હેમેન શાહ ~ કાગળની એક બાજુ

કાગળની એક બાજુ

કાગળની એક બાજુ લખવું,
બીજી રાખવી કોરી.

અહીં ગામની ગલીકૂંચી ત્યાં સાવ અજાણ્યો પ્રાંત,
આ બાજુ છે હળવુંમળવું ત્યાં અદભૂત એકાંત.
અહીંયાં વૃક્ષો, જળ ને પથ્થર, ત્યાં આકાશ બિલોરી.
કાગળની એક બાજુ લખવું, બીજી રાખવી કોરી.

ભીંજાવું, સુકાવું, ક્યારેક ઘાસ બનીને ઊગવું,
લીલું છે શરીર કે મન, ના કંઈ એવું પૂછવું,
પગ માટીમાં ખૂંપ્યા છે પણ હોઠે ઓસ-કટોરી,
કાગળની એક બાજુ લખવું,બીજી રાખવી કોરી.

જળના રૂપે શાંત કદી તો ક્યાંક ફીણાઈ વહેવું,
પથ્થરનો અવતાર મળે તો ક્યાંક છિણાઈ રહેવું.
સુકાયેલું કાષ્ઠ બનો પણ કૂંપળ રાખવી ઓરી.
કાગળની એક બાજુ લખવું,બીજી રાખવી કોરી.

~ હેમેન શાહ

કાગળની એકબાજુ લખવું ને બીજી બાજુ કોરી રાખવી જેવી ભૌતિક બાબતનું પ્રતિક પસંદ કરીને કવિએ કેટકેટલી પરિસ્થિતિની બેય બાજુ રજૂ કરી છે ! આમાં કરીને જાણે સમગ્ર જીવન કહો કે જીવનનો સાર રજૂ કરી દીધો છે. જીવન પણ બંને છેડાના રાગ આલાપ્યે જાય છે. કોઈના જીવનમાં ક્યાંય એકસરખું આવતું નથી કે એકધારું કશું જ રહેતું નથી. તડકી-છાંયડીની લીલા ચાલ્યે જ રાખે છે. દૃષ્ટા બનીને જીવતા આવડે…. તો ભયો ભયો… લખાય કે કોરું રહે, કાગળને એથી કશો ફરક નથી પડતો…. એ સંતનું લક્ષણ…

@@

3 thoughts on “હેમેન શાહ ~ કાગળની એક બાજુ”

  1. લલિત ત્રિવેદી

    મારા પ્રિય કવિને સલામ

  2. Parbatkumar nayi

    હેમેન શાહ એટલે ખૂબ ગમતા કવિ
    આભાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *