‘तेरा हार’ અને હરિવંશરાય બચ્ચન * Harivanshray Bachchan

વિખ્યાત કવિ હોય કે વાર્તાકાર… એમની શરૂઆત કેવી રહી હશે એ બાબતે સાહિત્યપ્રેમીઓના મનમાં વિસ્મય રહ્યા જ કરતું હોય છે. જો એ કવિ છે તો શું એમની શરૂઆત કવિતાથી જ થઈ હશે ! કે વાર્તાકાર છે તો વાર્તાથી જ શરૂ કર્યું હશે ? સર્જક પાસે શરૂઆતમાં પોતાનું ચોક્કસ ક્ષેત્ર પસંદ કરવું અઘરું હોય છે. લેખનક્ષેત્રે ક્યાંક એકમાં નિષ્ફળતા મળે અને બીજો રસ્તો પકડાય. ક્યાંક બીજા કોઈ સંજોગો કામ કરી જાય…. પોતે  કયા ક્ષેત્રમાં સારું કામ કરી શકશે એ ક્યારેક જલ્દી નક્કી નથી થતું. મૂળે વાત એ છે કે સર્જકપ્રતિભા અંદર પડી જ હોય છે. હૃદયરસ જેટલો જલ્દી ઓળખાય, રસ્તો સ્પષ્ટ થાય.

હિંદીના મહાન કવિ હરિવંશરાય બચ્ચનની વાત કરીએ તો શરૂઆતમાં એમણે કવિતાઓ લખી. પછી એમને લાગ્યું કે આ કામ નબળું છે અને બધું ફાડી નાખ્યું. આ વાત બની 1923-24માં. પાંચેક વર્ષ પછી ફરી એમની અંદર રહેલી સર્જક ચેતના સળવળાટ કરવા લાગી. એમને અજંપો થયો અને 1929માં વળી એમણે કલમ હાથમાં લીધી. આ વખતે એમણે વાર્તાથી શરૂઆત કરી. એમની વાર્તા ‘ह्रदय की आंखे’ વિખ્યાત સાહિત્યિક સામાયિક ‘हंस’માં પ્રકાશિત થઈ જે ઘણી પ્રોત્સાહક સફળતા હતી. એટલું જ નહીં, એમની આ વાર્તાને પ્રથમ પુરસ્કાર મળ્યો ! ઉત્સાહ બમણો થઈ ગયો. બચ્ચનજીને લાગ્યું કે હવે એ સફળ વાર્તાકાર બની શકશે અને એમણે વાર્તા લખવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું. અલબત્ત એમનો હૃદયરસ કવિતા તરફ હતો પણ સફળતા વાર્તાને વરી હતી એટલે એમણે ચાર વર્ષ વાર્તાઓ જ લખી. સાથે સાથે ક્યારેક કવિતાઓ પણ લખાતી રહી કેમ કે કવિતાઓ એમનો પીછો છોડે એ બનવાનું નહોતું. અને આ કવિતાઓ પણ છપાઇ. એમનું ધ્યાન વાર્તા તરફ રહેતું પણ આ બંને પ્રવાહો વચ્ચે એમના મનમાં સતત દ્વંદ્વ ચાલ્યા કરતું. વાર્તામાં આગળ વધવું કે કવિતામાં ? બુદ્ધિ કહેતી વાર્તા ને હૃદય કહેતું કવિતા !  

જે વાર્તાઓ લખાઈ હતી અને સારા સામયિકોમાં છપાઈ હતી એમને લઈને બચ્ચનજીએ પોતાનો વાર્તાસંગ્રહ તૈયાર કર્યો. જાણીતા લેખક ડો. ધીરેન્દ્ર વર્મા પાસે એમણે પ્રસ્તાવના લખાવી અને હિન્દુસ્તાની સાહિત્ય અકાદમીને પ્રકાશન માટે મોકલ્યો. આશ્ચર્ય ! ત્યાંથી એ અસ્વીકૃત થયો. બચ્ચનજી ખૂબ નિરાશ થઈ ગયા. એમણે પોતાની વાર્તાઓ ફાડી નાખી. કદાચ એ જ દિવસે એમને લાગ્યું કે એ વાર્તાકાર નહીં બની શકે અને હવે કવિતાની દિશામાં એમણે આગળ વધવું. જો એ વાર્તાસંગ્રહ પ્રકાશિત થયો હોત તો તેઓ કદાચ એ જ ક્ષેત્રે આગળ વધત ! અને તો આપણને આવા ઉમદા કવિ ન મળત ! આવી આકસ્મિક ઘટનાઓ જ જીવનની દિશા બદલે છે!

હવે તેઓ વાર્તાઓ છોડી ફરી કવિતાઓ તરફ વળ્યા અને પોતાની રચનાઓ મિત્ર શ્રીકૃષ્ણ સૂરીને વંચાવવાનું શરૂ કર્યું. ઘણી કવિતાઓ લખાઈ, મિત્રોએ વખાણી અને આમ કવિતાઓનો સંગ્રહ થયો એટલે ‘तेरा हार’ નામે એ છપાવવાનું નક્કી કર્યું. એ સમયે મુન્શી કન્હૈયાલાલનું નામ સંપાદક તરીકે જાણીતું હતું. બચ્ચનજીનો એમની સાથે સારો સંબંધ હતો. એમણે પોતાના કાવ્યસંગ્રહની વાત કન્હૈયાલાલને કરી. કન્હૈયાલાલે પ્રકાશક સાથે સંપર્ક કર્યો. પ્રકાશક છાપવા તૈયાર થયા, એ શરતે કે 1000 પ્રત છાપશે અને  કાવ્યસંગ્રહની કિંમત ‘એક રૂપિયો’ રહેશે. પ્રકાશક એમાંથી 250 નકલો કવિને ભેટ આપશે. કવિ પોતાની નકલો ચાહે મિત્રોને ભેટ આપે, ચાહે વેચે. કવિને કોઈ રોયલ્ટી આપવામાં નહીં આવે. યશની કામના દરેક માણસમાં હોય જ છે. એમણે આ શરત મંજૂર કરી લીધી.

આ ઘટનામાં મુશ્કેલી એ થઈ કે એ સંગ્રહ કવિનો પોતાનો હતો, એમાં સંપાદન તો નામ માત્રનું નહોતું,  છતાં મુન્શી કન્હૈયાલાલે એમાં પોતાનું નામ સંપાદક તરીકે રાખ્યું ! ‘સંપાદક – મુન્શી કન્હૈયાલાલ, એમ.એ. એલ.એલ.બી’ અરે, સરનામું પણ કન્હૈયાલાલનું જ છપાયું ! કવિને નિરાશા થાય એવી આ વાત હતી પણ જ્યારે ખબર પડી ત્યારે કાવ્યસંગ્રહ છપાઈ ગયો હતો અને હવે કોઈ ફેરફાર થઈ શકે નહીં !  

લગભગ 1932ની જાન્યુઆરી મહિનો હતો. કાવ્યસંગ્રહ ‘तेरा हार’ પ્રકાશિત થયો અને બચ્ચનજી પ્રકાશકને ત્યાં પોતાની નકલો લેવા પહોંચ્યા. એમને 250 નકલોનું બંડલ પકડાવી દેવામાં આવ્યું. જે ખભા પર ઊંચકીને કવિ નીકળ્યા. કવિ લખે છે આ બંડલ ખભા પર ઊંચકીને ચાલવામાં એટલો ગર્વ અનુભવાતો હતો કે જાણે “પક્ષીરાજ ગરુડ ભગવાન વિષ્ણુને પોતાની પીઠ પર બેસાડીને લઈ જઇ રહ્યા છે ! પગ ધરતી પર નહીં, આકાશમાં પડી રહ્યા હતા ! પ્રથમ પુસ્તક પ્રકાશિત થવું એ કવિ માટે પ્રેયસીના પ્રથમ આલિંગન જેવું સુખદાયક હોય છે !” 

રસ્તામાં એમના મિત્ર શ્યામ ગોપાલ મળ્યા.

‘અરે શું ઊંચકીને ચાલ્યા ?’

‘મારો પ્રથમ કાવ્યસંગ્રહ ‘तेरा हार’ પ્રકાશિત થયો છે.’ – કવિએ ભાવવિભોર સ્વરમાં કહ્યું.

બંડલ ખોલી એમણે એક નકલ આ મિત્રને ભેટ ધરી. મિત્ર શ્યામ ગોપાલે ખિસ્સામાંથી એક રૂપિયો કાઢ્યો.

‘હું તારું પ્રથમ પુસ્તક મફત નહીં લઉં. ખરીદીશ. પહેલી બોણી આખા દિવસનું ભાગ્ય નક્કી કરે છે. ઈશ્વર કરે તારું પુસ્તક લાખોમાં વેંચાય !”

કવિને એમ લાગ્યું કે જાણે આ મિત્રની જીભ પર આજે સ્વયં સરસ્વતી આવીને બેઠી છે અને આવા શબ્દો બોલાવે છે. મિત્રના હૃદયની ભાવના કેવી ફળી ! અનેક સાહિત્યિક સામયિકોમાં આ કાવ્યસંગ્રહનું વિવેચન પ્રગટ થયું. લગભગ બધે જ એમને સારો આવકાર મળ્યો, ખૂબ પ્રશંસા મળી. ક્યાંક લખાયું, ‘કવિ આ કલામાં સિદ્ધહસ્ત છે.’

આ વાત પર કવિનું મનોમંથન શું હતું ? એમને થયું, “અગર આ જ કલા છે તો કાવ્યકલાની સાધના મારા માટે અઘરી નથી.” એમને પોતાની અનુભૂતિઓ, સંવેદનાઓ પર વિશ્વાસ હતો. પોતાના અનુભવોના તાપમાંથી શબ્દ કળા બનીને નીપજે તો નીપજે. કાવ્યકલા સંબંધે એમના મૂળભૂત સિદ્ધાંત આ હતા જે દરેક કવિએ નોંધી રાખવા જેવા છે.  

“જો હું કવિ છું તો શબ્દપ્રવીણ હોવાનું જરૂરી નથી. પોતાની વાત કહેવામાં, જેટલી પ્રવીણતા એની સાથે જોડાઈને આવે એટલી જ પૂરતી છે; જેમ કે માંસની સાથે ત્વચા. ત્વચાની ઉપર રંગરોગાન કે મેકઅપ કરવાની ન તો મારી ક્ષમતા છે ન આવશ્યકતા. એ મારા સ્વભાવને અનુકૂળ પણ નથી. ત્વચા પર અંદર દોડતા લોહીની જેટલી લાલીમા છે એટલી જ મને સ્વીકાર્ય છે અને એટલી જ સહ્ય છે ! જે કવિ ભાવોથી ભરપૂર છે એને કવિત્ત વિવેકની કોઈ આવશ્યકતા નથી ! ‘कवित्त बिबेक एक नहि मोरे, सत्य कहहुँ लिखि कागद कोरे”

આવી વાત અનેક મોટા કવિઓએ પણ કહી છે જેમ કે કીટ્સે લખ્યું છે કે કવિતા એટલી સહજતાથી કવિ પાસે આવવી જોઈએ જેમ કે વૃક્ષ પર પાન ! વૃક્ષ ધરતીની અંદર જે ભોગવે છે, વેઠે છે એનાથી તો પાન સહજ રીતે ફૂટે છે.

‘શૈલી શું છે ?’ થોરોને કોઈએ પૂછ્યું. એમણે કહ્યું ‘બંદૂકનો ઘોડો દબાવવો.’ પણ ઘોડો દબાવવાનો અર્થ ત્યારે જ સરે છે જ્યારે બંદૂક ભરેલી હોય અને નિશાન બરાબર તાકેલું હોય. કવિ લખે છે મારી બંદૂક ભરેલી હોય અને નિશાન તાકેલી હોય એનું મેં હંમેશા ધ્યાન રાખ્યું છે.

‘तेरा हार’ કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો ત્યારે કવિ પ્રયાગ મહિલા વિદ્યાપીઠમાં ભણાવતા હતા. મહાદેવી વર્મા ત્યાં આચાર્ય થઈને આવ્યા. કવિએ પોતાનું પુસ્તક ભેટ ધર્યું. એમણે પુસ્તક ખોલી આગળ પાછળ ફેરવી જોઈને કહ્યું ‘હાર તો મોતી-માણેકનો હોય, ફૂલોની તો માળા હોય !’ અને કવિએ એમના કાવ્યસંગ્રહ ‘नीहार’ ની એક કાવ્યપંક્તિ રજૂ કરી દીધી

‘चढ़ा न देवों के चरणों पर, गूँथा गया न जिसका हार’ – મહાદેવીજી કશું બોલી શક્યા નહીં હોય !

બચ્ચનજી લખે છે કે મારું જીવન અને કાવ્ય બંને એક જ છે. મેં એમને કદી અલગ માન્યા જ નથી. જો મારું જીવન કાવ્ય ન હોય તો મારામાં કવિત્વ જેવી કોઈ ચીજ જ ન હોય.

એ પછી એમના બોંતેર પુસ્તકો પ્રકાશિત થયા જેમાં મુખ્યત્વે કવિતાસંગ્રહો જ છે, ઉપરાંત કવિતાના  અનુવાદો, સંપાદનો, સમીક્ષાઓ, સંકલનો છે. એમણે કરેલો અનુવાદ ‘खैय्याम की मधुशाला’ ખૂબ લોકપ્રિય થયેલો. આ પુસ્તકોમાં એમની આત્મકથા ઉપરાત બે નિબંધસંગ્રહો અને હા, એક વાર્તાસંગ્રહ છે ખરો !

હરિવંશરાય બચ્ચન એક મહાન કવિ તરીકે જ જાણીતા છે.     

OP  20.5.2022

***

Devika Dhruva

28-09-2022

માહિતીસભર સ-રસ આલેખન.

સાજ મેવાડા

14-09-2022

સરસ લેખ

છબીલભાઈ ત્રિવેદી

14-09-2022

હરિવંશ રાય બચ્ચન ખુબ મહાન કવિ તેમની મધુશાલા જગવિખ્યાત છે ખુબ સરસ જાણકારી મળી ખુબ ખુબ આભાર લતાબેન

      

1 Response

  1. આવી જાણકારી અમારા જેવા ઉગતા કવિઓને નવી ઉર્જા પુરી પાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: