહાર કરવા કવિને હાથવગી હોય છે, હૈયાવગી હોય છે. કૉલરિજે એનાં યુગકાળમાં સર્જકને છૂટ આપી હતી કે કવિ પોતાનાં ચિત્તની અવસ્થા-પ્રકૃતિ પ્રમાણે કાવ્ય પદાવલિ પ્રયોજી શકે છે. પ્રાસ-અનુપ્રાસની, શબ્દોની પસંદગીની અને ત્યાં વિશિષ્ટ કૃતિની પંક્તિઓની ગોઠવણીનો મહિમા, છાંદસ કરતાં પણ કયારેક ગદ્ય કાવ્યમાં સવિશેષ છે.
કવિશ્રી પ્રફુલ્લ પંડ્યાએ પ્રતીક કલ્પન રચવાની સભાન પ્રવૃતિમાં પડયા વગર સર્જનાત્મક સ્વચ્છંદની દિશા લઈ રચનામાં કલ્પનાના અશ્વને દોડાવ્યો છે. એક એક પંક્તિના ઘડતર પછી બીજી પંક્તિમાં તરત પલટો કરી ચમત્કૃતિનો વિસ્મય વણ્યો છે. પ્રારંભ જ અસામાન્ય નથી લાગતો ?
‘ખરું પૂછો તો દરિયો એક પછેડી છે’ પદની પાછળ કડી સાંધી, પછેડીનો રંગ દરિયા જેવો છે (ઉપમા આપી) અને તરત ‘પાણીએ એને પ્હેરી છે’ (ઈન્સ્ટન્ટ ઍકશન)
દરિયો એક વસ્ત્ર પછેડી પ્હેરીને જાણે ઊભો હોય અને પછેડીનો રંગ દરિયા જેવો હોય તે પછી પાણી પાછળ ‘પ્હેરી’ ક્રિયાપદ મૂકીને પાણીમાં માનવભાવનું સરસ આરોપણ સાધ્યું છે. ‘ખરું પૂછો તો’ પદનું પુનરાવર્તન હવેથી કૃતિમાં નહીં ડોકાય .
દરિયો છે એટલે ધોધમાર પવનની ધ્રૂજારી સહજ છે પણ ‘પ્હેરી’ શબ્દનાં પ્રાસનો પાંચમી પંક્તિમાં ‘વછેરી’એ રસકસ કાઢ્યો છે:
‘અને એની સામે ચાલતાં માણસનું મન નાની એક વછેરી છે !’
મનુજ ભાવારોપણ તો સમજાય પણ માણસનાં મનને નાની એવી વછેરી કલ્પવું અજબ છે અને એથી આગળ ગજબની કડી છે :
‘જોકે ધણાં બધાં અસવારોએ એને ઘેરી છે!’
મનુષ્યનાં મનને નાની ‘વછેરી’ લખી, એને ઘણાં અસવારોએ ‘ઘેરી’ છે નું વર્ણન શું સૂચવે છે ?
કોઈને કદાચ ‘ગેન્ગરૅપ’ લાગે ! તો કર્તા રોકાતા નથી. હજી આંચકાના આશ્ચર્યો બાકી છે- આવી પંક્તિઓ ખાતે, ‘રસ્તાનો રંગ ઉંમરલાયક અને રંગનાં વન લીલાછમ્મ અને પાકટ !’ રંગનાં જંગલમાં પૂર્વોકત અસવારો જેના પર આરૂઢ થયા છે તે–
‘અશ્વોનાં ચરણો ગરમ અને ઉત્સુક છે / પણ દિશાનો આકાર લાંબો લાંબો,દૂર દૂરનાં અંતરનો / અને એટલે જ ઇચ્છા એક પછેડી છે’
સ્ત્રીલિંગ દિશાનો આકાર (ફોર્મ ઑફ ડાયરેકશન) પ્રલંબ, અને અશ્વોનાં ચરણો ઉષ્માવંત અને ઉત્સુક છે. તાત્પર્ય એ કે આ વાસનાસભર ઊર્જાને ઉલ્લેખતી પંકતિ ઘડી – ‘અને એટલે જ ઇચ્છા એક પછેડી છે’
અહીં દરિયાની પછેડી પલટાઈને ઇચ્છાની પછેડીનું રૂપ ધરી આવી ! દરિયો નિસર્ગનું પ્રતિનિધિત્વ કરતો હતો તેને મરડીને માણસનાં મનની ઇચ્છા તરીકે મનોભૂમિકાએ પ્રસ્તુત કર્યો અને છેલ્લે માણસની વાત –
‘જે માણસનાં હાથમાં હથોડી છે / એણે ઇચ્છાને કે પછેડીને ફેડી છે’
જે માણસનાં હાથમાં હથોડી હોય એ સત્વની, શકિતની નિશાની છે. તેથીસ્તો તેણે દરિયાની યા માનવની ઈરછાને પણ તોડી,ટાળી અને ફેડી છે. ‘અને હવે બસ’ કહી કવિ ઈતિ અલમ્ કરી અંતિમ સ્ફોટક આંચકો આપે છે :
‘દરિયો પહેરવાં જાવું છે / સપનામાં આખો ટાપુ છે / ઇચ્છા ખૂબજ છે પણ ક્યાંય કેડી છે ?”
‘જાવું છે’ પ્રયોગ તળપદી તાકાતથી દરિયો પહેરવાની ઇચ્છા વ્યકત કરે છે. સપનામાં આખો ટાપુ (આયલૅન્ડ ઈન ડ્રીમ) છે. મતલબ સમગ્ર દ્વિપની તીવ્ર વાસના છે, પણ ક્યાંયે કેડી નજર આવતી નથી ! દિશાશૂન્યતાનો આ સંકેત કૃતિની પૂર્ણાહુતિ સાથે હતાશા દર્શાવે છે.
આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે ‘પછેડીમાં પથરો લઈને કૂટવું’ એટલે કે ગોળ ગોળ વાત કરવી પરંતુ સર્જક શ્રી પ્રફુલ્લ પંડ્યાએ સરકયુલર ઈમેજિનેશન- વર્તુળાકાર કલ્પનાસમૃધ્ધ પંક્તિઓથી કાબિલે દાદ કાવ્ય-આકૃતિ રચી છે. કવિલોક ટ્રસ્ટે પ્રફુલ્લ પંડ્યાનાં કાવ્ય સંગ્રહ ‘આત્મકથાની પંક્તિઓ’નું સુરુચિયુકત પ્રકાશન કરી યાદગાર કેડી પાડી છે. કવિ અને ‘કવિલોક ટ્રસ્ટ’ને ધન્યવાદ !
OP 3.9.22
*****
પ્રતિભાવો