ખલીલ ધનતેજવી ~ નવો મારગ * Khalil Dhantejavi

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.

હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

કદી તેં હાંક મારી’તી ઘણાં વર્ષો થયાં તો પણ,
હજી ગૂંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.

ખલીલ ધનતેજવી

સરળ અને સ્પર્શી જાય એવી ગઝલ. તેઓ લખે છે, ‘રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે’ એ એમની તમામ ગઝલોમાં વર્તાય છે. આવા સર્જકો પોતાની ખુમારીમાં જીવતા હોય છે. પોતાનો માર્ગ કંડારી એના પર મસ્તીથી ચાલ્યા જતા હોય છે અને અહીં એ જ વેરાઈ છે.  

ગઝલ જેમના શ્વાસમાં વસી ગઈ છે એવા કવિ ખલીલ ધનતેજવીને જન્મદિનની શુભેચ્છાઓ….  

12.12.20

***

Purushottam Mevada, Saaj

13-04-2021

ખલિલ સાહેબ હિન્દી, ઉર્દૂ અને ગજરાતી શાયરીનું ગૌરવ. જનમ દિવસની હાર્દિક શુભેચ્છાઓ, નમસ્કાર!

દિનેશ ડોંગરે નાદાન

13-04-2021

ખલિલ ધનતેજવી એક માઈલ સ્ટોન ગઝલકાર છે. સરળ બોલચાલની ભાષા, અનુભૂતિની સચ્ચાઈ અને ચોટદાર રજૂઆત એમના જમા પાસાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: