ન્હાનાલાલ ~ વિરાટનો * સંજુ વાળા * Nhanalal * Sanju Vala
વિરાટનો હિંડોળો ઝાકમઝોળ
કે આભને મોભે બાંધ્યો દોર;
વિરાટનો હિન્ડોળો…
પુણ્યપાપ દોર ને ત્રિલોકનો હિન્ડોળો
ફરતી ફૂમતડાંની ફોર;
ફૂદડીએ – ફૂદડીએ વિધિના નિર્માણમન્ત્ર
ટહુકે તારલિયાના મોર :
વિરાટનો હિન્ડોળો ઝાકમઝોળ
~ ન્હાનાલાલ (વિશ્વગીતા)
અલૌકિક અનુભૂતિ વિસ્તારની ભાવલીલા : વિરાટનો હિંડોળો
કવિતા કોઈ સાશ્ચતીને સંકેત કરતી હોય ત્યારે વસ્તુનું તથ્ય તેની સાથે સંકળાયેલું હોય છે, એ જ રીતે ક્યારેક વિષયવસ્તુ અલૌકિક રૂપ ધરીને પણ પ્રગટે. એને તથ્યાતથ્ય તરીકે નહીં પણ કાવ્યતથ્ય તરીકે જોવું રહે. એને માત્ર કલ્પનાવિસ્તાર કે તથ્યવ્યાપાર નહીં પરંતુ સર્જકની ચૈતસિક અનુભૂતિમાં ઝીલાયેલ સત્ય જ કહેવું પડે. જે સર્જકનો આગવો અને પોતીકો પરિપ્રેક્ષ્ય હોય છે. એને કવિતાના સૌન્દર્ય તરીકે જોવાથી આપોઆપ સત્યમ-શિવમ એની સાથે સંકળાય. એમ કહીએ આ સર્જકની આંતરચેતનાને ઝીલેલું કાવ્યગત સત્ય છે. આમ પણ કવિતામાં તર્કથી નહીં પણ ભાવથી સામેલ થવાનું વધુ ફાવે. સર્જકની ભાવસૃષ્ટિ સાથે વહેવાનો આનંદ પણ અનેરો હોય છે. કવિતામાં સામેલ થવાની જે મઝા હોય છે, એ એના હોવા ના હોવાના તથ્ય ઉકેલવામાં નથી હોતી. કે એનું પૃથક્કરણ કરવામાં પણ નથી. કાવ્યમાં વહેતા ભાવની સાથે ભાવક યાત્રા કરે કે સામેલ થઈ જાય એ વધુ અપેક્ષિત હોય છે. આ કાવ્યનો રસાનંદ માણતી વખતે મને સર્જકચિત્તની પરમ અહોભાવયુક્ત સ્થિતિ અને દિવ્ય-ભવ્યદર્શનના સાક્ષી થવાનું વધુ ગમે છે.
વિરાટનો હિંડોળો ઝાકમઝોળ – સંજુ વાળા
ત્રણ જ શબ્દના પારસ્પરિક સુમેળથી મુખબંધ રચાયો. ‘વિરાટ’ જેવો શબ્દ અહીં નામ અને સંજ્ઞા બંનેમાં ભાવનક્ષમતા મુજબ કાર્યાન્વિત રહીને કામ કરે છે. ભાવકની દષ્ટિમાં, જો એ નામ છે તો હિંડોળો ચલાવનાર કર્તા છે અને સંજ્ઞા છે તો હિંડોળા સાથે એકરૂપ છે. મધ્યમપદલોપી સમાસ તરીકે વિરાટહિન્ડોળો. કવિની દૃષ્ટિ એવું કોઈક દર્શન કરે છે કે દૃશ્યનું દિવ્ય-ભવ્યને નિર્દેશતી વાણીમાં રૂપાંતર થઈ જાય છે અને સંભળાય છે કથકનો અહોભાવ અને વિસ્મયથી ભર્યો પણ પ્રતીતિમૂલક ઉદ્ગાર : ‘વિરાટનો હિંડોળો ઝાકમઝોળ.’ ‘ઝાકમઝોળ’ જેવા વિશેષણથી નીખરતી અદ્ભૂતતા જોનારની આંખે અલૌકિક્તાનું અંજન કરે, અને આ અદ્ભૂતતા અને અલૌકિકતા પરસ્પરમાં ભળીને રહસ્યમય ઉદ્ગારમાં પરિણમે. ‘વિરાટનો હિંડોળો ઝાકમઝોળ.’
સમસ્ત બ્રહ્માંડ આમ જોઈએ તો એક હિંડોળો. અગણિત કોટી અવકાશમાં આનંદવિભોર ઝૂલતો હિંડોળો. કથક પણ એમાં ઝૂલે છે, પરંતુ અહીં પ્રગટ્યો છે એ તો એનો સાક્ષીભાવ છે. હિંડોળામાં છે, અને એની બહાર પણ છે. આ સ્થિતિ પણ આ કથકને સામાન્યતાની બહાર મૂકી આપે છે. તો વળી અહીં પ્રયોજાયેલ ‘ઝાકમઝોળ’ શબ્દનો અર્થ ઝળહળતો કરીએ તો એમાં એની તેજસ્વીતા સમાય નહીં અને દૈદીપ્યમાન કરીએ તો એની સામે આંખ માંડી શકીએ નહીં. એટલે આ હિંડોળા માટે કવિએ એક સૌંદર્યમંડિત શબ્દ શોધી કાઢ્યો. તેજથી લચી પડ્યો હોય, છતાં જેનો ભાર ના લાગે કે ભારી ના પડે એવો. ‘ઝાકમઝોળ.’ જે બંધાયો છે અનભના મોભે. આભ તો અનભનું જ બીજું નામ. આપણી ભાવકતા વધુ ગોથે ના ચડે એટલે કવિએ જાણીતી સંજ્ઞા ‘આભ’ ખપમાં લીધી.
કવિ એના દોરને દાર્શનિકની વ્યાપક સમજથી નામ આપે છે. ‘પુણ્યપાપ દોર’ કહીને. સદ-અસદ અને પાપ-પુણ્ય એ આપણી સ્થાનિક અને વ્યવહારુ વ્યવસ્થા હશે. પ્રકૃતિને મન તો આ બધું જ માત્ર પ્રક્રિયાઓ. બ્રહ્માંડનું ટકી રહેવું આ પ્રક્રિયાઓના દોરે જ હશે. બન્નેની સરખી હિસ્સેદારી. પરંતુ, કવિ અહીં પાપ-પુણ્ય જેવા મુહાવરાને પુણ્ય-પાપ જેવા ક્રમમાં જુએ છે. એટલે પલ્લું, પુણ્ય તરફ વધુ નમેલું લાગે. માનવીય સહજ ભાવનાથી કે સદ-ની સાહજિક તરફદારી તરીકે જોવાય તો પણ કશું વધુ પડતું તો નથી જ. સૌન્દર્યગાનની શરૂઆત સદ-ના આવિર્ભાવથી થાય તો અસદ એમાં ઢંકાઈ જતું હશે? આવા પ્રાયોજિત શબ્દક્રમ પાસે ઊભા રહીએ ત્યારે કેટલીક શક્યતાઓ વિચારવા પ્રેરે. પહેલાં સારી વાતનો ઉલ્લેખ કરવો, એવો આંતરભાવ પણ દોરવણી આપી ગયો હોય. છતાં એની સાથે જ જોડાયેલી સિક્કાની બીજી બાજુ પણ સક્રિય હોય. જો એ પ્રાકૃતિક પ્રક્રિયા જ છે તો બંને અનિવાર્ય. પણ સર્જકનો પક્ષ સહેતુક જ હશે એવું આશ્વાસન લઈ શકાય. જેના દોર જ ભાવરૂપ સંજ્ઞામય હોય, એ હિંડોળો પણ એમ જ અને એવો હોય. જેણે ત્રણે લોકને પોતાની ઊંડળમાં લીધા હોય , જેને આંગળી ચીંધવી કે અડકવું અશક્ય હોય એવો આ ચૈતસિક સ્તરે અને નરી ભાવમય અવસ્થાએ અનુભવેલ વસ્તુનિર્દેશ કરતાં સ્થિતિનિર્દેશ હોઇ શકે એટલે આ સૌ કોઈની ઝાંખીને પાત્ર નથી. કંઈક જુદી આંખના હોવાની વણકહી અને વણનિરૂપી શરત અહીં છે. કોઈક ઘેરા અને રહસ્યમય નિર્દેશથી કાવ્ય આગળ વધ્યું એટલે જ ઉપર કહ્યું તેમ આ કોઈક અલૌકિક અનુભૂતિ વિસ્તારની ભાવલીલાનું શાબ્દિક અવતરણ છે.
એક કલ્પનાતીત અવકાશમાં સ્વયંના તેજથી અઢળક ઢળતો, દોલાયમાન, નર્યા વિસ્મયનો કારક એવો પરમ પદારથ ઝૂલી રહ્યો છે. આકાશ, પૃથ્વી અને પાતાળ ત્રણે લોક આ હિંડોળામાં કે હિંડોળાના લયમાં આંદોલિત અથવા આ ત્રણેનું પરસ્પરના અનુબંધે રચાતું દોલાયમાન રૂપ તે આ ‘હિંડોળો’. આ હિંડોળાના શણગાર કેવા? કહેવાયું : ‘ફરતી ફૂમતડાંની ફોર.’ ફરી ત્રણ શબ્દની જીવંત, આશ્ચર્યજનક અને રવાનુકારીભરી, અર્થઘન ભાવાભિવ્યક્તિની છોળ ઊડી. ગ્રહો, તારા, નક્ષત્રો અને આકાશગંગાઓને એક દોરે પરોવી લીધાં. ભાવકે એટલું જ કહેવાનું રહે, અહો! ફૂમતડાં!! ફ’ ‘ર’ અને ‘ત’ વર્ણો, માત્ર શાબ્દિક ગૂંથણી કે નાદવૈભવ નહીં રહેતાં અવકાશી પદાર્થોના પારસ્પરિક સંબંધના સ્થાપક પણ બન્યા. ‘ફરતી’ એટલે હિંડોળાની ચારે બાજુ અને આસપાસ ઘૂમરાતી, બંને. વળી ‘ફોર’ કહીને આ ફૂમતડાંના તેજને સુગંધમાં રૂપાંતરિત કરીને ઇન્દ્રિયજ્ઞાત હતાં તેને બહુઇન્દ્રિયધન, બહુપરિમાણી રસાળ દ્રવ્ય તરીકે સ્થાપી દીધાં. આ એક એક ફૂમતડું કહો કે ફૂદડી રચાયાં છે કોઈ નિર્માણમંત્રના પરિપાક તરીકે. એના રચયિતા, વિધાતાનું આ વિરાટ કર્મ. અથવા એમ કહો કે એક એક ફદડી એક એક નિર્મણિમંત્ર. નિયતિવશ કશુંક ઘૂમરાયું અને એમાંથી છૂટાં પડ્યાં તે આ ફૂમતડાં. જેને સૌ સૌનાં આગવાં અને અલાયદાં રૂપ. એ પણ કેવાં? તો કે પોતાના ટહુકાથી ઓળખાય અને સ્થપાય એવાં. આ છે તો તારલિયા. પણ ટહુકતા તારલિયા. આપણા સામાન્ય હિંડોળામાં સુશોભનના મોર હોય. પણ એ તો સ્થૂળ. એને રૂપ છે, પણ એમાં ચેતના નથી. અહીં કથક તારકોને મોર તરીકે જુએ પછી એ ટહુકે નહીં તો જ નવાઈ. આ તેજના ટહુકા કરતા મોર છે. એના તેજના ઝબકારા એ જ એના ટહુકા. એ સાંભળી શકાય, પણ એના માટે આ કથક જેવા સરવા કાન જોઈએ. આંતરચેતનામાં ઝીલાતી આ શ્રુતિ છે. હિંડોળો પોતે ઝાકમઝોળ છે. એની ફરતે ફોરમનું આભામંડળ છે અને એ નિર્માણમંત્રરૂપી ટહુકા કરે છે. અદ્ભૂતની માથે શગ ચડી ગઈ જાણે. હવે આ બધું મળીને રચાયો તે ‘વિરાટનો હિન્ડોળો.’ ભાવક માની જાય આ હિંડોળો વિરાટ છે, વિરાટનો છે અને અલૌકિક પણ છે.
એક પ્રશ્ન થાય છે : ધ્રુવપંક્તિ અને એક અંતરામાં જ આ રચનાને કવિએ કેમ પૂર્ણ માની? બીજો અંતરા કેમ નહીં? ન્હાનાલાલ જેવા રસ, માધુરી, અને ભાવપ્રવણતાના; દાર્શનિક કવિ પાસે બીજા અંતરાની સામગ્રી ના હોય એવું તો માની શકાય તેમ નથી. પણ એવું લાગે છે કે આ હિંડોળો કવિની ચેતનામાં એક ઝબકારો કરી ગયો અને એમાં જે ઝીલાયું તે આ. જે છે તે પણ આહલાદક અઢળક છે. અસ્તુ.
મૂળ પોસ્ટિંગ 3.3.2021
વાહ ખુબ સરસ રચના અને અેટલોજ સરસ આસ્વાદ ખુબ ગમ્યું