પ્રાર્થના

હે પ્રભુ,

અમારી પ્રાર્થના એટલા માટે નથી કે અમે જે માગીએ એ અમને મળે.

અમારી પ્રાર્થના તો અમારા હૃદયના વહેણને તમારી તરફ ખુલ્લાં કરવા માટે છે જેથી અમારા દ્વારા તમે જે ઈચ્છો એ કરી શકો.  

અમારી પ્રાર્થનાનો ઉદ્દેશ એ જ છે કે તમે જે કંઇ ઇચ્છો એનો અમે સ્વીકાર કરીએ. અમારા મન અને વલણો

તમારી ઇચ્છાને અનુકૂળ થાય, બદલાય એ જ અમારી પ્રાર્થનાનું લક્ષ્ય છે……

~ અજ્ઞાત

***

અમે નાના હતા ત્યારે શાળામાં ઘંટ વાગે એટલે પલાંઠી વાળીને હાથ જોડી આંખ બંધ કરીને સૌની સાથે ગાવાનું શરૂ કર્યું ત્યારથી માંડીને પ્રાર્થના કરવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. કોઈને ત્યાં, ઘરમાં બિરાજેલા ભગવાન સામે સવાર-સાંજ દીવો કરીને પગે લાગવાનો રિવાજ હશે, ક્યાંક સંતાનો વતી એની મમ્મી કે દાદી આ કાર્ય પૂરું કરતી હશે. જો કે તોયે પરીક્ષા વખતે મમ્મી ખેંચીને લઈ જતી હોય, અને દીકરો/દીકરી ‘હે ભગવાન, પરીક્ષામાં સારા માર્ક્સ દેજે’ની પ્રાર્થના કરીને રઘવાયા ભાગતા હોય એવા દૃશ્યો સામાન્ય છે. 

વારે તહેવારે, જન્મદિવસે કે નિયમિત રીતે પણ આજુબાજુમાં આવેલા મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવાનો આપણા સમાજમાં રિવાજ છે. દર્શનની સાથે બે ઘડી આંખો બંધ કરીને પ્રાર્થના તો ખરી જ. આપણે શું કહીએ છીએ ભગવાનને ? દુકાન ખોલતાવેંત ક્યાંક ગોઠવેલી મૂર્તિ સમક્ષ અગરબત્તી કરીને વેપારી શું કહેતો હશે ? આવી પ્રાર્થનાઓ જો કોઈ એકઠી કરે તો મહાચોપડો થઈ જાય એ નક્કી અને એમાંથી સાર કાઢવા બેસીએ તો માણસની પોતાની નાની નાની ક્ષુદ્ર ઇચ્છાઓના ડુંગરા ખડકાય. શું પ્રાર્થના આ માટે છે ? મને આ સંદર્ભમાં માનતાઓ પણ યાદ આવે. “હે ભગવાન, જો આ સોદો પાર પડે તો કુળદેવીને હાર ચડાવીશ/ નાળીયેર વધેરીશ’ અરે, ભગવાન આવા સોદાઓ માટે છે ! એને આપણાં સોના-ચાંદીનો કે નાળિયેરોનો ક્યાં ખપ છે ? હા, આપણું કંઇ સારું કામ થાય, ભલું થાય અને ઈશ્વર સમક્ષ આપણે રાજીપો વ્યક્ત કરીએ કે એનો આભાર માનીએ એ જુદી વાત છે.  

દાદા ભગવાન કહે છે ‘જે બન્યુ એ ન્યાય.’ મને આ વાત ખૂબ ગમે છે. રોજ ગીતાપાઠ કરતો માણસ ભગવાન સામે પોતાનું દુખ રડ્યા રાખે, પોતાની ફરિયાદના પોટલાં ઠાલવે રાખે કે પોતાની મનસાઓની તૃપ્તિ કાજ કરગર્યા રાખે તો એના ગીતાપાઠનો કોઈ અર્થ ખરો ? એણે ગીતાને અભેરાઈ પર ચડાવી દેવી જોઈએ. કર્મફળ સમજાવવાનું કામ ગીતાનો ગ્રંથ કરે છે. આપણને જે મળે છે, ચાહે સુખ યા દુખ, એ આપણાં કર્મોનું જ પરિણામ છે તો પછી જે મળે છે એના સ્વીકાર સિવાય આપણે બીજું કશું કરવાનું રહે છે ખરું ? આ સ્વીકાર જેટલો આનંદથી થાય એટલા નવા કર્મ ન બંધાય.

પ્રાર્થના બસ આ જ છે કે પ્રભુની ઇચ્છાનો સ્વીકાર કરીએ. એને જે કરવું છે એ આપણા થકી કરવા દઈએ. એના મહાન ઉદ્દેશ્યનો આપણને ખ્યાલ ક્યાંથી આવી શકે ? આપણે આપણી જાતને બસ એનું સાધન બનવા દઈએ અને જોયા રાખીએ. “જે ગમે જગદગુરુદેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો” વાતવાતમાં ‘જેવી ભગવાનની મરજી’ કે પછી ‘હરિઇચ્છા’ અલ્પવિરામની જેમ વાપરનારા આપણે સાચા અર્થમાં ‘આ જ ઈશ્વરની ઇચ્છા છે અને એનો મારે હસતાં મુખે સ્વીકાર કરવાનો છે’ એવું સમજીને ચાલતા નથી.         

આ મારી પ્રિય પ્રાર્થના છે. મનમાં તથા જીભે રમ્યા કરતા આ શબ્દો, જીવનમાં આવી પડતી તકલીફો સહન કરવાનું બળ આપે છે કે ખુશીઓ સામે છલકાઈ નહી જવાની તટસ્થતા આપે છે. કોઈ બાબતનું મનમાં અભિમાન જાગે તો તરત ટોકે છે ને ક્યારેક ડૂબી જતાંય બચાવે છે. દુખ કે સુખ, કશું રહેવાનું નથી. જે આવે છે એ બધું એક દિવસ ખતમ થઈ જવાનું છે. અલબત દરેક માનવી મર્યાદાથી ભરેલો છે. આવા આદર્શ આંબવા લગભગ અશક્ય કહી શકાય. શક્ય બને તો એ માનવીને સંત કક્ષાએ જાણવો. મારુ માનવું એ જ છે કે આવા ધ્યેયને નજર સામે રાખીને જીવીએ તો જીવવાનું સહેલું બને. અથડાવા, કુટાવાનું કે ઉભરાવાનું ઓછું બને ! આ જીવનમાં એટલું પામી શકાય તોય ઘણું છે !  

એક નાનકડી પણ કોઈ ચમત્કૃતિ વગરની સરળ અને સીધી તથા જેના શબ્દ શબ્દમાંથી જીવનનું સત્ય ટપકે છે, સમજણનો સાર પ્રગટે છે એવી આ પ્રાર્થના, કેટલું સ્પર્શી જાય છે ! – લતા હિરાણી

પ્રકાશિત * દિવ્ય ભાસ્કર * કૉલમ કાવ્યસેતુ * 10 મે 2016

**********  

મૂળ પોસ્ટીંગ તા. 9.10.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: