રમણીક સોમેશ્વર ~ પર્વત ઉપર * જયંત ડાંગોદરા

પર્વત ઉપર ખીણ ઝળુંબે

ખીણમાં નભ પડઘાતું

આજે આ કેવું થાતું!

હલ્લેસાની પાંખે ઉડે હાલકડોલક હોડી

મધદરિયે જઈ ડૂબકી મારે કાંઠા પરની કોડી

એક તણખલું પાંખ પ્રસારી આકાશે ઊડી જાતું

આજે આ કેવું થાતું!

માછલીઓની માફક લસરે ટેકરીઓનું ટોળું

પંખીને પણ એમ થતું કે ક્યાં જઈ ચાંચ ઝબોળું!

વૃક્ષો ખળખળ વહ્યા કરે ને તળાવ ઊભું મૂંઝાતું

આજે આ કેવું થાતું!

~ રમણીક સોમેશ્વર  

નમણું – નરવું ગીત – જયંત ડાંગોદરા

આપણે ન ધારેલું ઘણુંબધું આ જગતમાં ઘટતું રહે છે. દરેક પગલું આપણે દોરેલા રસ્તા પરથી જ પસાર થાય એવું અભિમાન અહીં કામ આવતું નથી. કુદરત પોતાની રીતે – શરતે લીલા કરતી હોય છે.અને એ લીલામાં સહભાગી સહુ કોઈને પોતાની મરજી મુજબ રાસ રમાડતી રહે છે. જેમ કુદરત પોતાની રીતે – ભાતે સર્જન કરે છે તેમ કવિ પણ નિરંકુશપણે પોતાની સૃષ્ટિ સર્જતો રહે છે.  નિરંકુશાઃ કવયઃ |

પ્રસ્તુત ગીતમાં કવિશ્રી રમણીક સોમેશ્વર વિપર્યયનો સહારો લઈ,  ‘આજે આ કેવું થાતું!’ ધ્રુવપંક્તિથી વિસ્મયનો વિસ્તાર કરી આપે છે. પર્વતની ટોચે ખીણ અને એ ખીણમાં વિરાટ નભ દ્વારા જગતની વિશાળતા કલમના એક જ લસરકે દોરી આપી છે. આમ  વિરોધાભાસ દ્વારા  વિરાટને ચીંધી બતાવવાનો કવિનો આ કીમિયો ગીતને કેવું નરવું પરિમાણ બક્ષે છે!

એક તરફ પર્વત – નભની આ લીલા ચાલે છે તો બીજી તરફ નક્કર હલેસાં હોડીની પાંખ બની ગયાં છે ! કાંઠા પર સામાન્ય કોડી જેવી જણાતી હોડી મધદરિયે ડૂબકી મારવા સુધીનું સાહસ બતાવે છે.  આ અચરજ જ ગીતને ગતિ આપે છે. હોડી અને કોડીનો પ્રાસ કેવી સહજતાથી અન્યોન્યપૂરક બની રહે છે ! વળી હોડી તો હલેસાંનાં સહારે તરે પણ તણખલું તો માત્ર હવાના સહારે જ આકાશી સફરે નીકળી પડ્યું છે!  વિસ્મય આ રીતે અહીં  વિસ્તરતું રહે છે. વિપર્યયની વિશેષ ધાર બીજા અંતરામાં જોવા મળે છે. અહીં ઉત્પ્રેક્ષાના સહારે ટેકરીઓને માછલી જેમ ગતિમાન દર્શાવી છે. જળ અને સ્થળના વિપર્યય દ્વારા  એકમેકની તદાકાર સ્થિતિ કેવી બળકટ રીતે નિરુપણ પામી છે! અહીં પંખીની અવઢવ પણ ‘ ક્યાં જઇ ચાંચ ઝબોળું!’ -થી  તાદૃશ બની છે. વહેતાં વૃક્ષો અને મૂંઝવણ અનુભવતું તળાવ આ પંખીને ઉત્તર આપે તો પણ શું આપે?

કવિએ આ ગીતમાં કલ્પનોડ્ડયન અને વિપ્રતિપત્તિના સંયોજનથી  એક સુંદર ગતિશીલ ચિત્રની માંડણી કરી આપી છે. શાસ્વત વિસ્મયની લીલા જ વારંવાર ‘આજે આ કેવું થાતું!’ ધ્રુવપંક્તિથી ચેતોવિસ્તાર સાધતી રહે છે. એક નમણું – નરવું ગીત કેવું ઉડ્ડયન કરાવે છે!

મૂળ પોસ્ટિંગ 10.8.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: