લાભશંકર ઠાકર ~ સૂર્યને શિક્ષા કરો આસ્વાદ * Labhshankar Thakar

મૂક
વાતાયન મહીં ઊભી હતી શ્યામા.
ગાલના અતિ સૂક્ષ્મ છિદ્રોથી પ્રવેશી
લોહીની ઉષ્મા મહીં સૂતેલ આકુલતા નરી
સૂર્ય સંકોરી ગયો.

માધુર્ય જન્માવી ગયો
ઉન્નત સ્તનોને અંગુલિનો સ્પર્શ જેવો
એવી સ્મૃતિ શી લોહીમાં થરકી ગઈ !

ઉદરમાં
આષાઢનું ઘેઘૂર આખું આભ લૈ
પીંજરામાં ક્લાન્ત ને આકુલ
શ્યામા જોઉં છું, નતશિર.
‘કોણ છે આ કૃત્યનો કર્તા ?’

મૂક શ્યામાના થથરતા હોઠ બે ના ખૂલતા.
આંખમાં માધુર્યનાં શબ ઝૂલતાં.

હું કવિ
તીવ્ર કંઠે ચીસ પાડીને કહું છું :
‘સૂર્યને શિક્ષા કરો.’
કંઠની નાડી બધીએ તંગ ખેંચીને કહું છું :
‘સૂર્યને શિક્ષા કરો.’

~ લાભશંકર ઠાકર

સૂર્યને શિક્ષા કરો. ~ આસ્વાદક ?? (આસ્વાદકના નામની આપને ખબર હોય તો કોમેન્ટમાં લખવા વિનંતી).

કોણ છે આ કૃત્યનો કર્તા ?’ એવો આર્તનાદ કરતા કવિ અંતે આવા કૃત્યને માટે જવાબદાર એવા સૂર્યને શિક્ષા કરવાનું કહે છે. પરંપરિત હરિગીતમાં વહેતા આ ગીતમાં બારી પાસે મૂંગી મૂંગી ઊભેલી એક નારીના ગાલ પર સૂર્યનો, તડકો પડે છે, બારીમાંથી એ શ્યામા ફૂટપાથ પર ગર્ભવતી ભિખારણ બાઈને જુએ છે. લેખક આ સૂર્યનો તડકો ગાલના અતિ સૂક્ષ્મ છિદ્રોથી પ્રવેશેલી લોહીની ઉષ્મા સાથે ભળી ગયેલો બતાવે છે. કોઈએ આ ગરીબ નારી સાથે દુષ્કર્મ કર્યું છે અને પરિણામે એના ઉદરમાં રહેલો ગર્ભ એને માટે માતૃત્વના માધુર્યને બદલે કરુણતાનો ઉદ્દીપક બની રહ્યો છે.

જાણે પાંજરામાં પુરાયેલી હોય, તેવી આ સ્ત્રીની લાચારી એવી છે કે એ ગર્ભ પાડી શકતી નથી, અને વળી માંડ માંડ પોતાનું જીવન નિભાવતી ગરીબ નારીને ઉદરમાં બાળક આવતાં એનું લાલનપાલન કરવાની – સાચવવાની – વિશેષ જવાબદારી આવી પડી છે. આ કેવી હૃદયવિદારક પરિસ્થિતિ કે જે પોતે માંડ માંડ જીવન ગુજારે છે એને માથે બાળકના જીવનના ઉછેરનો બોજ પડ્યો. બાળજન્મ એ એને માટે આનંદનો અવસર નહીં, પણ ઉપાધિનું કારણ બનશે. આ સ્થિતિને માટે દોષિત એવા સૂર્યને કવિ શિક્ષા કરવાનું કહે છે. અહીં સૂર્યનો સંબંધ શક્તિ અને પૌરુષ સાથે છે. એક પુરૂષ એક ગરીબ સ્ત્રીની આવી બદતર હાલત કરે, તે માટે કવિ પ્રતીકાત્મક રીતે સૂર્યને શિક્ષા કરવાનું કહે છે.

એ સ્ત્રીને માતા થવાનો આનંદ નથી, પણ માતૃત્વનો બોજ વેંઢારવાનો છે. એ પિંજરામાંથી કઈ રીતે બહાર નીકળવું એ એને સમજાતું નથી, કારણ કે જેણે દુષ્કર્મ કર્યુ છે, એ તો એની લેશમાત્ર જવાબદારી લેતો નથી. આ સ્ત્રીને તો જીવવું પડે છે –

‘ઉદરમાં આષાઢનું ઘેઘૂર આખું આભ લૈ

આ સ્ત્રી નતશિર છે. એના થરથરતા હોઠ ખૂલતા નથી. એની આંખમાં મૃત્યુ પામેલું માધુર્ય છે. નિઃસહાય નારીનું કવિએ આગવી રીતે ચિત્રણ કર્યું છે. આ સઘળાને માટે જવાબદાર એવો પુરુષ દેખાતો નથી; એને દેખાડી શકે એવો સૂર્ય પણ ઘેરાવેલાં વાદળો વચ્ચે દેખાતો નથી. આવે સમવે હૃદયથી જે કવિ તે શું કરે ? એ આ વેદનાભરી પરિસ્થિતિ જોઈને ચીસ જ પાડી ઊઠે ને ? એ કહે છે કે સૂર્યને શિક્ષા કરો, પુરૂષને શિક્ષા કરો. આ કાનમાં શક્તિવંત સૂર્ય અને નિર્બળ નારી – એ બંને પરિસ્થિતિને કવિ લાભશંકર ઠાકરે ઉપસાવી છે, આથી જ અંતે કવિ તારસ્વરે સૂર્યને શિક્ષા કરવાનું કહે છે. સૂર્યના પ્રતીકને કવિ પોતીકી મુદ્રાથી પ્રગટ કરે છે. આમ તો સૂર્ય એ વિશ્વનો જીવનદાતા છે, પણ એણે આ સ્ત્રીનું જીવન છીનવી લીધું છે. આ કાવ્યમાં કવિ એક નિઃસહાય નારીની કરુણ સ્થિતિ અને એ જોઈને કવિહૃદયમાં જાગતી સંવેદનાનું કારુણ્યસભર રીતે નિરૂપણ કરે છે.

7 Responses

  1. ખુબ સરસ કાવ્ય નો ઉત્તમ આસ્વાદ

  2. આપનો આસ્વાદ વાંચ્યા પછી કાવ્ય સમજાય છે.

    • Kavyavishva says:

      આસ્વાદ બીજા કોઈએ લખેલો છે પણ એનું નામ ચૂકી જવાયું છે. આભાર

  3. ઉમેશ જોષી says:

    અપ્રતિમ આસ્વાદ.

  4. Kirtichandra Shah says:

    વખાણ તો હું કોના કરું? આવી વજનદાર રચનાના કે લતાબેને કરાવેલ મર્મ પ્રકાશ અને ગજાવાન ગદ્યના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: