મીનાક્ષી ચંદારાણા ~ ગુરુજી * Minaxi Chandarana
ગુરુજી, હું તો ઠાલી ઊભી રહી
ગુરુજી હવે કિરપા કરજો કંઈ
એક દિવસ મેં શમણું દીઠું, શમણામાં અજવાસ
એ દિવસે મેં બારી ખોલી, ઝીલવા સૂરજ ખાસ
આડા આવ્યા અંગારા, ને કંઈ દેખાયું નહીં
ગુરુજી, હું તો ઠાલી ઊભી રહી
એક દિવસ મેં શમણું દીઠું, શમણે લાડ અપાર
એ દિવસે મેં બારી ખોલી, જોવા હાથ હજાર
આડા આવ્યા ઝળઝળિયાં, ને કંઈ દેખાયું નહીં
ગુરુજી હું તો ઠાલી ઊભી રહી
એક દિવસ મેં શમણું દીઠું, ઊભી તમસા તીર
એ દિવસે મેં મુઠ્ઠી ખોલી, પરસું નરવા નીર
આડા આવ્યા ચામડલાં, ને કઈ વરતાયું નહીં
ગુરુજી, હું તો ઠાલી ઊભી રહી
એક દિવસ મેં શમણું દીઠું, શમણામાં ઘુઘવાટ
એ દિવસે મેં છાતી ખોલી, ભરવા મનનું માટ
આડા આવ્યા ધબકારા, ને કંઈ સંઘરાયું નહિ
ગુરુજી, હું તો ઠાલી ઊભી રહી….
~ મીનાક્ષી ચંદારાણા
આજે ગુરુપૂર્ણિમા. આટલી સરસ ગુરુવંદના અને કવિએ ખુદ ભાવથી એનું ગાન કર્યું છે. સાંભળીએ.
‘સાંજને સૂને ખૂણે ‘ એમનો સરસ મજાનો કાવ્યસંગ્રહ.
કાવ્ય : મીનાક્ષી ચંદારાણા સ્વર : મીનાક્ષી ચંદારાણા
*****
પ્રતિભાવો