અનિલ ચાવડા ~ આનંદ પજવશે * Anil Chavda

આનંદ પજવશે ~ અનિલ ચાવડા

આનંદ પજવશે ને ઉલ્લાસ સહન નૈં થાય,
એવી ય ઘડી ઘટશે કે શ્વાસ સહન નૈં થાય.

તું સૂર્ય સમી તારી સિદ્ધિ ન કહે એને;
ઘૂવડથી કદી સ્હેજે અજવાસ સહન નૈં થાય.

બહુ જોર કર્યું તો પણ એ શત્રુ નથી નમતો?
વિશ્વાસ મૂકી દેને, વિશ્વાસ સહન નૈં થાય.

છે માપ મુજબ ફળિયે તેથી જ વખાણે છે!
જો સ્હેજ વધુ ઊગશે તો ઘાસ સહન નૈં થાય.

મારી જ ભીતર રહીને ધબકે તું બીજા માટે?
નૈં થાય, હૃદય! આવો ઉપહાસ સહન નૈં થાય.

અનિલ ચાવડા

ગાંધીજી સાથે ઘટેલી એક ઘટના. કોઈ એમને છરો લઈને મારવા આવેલો. ગાંધીજીએ પૂરા મૈત્રીભાવથી એને સાથે ચાલવા આવવા કહ્યું અને પોતે એને લઈને એકલા જ ગયા. એમને જાણ પણ હતી કે આ વ્યક્તિ શા માટે આવ્યો છે ! અને પેલો મારનારો હતપ્રભ થઈ ગયો. ન છરો ઉગામી શક્યો, ન કાંઇ કરી શક્યો. બાપુને વંદન કરી ચાલતો થયો ! ત્રીજા શેરમાં કવિ કંઈક આવી જ વાત કરે છે ને !

તમામ શેર સુંદર… છેલ્લો નખશીખ સુંદર…  શેર મોતીના દાણા જેવો ! વાહ કવિ !

OP 25.3.22

સાજ મેવાડા

25-03-2022

વાહ, સુંદર ગઝલ.

છબીલભાઈ ત્રિવેદી

25-03-2022

કવિ અનિલ ચાવડાની રચના ના બધાજ શેર ખુબ ગમ્યા આવા કાવ્યો અે કાવ્ય વિશ્ર્વ ની સફળતા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: