રવીન્દ્ર પારેખ ~ ગીત

સિનિયર ‘સીટી’જનનું ગીત : રવીન્દ્ર પારેખ

મરે નહીં ને માંદો થાય,આ સિત્તેરી ડોસો,

ઘરમાં અટવાતો દેખાય, આ સિત્તેરી ડોસો…

કામ કરે ના એકકે, એનાં કામ કરે છે સહુ,

એનું પાણી મૂકતાં, પાણી પાણી થાય છે વહુ,

ખાંસી, હાંસીમાં અટવાય, આ સિત્તેરી ડોસો…

વ્યાજ મળે ઓછું ને એમાં ટીડીએસ કપાતો,

સ્કિમ બધે રોકડની, સિનિયર માટે ખાલી વાતો,

રિટર્ન ભરતાં થાકી જાય, આ સિત્તેરી ડોસો…

લોન મળે ના વીમો, એને કામ ન આપે કોઈ,

હવે ટ્રેનમાં બેસે તો બેસે કન્સેશન ખોઈ,

જાય પછી પણ ના સમજાય, આ સિત્તેરી ડોસો,

મરે નહીં ને માંદો થાય, આ સિત્તેરી ડોસો… – રવીન્દ્ર પારેખ

આજે સિનિયર સીટીઝન એટલે કે વડીલો, વૃદ્ધો માટેનો દિવસ. વડીલોના મૃત્યુ પછી એના ફોટા પર સુગંધી હાર ચડાવાતો હોય, દાન-પૂણ્ય થતાં હોય પણ હકીકત એ જ છે કે મોટાભાગના વૃદ્ધોની જિંદગી લાચારીથી ભરેલી હોય છે. પોતાનું કામ જ્યારે જાતે ન થઈ શકે અને નાની નાની વાત માટે એમને બીજા પર આધાર રાખવો પડે ત્યારે બહારથી એ જેટલા લાચાર હોય, અંદરથી એ લાચારી સાથે પીડા પણ ભોગવતા હોય છે.

કવિ રવીન્દ્રભાઈએ વૃદ્ધોની લાચારી અને મુસીબતોને હળવાશથી કાવ્યમાં આલેખી છે. ગીતનું શીર્ષક જ જુઓ ! સિનિયર ‘સીટી’જનનું ગીત !  

1.10.21

***

Sarla Sutaria

04-10-2021

ઘણા પરિવારમાં વડીલોની આવી જ દશા હોય છે એ હકીકતને સુંદર રીતે આ રચનામાં ગૂંથીને કવિએ કમાલ કરી છે. કવિશ્રીને પ્રણામ

છબીલભાઈ ત્રિવેદી

02-10-2021

આજનુ રવિન્દ્ર પારેખ નુ સિનીયર સિટીઝન કાવ્ય ખુબજ વાસ્તવિક વાત બતાવે છે વ્રુધ્ધ વ્યક્તિ પોતાની જાતને પાંગળી સમજે છે બિમારી, લાચારી ઘેરીવળે છે સતત તેની ઉપેક્ષા થતી હોય તેવુ મહેસુસ કરેછે પરંતુ સહજતા અને સરળતા થી જીવે તો વાંધો આવતો નથી ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Varij Luhar

01-10-2021

મસ્ત મોજીલા ગીત માટે આદરણીય કવિશ્રી રવીન્દ્ર પારેખ ને નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: