સિતાંશુ યશશ્ચંદ્ર  ~ એક કપ ચા * Sitanshu Yashashchandra

એક સૂફી કવિએ બહુ વેધક વાત લખી છે કે “હું સાત વર્ષનો હતો ત્યારે બોલતાં શીખી ગયો હતો, ફટાફટ બોલવા લાગ્યો હતો પણ મૂંગા કેમ રહેવું એ શીખતા મને સાંઠ વર્ષ લાગી ગયા” મૌન રહેતા શીખવું બહુ અઘરું છે  કવિતા એ શાશ્વત મૌનનો અનુવાદ છે. કવિઓ વધુ પડતા બોલકણા હોય. પોતાની કવિતાઓ વિષે બહુ બોલબોલ કરતા હોય એવા કવિઓને ઉમાશંકર જોશી તરત કહેતા : “કવિ, તમે ચૂપ રહો, તમારી કવિતાને બોલવા દો” આપણો રસ કવિતા બોલે એમાં હોય છે, બાકી કવિઓના વર્બલ ડાયેરિયામાં કોઈને રસ નથી.  

હમણાં થોડા દિવસ પહેલાં દુન્યા મિખાઈલની એક કવિતા વાંચી. કવિતાનું શીર્ષક હતું : “મોચી ” દુન્યા લખેછે : “એક કુશળ મોચીએ પોતાની આખી જિંદગી જૂતાઓને ખિલ્લીઓ ઠોકી છે અને અલગ અલગ પગો માટે ચામડાને નરમ બનાવ્યા કર્યું છે. મોચી પાસે આવતા પગો કેવા હોય છે ? ક્યાંકથી બચીને નીકળતા પગ, લાતો મારતા પગ, દોડતા પગ, ઠોકર ખાતા પગ, કૂદતા પગ, અટકતા પગ, સ્થિર પગ, ધ્રૂજતા પગ, નાચતા પગ, પાછા વળતા પગ, એવું લાગે છે કે જિંદગી જાણે કે મોચીના હાથમાં રહેલી ખિલ્લીઓ છે.” બગદાદમાં જન્મેલી આ દુન્યા  મિખાઈલ અતરે અમેરિકામાં રહે છે. મોચી કાવ્યમાં તમે જુઓ કે ચપ્પલ કે બૂટોની અહીં કોઈ વાત જ નથી પણ ગતિશીલ પગોની જ કથા છે . મોચીના હાથમાં રહેલી ખિલ્લીઓ જ જિંદગી છે. તમે ચપ્પલને ખિલ્લી મારી શકશો પણ પગને ખિલ્લી નહિ મારી શકાય. આ કાવ્યની વ્યંજના શબ્દોમાં નથી હોતી પણ અશબ્દ હોય છે. ટેબલના ચાર પાયાઓથી સંતુલન બને છે પણ શબ્દોની બાબતમાં એવું સંતુલન નથી હોતું.

ગયા વીકમાં રીતા પેત્રોની કેટલીક ટૂંકી કવિતાઓ મને વાંચવા મળી. લંડનથી મારી મિત્ર સોફીએ મને ઈમેઈલથી મોકલી હતી. રીટા પેત્રો આધુનિક આલ્બેનિયન કવિયત્રી છે. એનો જન્મ તિરાનામાં થયો થતો. આલ્બેનિયન ભાષા અને સાહિત્ય ઉપર પેટ્રોએ  તિરાના વિદ્યાપીઠમાંથી પદવી લીધી હતી. વિશ્વની અનેક ભાષાઓમાં એની કવિતાઓના અનુવાદ થયા છે. પેત્રો એક કવિતામાં કહેછે છે કે” જીવન જો એક  ચિક્કાર ભરેલો ગ્લાસ હોત તો હું એને એકીશ્વાસે ગટગટાવી જાત.” પેટ્રોએ એક નાનકડી કવિતા લખી છે  એની અભિવ્યક્તિ બિલકુલ અલગ છે. શીર્ષક છે “ચાહવું “

હે પ્રતિજ્ઞાઓ  .. હે પ્રોમીસો  મને પ્રેમ નહિ કરતા
કારણકે ચાવીઓની જેમ ખોવાઈ જાયછે પ્રોમીસો -વાયદાઓ

તમે એવું ઈચ્છો નહિ કે હું તમને નહિ બોલાયેલા શબ્દો કહું
શબ્દોના અર્થ ચીજોથી વધારે નથી હોતા

તમે બસ એટલું જ ચાહો કે
હું પરિવર્તિત કરી શકું તમારા જીવનની એક ક્ષણ “

વિદેશી કવિઓની વાત કર્યા પછી મને એકાએક આસામ યાદ આવી જાય છે. અસમિયા કવિતાઓમાં અજબગજબની ખુશ્બૂ છે. લુત્ફા હાનૂમ સેલીમાં બેગમ અસમિયા ભાષામાં કવિતાઓ લખે છે. બેગમની કવિતાઓમાં યથાર્થવાદ દેખાય છે. સામ્પ્રતનું પ્રતિબિબ પડે છે. બેગમની અભિવ્યક્તિ અનોખી છે. આજકાલ માણસ પોતાની  મોટાઈ બતાવવા “ખૂબ બિઝી છું” એવો જવાબ આપે છે. જાણે કે બીજા બધા નવરા હોય !  બેગમ પોતાની એક અસમિયા કવિતામાં કહેછે કે “તમે કેટલા બધા બિઝી છો … કોઈને મળવાનો પણ સમય નથી, અરે એમના વિષે વિચારવાનો પણ સમય નથી  છતાં તમે એકલા છો. તમારી પાસે ઈમૈલ છે, ફેસબુક છે. મોબાઈલ ફોન છે. આ બધું જ રોજ તમારી સાથે રહે છે.  શું તમે આ બધા સાથે એક ખાસ અંદાઝમાં રહો છો? શું તમે તમારા મોબાઈલમાં હવાનો, ચાંદનીનો, અને નદીનો નંબર સેવ કર્યો છે ? તમે કેટલા બધા વ્યસ્ત છો એની તમને ય ખબર નથી. તમે દિવસભરની વ્યસ્તતાનું “બ્રાન્ડેડ”શર્ટ ઉતારી નાખો અને પાયજામા-કૂર્તા એકવાર પહેરીને યાદોના ચનાજોર ગરમ ખાઈ તો જુઓ.” અહીં તમે જુઓ કે બેગમે આધુનિક વ્યસ્તતાનો એક્સરે લીધો છે. માનવ જંતુ કરી કરીને બીજું શું કરી શકે ? ખાઈ શકે છે, સૂઈ શકે છે, ફરવા જઈ શકે જોક્સ કહી શકે, સીટી બસમાંથી ઉતરી શકે, સરઘસમાં શામિલ થઇ શકે, ઓટોરીક્ષા કરી શકે, દવા લઇ શકે. લુત્ફા હાનૂમ સેલીમાં બેગમનું આ ભાવવિશ્વ છે.

એકલો માણસ શું કરી શકે એ વિષે બેગમે સરસ કવિતા લખી છે કવિતાનું શીર્ષક છે “એકલા એક કપ ચા પી શકાય છે “

“એકલા એક કપ ચા પી શકાય છે
ગીત સાંભળી શકાય છે, વાયોલીન વગાડી શકાય છે
વરસાદમાં ભીંજાઈ શકાય છે
પુસ્તકની દુકાન સુધી જઈ શકાય છે, શોપિંગ કરી શકાય છે
મંદિર અને મસ્જીદ સુધી એકલા જઈ શકાય છે
પણ તમારી સ્મશાનયાત્રા એકલા કરી શકતા નથી
લોકોને સાથે લેવા જ પડે છે.”

એકલા પડી જવાની પણ એક મજા છે એકલો માનવી ચોરીછૂપીથી દુખોને શોધી લાવીને સુખમાં ડૂબાડીને ફરે છે. જૂના સ્વપ્નની ઢીંગલીઓને નવાનવા કપડા-લત્તા પહેરાવે છે. હૃદયની અલમારીમાંથી સ્મૃતિઓને બહાર કાઢીને એને સજાવે છે. સ્મૃતિઓને અવાજ નથી હોતો. એકલા પડી જવાથી ક્યારેય લખી શકાયા નથી એ પ્રેમપત્રો વાંચવા અને ધરતી ઉપર ક્યારેય નથી વરસવાની એ બારિશમાં ભીંજાવું ગમે છે।  ક્યારેય સાંભળ્યા નથી એ ગીતો ગણગણવા ગમે છે. એકલતા કોઈનો ઇન્તઝાર કરતી નથી.  એક શાયરે તો કહ્યું છે કે હું ભરી મહેફિલમાં તન્હાઈનો આલમ શોધી  રહ્યો છું.  મારા રાત-દિવસ કેલેન્ડરમાં નથી.  હું જેવી ચાહુ છું એવી મોસમ શોધી લઉં છું.

ઓડ્રી હેપબર્ન જેવી વિખ્યાત અભિનેત્રીએ લખ્યું છે : “When you have nobody you can make a cup of tea for, when nobody needs you, that’s when I think life is over.”  આપણા સમર્થ કવિ નિરંજન ભગતે પણ એક કવિતામાં લખ્યું છે : ” કોને કહું છું એકલો ? આભ જેવા આભનો યે ભાર વહુ છું એકલો ” સાચા કવિની નિયતિ એકલતા હોય છે.  વિખ્યાત રશિયન સર્જકે બહુ રમુજમાં લખ્યું હતું કે તમને જો એકલતાની બહુ બીક લાગતી હોય તો તમારે લગ્ન કરવા નહિ. એકલતા સાથે વાત પણ કરી શકાય  અખ્તર નઝમી નામના શાયરે લખ્યું છે :बेख़्याली का बड़ा हाथ है रुसवाई में. आप से बात करेंगे कभी तन्हाई में.”

એકાંતમાં સુખોની યાદ આવે છે. કવિ ન્હાનાલાલે ક્યાંક લખ્યું છે : “સુખના સ્મરણમાં ઊંડું દુખ છે અને દુઃખના સ્મરણ ઊંડું સુખ છે “

કવિ સિતાંશુ યશશ્ચંદ્ર 

(માફ કરજો આ લેખના અંતે લેખકનું નામ ચુકાઈ ગયું છે. એમ શીર્ષક પણ. મારી ભૂલ ન થતી હોય તો આ લેખ લગભગ કવિ સિતાંશુ યશશ્ચંદ્રનો છે. Please મદદ કરજો.)

OP 23.9.2021

સુરેશ જાની

23-09-2021

પણ….. અડધી ચા,.બે રકાબી અને. રેંકડીની બાજુમાં ઈંટો.પર મુકેલા પથરા પર ,.સાથે.પીવાની લિજ્જત ઓર હોય છે.

પ્રફુલ્લ પંડ્યા

23-09-2021

એકાંતનું ઝગમગતું વિશ્વ કેટલું સુંદર, કેટલું રૂપાળું હોય છે! કોઈ ન હોય ત્યારે એક કપ ચા સાથે જીવી જવાની પ્રસન્નતા તો જેણે અનુભવી હોય તેને જ ખબર પડે ! આપણે ત્યાં મૌલિક ફિલસુફીનું સર્જન ઓછું છે પરંતુ શ્રી સિતાંશુભાઈએ અહીં એની પૂર્તિ કરીને નવી આશા- અપેક્ષા જગાવી છે.પ્રિય સિતાંશુ ભાઈ, યે દિલ માંગે મોર !
પ્રફુલ્લ પંડ્યા

છબીલભાઈ ત્રિવેદી

23-09-2021

અેકલા અેક ચા પી શકાય,, ખુબજ ચોટદાર વાત લેખક શ્રી એ કરી છે માણસ નો સ્વભાવ સમજી શકાય તેવો નથી પોતે બીજી છે તેમ કહે પણ અંદર થી સાવ નવરો હોય છે ખુબ સરસ મજા આવી અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: