જુગલકિશોર વ્યાસ ~ તમોને * લતા હિરાણી * Jugalkishor Vyas * Lata Hirani

‘તમોને વીંધી ગૈ સનન’, અવ આ આમજનને
વીંધી રહે છે બાપુ ! સતત વરસોથી,પજવતી રહેતી,
નીષ્ઠાનાં શીથીલ કરતી પોત; તમને
હણ્યા એનો ના રહે કંઈ વસવસો એટલી હદે !                                                                      

વછુટેલી હીંસા સનન, ગણતી  જે ત્રણ, તમે
ભરી રાખી હૈયે ! રુધીર વહ્યું તેને પણ અહો
ઝીલી લીધું સાદા, શુચી વસન માંહી; થયું હશે
તમોને કે હીંસા તણી કશી નીશાની નવ રહે

ભુમીમાં – જે મોંઘું  ઉજવી રહી સ્વાતંત્ર્ય નવલું !                                                                           
તમે તો ઉચ્ચારી દઈ ફકત ‘હે રામ !’,ઉજવ્યું
અહીંસાનું મોંઘું પરવ; પણ આ ખાસ જનના
શક્યું ઝીલી એને, કળણ બહુ ઉંડાં શબદનાં !                                                             

તમે ઝીલ્યા હૈયે ક્ષણ ક્ષણ પ્રહારો – ત્રણ નહીં !
અમે એવાં એવાં, નહીં ગમ કશો, કો’ ગણ નહીં !

~ જુગલકિશોર વ્યાસ

હે રામ ~ લતા હિરાણી

ગાંધીકાવ્યોની શોધમાં આ રચના જડી ગઈ.  જુગલકિશોર વ્યાસ એટલે જુકાકાને નામે ઓળખાતા, હજુયે ખાદી પહેરતા આ પ્રબુદ્ધ ગાંધીવાદીજનની શિખરીણી છંદમાં લખાયેલી રચના. ગઝલના ધસમસતા પૂરમાં હવે સંસ્કૃત છંદોએ પોતાના અસ્તિત્વને ડૂબતાં બચાવવાની જરૂર છે ત્યારે આ રચના વિશેષ પસંદ પડી. જુકાકા વિખ્યાત સંસ્થા લોકભારતીના વિદ્યાર્થી અને ગુજરાતી ભાષા પરિષદના વિદ્વાન. જોડણી વિષયક કાર્યોમાંએક આહવાનને પકડીને. જોડણીમાં એક જ ઇ,ઉના આગ્રહી એટલે એમના લખાણોમાં હ્રસ્વ-દીર્ઘ એક જ રીતે લખાયેલા જોવા મળે. આ ઊંઝા જોડણી કહેવાય છે અને ઊંઝા જોડણી સમુદાયનું કહેવું એમ છે કે બોલવામાં હ્રસ્વ-દીર્ઘનો કોઈ ફેર નથી રહ્યો તો લખવાનું સહેલું કેમ ન કરવું ? ગુજરાતની નવી પેઢી હ્રસ્વ દીર્ઘમાં અટવાય છે તો આ ભેદ મિટાવી દેવાથી ગુજરાતી ભાષાની સેવા થશે. એટલે આપણે એમની કવિતા એમની જોડણી પ્રમાણે જ રાખી છે. જુકાકા પ્રખર ગાંધીવાદી છે અને હું ગાંધીજીએ સાર્થ જોડણીકોશને લઈને નોંધેલી વાતને અનુસરું છું. અલબત્ત તર્કની રીતે એમની વાત સાચીયે લાગે છે. ચલો, આગે આગે દેખા જાયેગા.

ભારતમાં નિષ્ઠાનું ધોવાણ એટલી હદે થયું છે કે ગાંધીજીને વાગેલી ત્રણ ગોળી જનમાનસને એટલી પીડા આપતી નથી. કદાચ ગાંધીજી આમ વીંધાયા ન હોત તો દેશની દુર્દશા જોઈને એમણે જીવવાનું પસંદ ન જ કર્યું હોત, એ વાત આસાનીથી ગળે ઉતરી જાય છે. હજુ બચેલા પ્રમાણિક અને દેશદાઝવાળા લોકોને આ ત્રણ ગોળી રોજેરોજ વિંધ્યા કરે છે. ગાંધીજી માત્ર છાપેલી નોટોમાં જ કેદ થઈ ગયા છે એટલે હવે નોટોની જ બોલબાલા થઈ રહી છે. 

નવું નવું મળેલું સ્વાતંત્ર્ય પર્વ બાપુ, તમે ‘હે રામ‘ બોલી ઉજવ્યું પણ એ દેશની આવી રહેલી દુર્દશા માટે પણ હતું જ ને ! આમ તો આવી રહેલી શા માટે ? એ સમયે જ એની અશુભ શરૂઆત થઈ ચૂકી હતી. દેશના ભાગલાકાંડને જેમણે અત્યંત પીડાતી નિહાળ્યો એ સઘળા લોકોના મનમાં ગાંધીજીના મૃત્યુ માટે ‘હાશ રામ’ જ નીકળે ! ગાંધીજીનું – હે રામ – નું તીર એમને ચાહનારા ને અનુસરનારા માટે મનમાં આખરી શ્વાસ સુધી સલામત રહે એટલું એ હૃદયભેદક બની ગયું. ગાંધીજીએ ત્રણ ગોળી ઝીલી ને એ પછી નિષ્ઠાવાન જનોને પ્રત્યેક પળે આવી પીડા ઝેલવી પડે એવો સમાજ રચાઇ ગયો ! – લતા હિરાણી 

આજે શહીદદિન છે ત્યારે આ જ કવિની આ નાનકડી રચના નોંધપાત્ર છે.

પૂરી થઈ જન્મશતાબ્દી આપની.

છૂટ્યા તમે – હાશ – અમેય છૂટ્યા !

વક્તાતણા ભાષણ–શબ્દ ખૂટ્યા,

શ્રોતાતણા સાંભળી કાન ફૂટ્યા;

પૂજા કરી ખૂબ જ ‘ગાંધી–છાપની’ –

ત્યારે ગઈ માં….ડ શતાબ્દી આપની ! – જુગલકિશોર વ્યાસ

(ખાસ નોંધ : કવિ/લેખક જુગલકિશોર વ્યાસ ઊંઝા જોડણી (એક જ ઈ,ઉ) ના હિમાયતી છે એટલે કાવ્ય એમની રીતે રાખ્યું છે.)  

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કૉલમ > 1 ઓક્ટોબર 2019

મૂળ પોસ્ટિંગ 30.1.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: