ઉષા ઉપાધ્યાય ~ હું જન્મી

હું જન્મી

ત્યારે છઠ્ઠીના દિવસે

નાનીમાએ ત્રાંબાની તરભાણી દીવા પર ધરી

હોંશે હોંશે કાજળ પાડી

મારી આંખમાં આંજ્યું હતું.

હજુ ગયા વરસે જ

મારી દીકરીને ત્યાં દીકરી જન્મી

ત્યારે મેં પણ છઠ્ઠીના દિવસે

હોંશભેર કાજળ પાડી

મારી દોહિત્રીની સ્વપ્નભરી આંખોમાં આંજ્યું હતું

આજે આ ઢળતી સાંજે

આગજનીમાં બળીને કાળામેશ થઇ ગયેલાં

મારાં શહેરનાં મકાનોને જોતાં થાય છે

કોની છઠ્ઠી માટે પડાઇ હશે

આટલી બધી મેશ ?  ….

~ ઉષા ઉપાધ્યાય

કવિતાનો મુદ્દો છે આગમાં બળી-ઝળી ગયેલાં કાળામેંશ થઇ ગયેલા ઘરોને જોઇને જાગેલી સંવેદનાનો. ઘરની અંદર રહેનારાં બચી ગયાં હોય તો પણ, જેનાં પોતાનાં આ ઘર છે એમના માટે આ કેટલી ભયંકર દુર્ઘટના છે. ઘર એમાં રહેનારાઓનું સ્વજન હોય છે, હાશ હોય છે, હૂંફ હોય છે. એને બળતું જોવા જેવી બીજી કપરી પીડા કઇ ? અજાણ્યું માનવી પણ આ જોઇને કમકમાટી અનુભવે ત્યારે સ્ત્રી માટે, ઘર સાથે એક વિશેષ અનુબંધ ધરાવતી સ્ત્રી માટે આવું દૃશ્ય વધારે પીડાકારી બની રહે !

સાભાર :  1. ‘જળબિલ્લોરી’   2.  ‘શ્યામ પંખી આવ આવ’  કાવ્યસંગ્રહો 

15.12.20

Purushottam Mevads.Saaj

13-04-2021

કવિયત્રી ઉષાજીની કવિતામાં છઠ્ઠી ના શુભ પ્રસંગ સાથે જે બળેલાં મકાનનો સંદર્ભ મને યોગ્ય નથી લાગતો. એમણે બીજા કોઇ સંદર્ભે લખ્યું હશે?

1 Response

  1. Anonymous says:

    બાળકીની છઠ્ઠીનો પ્રસંગ ને બળતા કાળાં મશ ઘરોને જોઈને કવયિત્રીને થતી સંવેદના..કોઈ ગડ બેસતી નથી.. ઉષાબહેન જ એનો સંદર્ભ સમજાવી શકે.
    બાકી છઠ્ઠીને દિવસે તાંબાના તરભાણામાં મેશ પાડવાની વાત મજાની છે. (મીનળ ઑઝા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: