ભગીરથ બ્રહ્મભટ્ટ ~ કાગળ આપું કોરો * Bhagirath Brahmabhatt

લ્યો, કાગળ આપું કોરો
સોળ વરસનો એક જ ટૌકો એમાં લથબથ દોરો !
નજર નામની સેંથી પૂરો
મૌન મઢેલા હીરા
પાંપણ ઉપર કાનો દોરો
આંસુઓમાં મીરાં!
ઝંખનજળની પાળે રહીને ઝબક જીવતર બોળો!
લ્યો, કાગળ આપું કોરો…..
સૂરજ ભાલે સંતાયેલો
ને પગલિયુંમાં ભોર
આછાઆછા અજવાળામાં
ઝરમર ઝાકળ દોરો!
કૂંપળની ગલીગલીમાં સૌરભછોળો ઢોળો!
લ્યો કાગળ આપું કોરો.
~ ભગીરથ બ્રહ્મભટ્ટ
‘પાંપણ ઉપર કાનો દોરો, આંસુઓમાં મીરાં!’ ગજ્જબનું કલ્પન કવિ લાવ્યા છે! વાહ નીકળી જ જાય!
કોરા કાગળમાં કોતરાયેલું નમણું કામણ!
નાજુક નમણુ કાવ્ય ખુબ ગમ્યું ખુબ અભિનંદન
વાહ, ગીત, મજાના શબ્દો