અનિલ ચાવડા ~ મને સ્હેજે * Anil Chavda

મને સ્હેજે રહ્યો જ નહીં ~ અનિલ ચાવડા

મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ
ઠૂંઠવતા જીવતરની ઉપર આવીને તમે ઓઢાડો ચાદર કે વ્હાલ ?

ક્યારની કરું છું હું એવી રે અટકળ કે મહેક્યાં છે પુષ્પો કે શ્વાસ ?
સ્હેજ કરી આંખો જ્યાં બંધ અમે ત્યાં તો સાવ નાનકડું લાગ્યું આકાશ
ગાલ ઉપર ફરતું’તું પીંછું કે પીંછા પર ફરતા’તા ગાલ ?
મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ..

ક્યારે આવીને તમે પ્રગટાવી દીધો રે છાતીના કોડિયામાં દીવો
સરબતની જેમ મારા હોઠ લગી આવીને હળવેથી બોલ્યા કે ‘પીવો’ !
શરમે રતુંબડા છે ગાલ થયા મારા કે ઉડ્યો છે સઘળે ગુલાલ
મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ….

~ અનિલ ચાવડા

આ સરસ મજાના ગીતના ઉપાડમાં જ સ્ત્રીની વિસ્મયાનુભૂતિ ભાવકને સ્પર્શી જાય છે. એકદમ વાતચીતનો લય અને સ્ત્રીના મુખમાંથી સહજ રીતે સર્યા કરતા શબ્દો, ‘મને સ્હેજે રહ્યો નહીં ખ્યાલ’ અને પછી ‘ઠૂંઠવતા જીવતરની ઉપર આવીને તમે ઓઢાડો ચાદર કે વ્હાલ !’ વાંચતાં જ જાણે પ્રિયતમના પ્રેમને ઝંખતી પ્રેમિકાઓના હૈયાને શાતા મળે એવી મજાની રજૂઆત!

છાતીના કોડિયામાં દીવો પ્રગટાવવાનું કલ્પન પ્રેમની અનુભૂત ક્ષણોની આબાદ કોતરણી છે તો ‘સરબતની જેમ મારા હોઠ લગી આવીને હળવેથી બોલ્યા કે પીવો !’ પંક્તિમાં શૃંગાર અત્યંત નાજુકાઇથી સોળે કળાએ ખીલ્યો છે. ‘દીવો’’ અને ‘પીવો’ પ્રાસની સહજ અને સ્વાભાવિક ગુંથણી સાથે આખીયે પંક્તિનું ભાવઝરણ મધુર લાગે છે…

OP 24.6.22

***

Jigna Mehta

25-06-2022

Khub sundar git…Anil bhai Aapna badhana gamta kavi rahya che Ane rahese

આભાર

25-06-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, વારિજભાઈ, દીપકભાઈ, કાજલબેન.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર

સાજ મેવાડા

24-06-2022

વાહ, ખૂબ સરસ ભાવ, ગીત. આદરણીય લતાજી, આપે સરસ આસ્વાદ કરાવ્યો.

Dipak Valera

24-06-2022

ખૂબ સરસ ગીત

કાજલ શાહ

24-06-2022

વાહ સાહેબ વાહ
ફરી પ્રેમ કરવાની ઈચ્છા જગાવી દીધી 😄
ખૂબ સુંદર કાવ્ય 👏👏👏👏👏

Varij Luhar

24-06-2022

વાહ.. ખૂબ સરસ

છબીલભાઈ ત્રિવેદી

24-06-2022

અનિલ ચાવડા નુ ખુબજ ભાવવાહી ગીત સરસ કાવ્યો કવિ એ આપેલા છે આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: