ગંગાસતીનાં પાંચ ભજનો

ગંગાસતીનાં પાંચ ભજનો : સ્વર ~ દિવાળીબેન ભીલ, હેમંત ચૌહાણ, નિરંજન પંડ્યા, લલિતા ઘોડાદ્રા

1.વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ

2. મેરુ તો ડગે જેના મન નવ ડગે,

3. ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ

4. શીલવંત સાધુને વારે વારે નમીએ,

5. સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે

*****

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ !

નહિતર અચાનક અંધારા થાશે જી;

જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઈ !

એકવીસ હજાર છસોને કાળ ખાશે જી….

વીજળીને ચમકારે….

જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઈ !

અધૂરિયાને નો કે’વાય જી,

ગુપત રસનો આ ખેલ છે અટપટો,

આંટી મેલો તો સમજાય જી …

વીજળીને ચમકારે….

મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઈ !

જાણી લીયો જીવ કેરી જાત જી;

સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,

બીબે પાડી દઉં બીજી ભાત જી …

વીજળીને ચમકારે….

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઈ !

તેનો રે દેખાડું તમને દેશજી,

ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,

ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી

વીજળીને ચમકારે….

*****

મેરુ તો ડગે જેના મન નવ ડગે, ભલે ભાંગી પડે ભરમાંડ રે

વિપદ પડે પણ વણસે નહીં સોહી હરિજનનાં પ્રમાણ રે …

મેરુ તો ડગે…..

ચિત્તની વૃત્તિ સદા નિર્મળ રાખે ને કરે નહીં કોઈની આશ રે,

દાન દેવે પણ રહેવે અજાચી ને, રાખે વચનમાં વિશ્વાસ રે…

મેરુ તો ડગે…..

હરખ ને શોકની ન જેને આવે હેડકી ને, આઠે પહોર રહે આનંદ જી,

નિત્ય રહે સત્સંગમાં ને તોડી દીધાં માયા કેરા ફંદ રે…

મેરુ તો ડગે…..

તનમનધન જેણે ગુરુને અર્પ્યા, તેનું નામ નિજારી નર ને નારજી,

એકાંતે બેસીને અલખ આરાધે તો અલખ પધારે એને દ્વારજી..

મેરુ તો ડગે…..

સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે, શીશ તો કર્યાં કુરબાન રે

સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં, જેણે મેલ્યાં અંતરનાં માન રે…

મેરુ તો ડગે…..

સંગત કરો તો એવાની કરજો, જે ભજનમાં રહે ભરપૂર જી,

ગંગાસતી એમ બોલિયાં, પાનબાઈ જેનાં નેણોમાં વરસે ઝાઝાં નૂરજી

મેરુ તો ડગે…..

~ ગંગાસતી

*****

ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ, મેલવું અંતરનું અભિમાન રે,

સતગુરુ ચરણમાં શીશ નમાવીને, કર જોડી લાગવું પાય રે

ભક્તિ રે કરવી એણે…….

જાતિપણું છોડીને અજાતિ થાવું ને કાઢવો વર્ણ વિકાર રે,

જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં, એવી રીતે રહેવું નિર્માન રે

ભક્તિ રે કરવી એણે…….

પારકા અવગુણ કોઈના જુએ નહીં, એને કહીએ હરિ કેરા દાસ રે,

આશા ને તૃષ્ણા નહીં એકેય જેના ઉરમાં રે, એનો દૃઢ રે કરવો વિશ્વાસ રે

ભક્તિ રે કરવી એણે…….

ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ, રાખજો વચનમાં વિશ્વાસ રે,

ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ, હરિજન હરિ કેરા દાસ રે

ભક્તિ રે કરવી એણે…….

~ ગંગાસતી

*****

શીલવંત સાધુને વારે વારે નમીએ, જેનાં બદલાય નહીં વર્તમાન જો;

રામભરુસો રાખે હૃદયમાં જેને, મહારાજ થયા મહેરબાન રે

શીલવંત સાધુને……..

સ્નેહ કે શત્રુ કોઈ નથી, જેના દિલમાં પરમારથ ઉપર પ્રીત રે;

સતગુરૂ સાનમાં પૂરણ સમજે ને, રૂડી રૂડી પાળે રીત

શીલવંત સાધુને……..

વહેવારની વાતો જેને ગમતી નથી, ભજનમાં રહે ભરપૂર રે;

અલખને લખ કહી લાભ જ લેતાં, જેનાં નેણલામાં વરસે નૂર રે

શીલવંત સાધુને……..

પર ઉપકારમાં કરવા પ્રવૃત્તિ ને, નિવૃત્તિમાં નિજ રૂપ રે;

પોતે રહીને પોષે બીજાને, એવાં સંત સાહેબના સ્વરૂપ

શીલવંત સાધુને……..

સંગત કરો તો એવા નરની કરજો, પમાય એથી ભવ પાર;

ગંગાસતી કહે સાંભળો પાનબાઈ, દેખાડે અલખના દ્વાર

શીલવંત સાધુને……..

~ ગંગાસતી

*****

સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે સમજવી સદગુરુ કેરી શાન રે,

વિપત્તિ આવે પણ વૃતિ ન ડગાવવી મેલી દેવું અંતરનું માન રે

સર્વ ઈતિહાસનો…

પ્રખ્યાતિ તો પાનબાઈ એવાની થઈ છે, જેણે શીશને કર્યા કુરબાન રે,

વિપત્તિ તો એના ઉરમાં ન આવે, જેને મહારાજ થયા મહેરબાન રે

સર્વ ઈતિહાસનો…

શીશ તો પડે જેના, ધડ નવ રહે, જેણે સાચો રે માંડ્યો સંગ્રામ રે,

પોતાનું શરીર જેણે વ્હાલું નવ કીધું, ત્યારે રીઝે આતમરામ રે

સર્વ ઈતિહાસનો…

ભક્તિ વિના ભગવાન રીઝે નહીં, ભલે કોટિ કરે ઉપાય રે,

ગંગાસતી એમ રે બોલિયાં પાનબાઈ, આપદા ભક્તિ વિના નવ જાય રે

સર્વ ઈતિહાસનો…

~ ગંગાસતી

*****

સ્વર : દિવાળીબેન ભીલ, હેમંત ચૌહાણ, નિરંજન પંડ્યા, લલિતા ઘોડાદ્રા (પાંચ ભજનો 54 મિનિટ)

4 Responses

  1. ઉમેશ જોષી says:

    વાહ સરસ ..

  2. દિલીપ જોશી says:

    ગંગાસતીજીના ભજનોના સૌ પ્રથમ ગાયક ભજનિક મુગટલાલ જોશી હતા.એ આકાશવાણી રાજકોટમાં સંગીત વિભાગમાં કામ કરતા હતા. એમણે અનેક ભજનોને પોતીકી રીતે જ ભૂપાલી રાગમાં સ્વરબદ્ધ કરી અત્યારે આપણે જે ભજનો ગંગાસતીજીના જુદાજુદા ગાયકો દ્વારા સાંભળીએ છીએ એ મૂળ ઢાળ રાગમાં સૌથી પહેલા મુગટલાલ ભાઈએ રજૂ કરી આપણને સહુને ગંગાસતીજીથી પરિચિત કરાવ્યા હતા.આ વાત મને ખુદ મુગટલાલ જોશીએ કરેલી.દિવાળીબેન તો આકાશવાણીમાં પાછળથી લોકગીતો ગાવા માટે આવતા થયેલા..એ પહેલા મુગટલાલ જોશીએ ગંગાસતીના પદોને લોકપ્રિય કરી દીધા હતા..મુગટલાલ જોષીના સ્વરમાં વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ ..એ પદ સાંભળવા માટે એ જમાનામાં લોકો ખૂબ અપેક્ષા રાખતા હતા. એ માટે લોકોમાંથી ખૂબ માગણી આવતી હતી..અત્યારે લોકો ગંગાસતીજીનો પ્રજાને સૌ પ્રથમ પરિચય કરાવનાર સ્વ.મુગટલાલ જોશીને યાદ પણ કરતા નથી એનું દુઃખ થાય છે, એટલે જ આ સત્ય વાત મારે પાયામાં ધરબાઈ ગયેલા અનોખી શૈલીના ભજનિક શ્રી મુગટલાલ જોશી વિશે એમની આત્મ ચેતનાને શત શત નમન સાથે આ વાત કહેવી પડી છે.

    • Kavyavishva says:

      આટલી સરસ જાણકારી આપી એ બદલ આભાર દિલીપભાઈ. આ કામમાં માર્ગદર્શન પણ આપતા રહેશો.

  3. ગંગાસતી ના પદો સાંભળવા ની ખુબ મજા આવી બધા ગાયકો ની પોતિકી શૈલી હોય છે મુગટલાલ જોશી તો આપણુ ગૌરવ છે તેમની ચેતના ને પ્રણામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: