મનસુખલાલ ઝવેરી ~ ઘન અષાઢી

ઘન  આષાઢી ગાજિયો – મનસુખલાલ ઝવેરી

(સોરઠા)

ઘન આષાઢી ગાજિયો, સળકી  સોનલ  વીજ,
સૂરે       ડુંગરમાળ     હોંકારા     હોંશે      દિયે.

મચવે    ધૂન   મલ્હાર   કંઠ   ત્રિભંગે   મોરલા,
સળકે  અન્તરમાંહ્ય સાજણ ! લખલખ સોણલાં.

ખીલી    ફૂલબિછાત,    હરિયાળી    હેલે   ચડી,
વાદળની   વણજાર  પલપલ  પલટે   છાંયડી.

ઘમકે   ઘૂઘરમાળ   સમદરની  રણઝણ  થતી,
એમાં તારી  યાદ  અન્તર ભરી ભરી  ગાજતી.

નહિ જોવાં  દિનરાત : નહિ  આઘું,  ઓરું  કશું;
શું ભીતર કે બહાર, સાજણ ! તુંહિ તુંહિ એક તું.

નેન   રડે   ચોધાર  તોય   વિજોગે   કેમ   રે ?
આ  જો  હોય  વિજોગ, જોગ વળી કેવા હશે ? – મનસુખલાલ ઝવેરી

અષાઢી મેઘ, વીજળીના ચમકાર મોરલાના ટહૂકાર, વાદળની વણઝાર અને ફૂલો-વેલોની બિછાત કવિને પ્રણય મસ્ત બનાવે છે અને એક અનોખું સર્જન સર્જાય છે. છંદ પ્રભુત્વ ધરાવતા આ કવિની રચનાઓમાં મુખ્ય સૂર વિષાદ છે કે નિરાશાનો છે, એમાં ઊર્મિશીલતા કરતાં ચિંતનપરાયણતા વિશેષ પ્રમાણમાં જણાય છે ત્યારે આ કાવ્ય એમાં જુદું તરી આવે છે. અલબત્ત અંતની બે પંક્તિઓ વિષાદપ્રેરક છે જ. જો કે આવા કાવ્યો કવિએ નથી આપ્યાં એવું નથી. સરસ મજાનાં પ્રકૃતિ કાવ્યો આપણને કવિ પાસેથી મળ્યાં છે પરંતુ સંખ્યામાં ઓછા.

સોરઠા છંદમાં પ્રણયની કવિતાઓ ઓછી મળશે કેમ કે પઠનમાં આ છંદનું સ્વરૂપ પોરસ ચડાવે એવું છે જ્યારે પ્રણયકાવ્યમાં અલ્લડ, મધુર કે પીડાની અભિવ્યક્તિ વિશેષે હોય છે. એ રીતે આ કાવ્ય અનોખું કહી શકાય. સોરઠા છંદે પણ કવિનો મિજાજ અને પ્રણયાભિવ્યક્તિ સરસ સાચવ્યા છે.    

3.10.21

***

Sarla Sutaria

04-10-2021

જાણે કે અષાઢી મોરલા ગહેંંકી ઉઠ્યા! અંગ અંગમાં યૌવન જાગી ઉઠ્યું. મિલન અને વિષાદના બેય અલગ ભાવો મધુર રીતે ઉપસ્યા છે. મજા આવી ગઈ વાંચીને.

ડો. પરુષોત્તમ મેવાડા, સાજ

03-10-2021

વરસાદ અને વિરહની જુગલબંધી મોટાભાગના કવિઓએ ગાઈ છે, આ કાવ્ય સોરઠામાં નવું લાગે છે.

સુરેશ’ચંદ્ર’રાવલ

03-10-2021

સુંદર ઘનઘોર અષાઢનુ કલ્પન અને તેનાં પર આપનું વિશ્લેષણ ખૂબ સરસ

Varij Luhar

03-10-2021

ઘન આષાઢી ગાજિયો.. વાહ વાહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: