લિપિ ઓઝા ~ સૂર્યનું હોવું & રોજની માફક * Lipi Oza  

માનતું કોઈ નથી

સૂર્યનું હોવું દિવસ છે, માનતું કોઈ નથી,
આંખ છે ખુલ્લી ભલે પણ જાગતું કોઈ નથી.

વાવણીનું આ વરસ પણ જોઈ રહેશે દૂરથી,
બીજને ફણગો થવું છે
, વાવતું કોઈ નથી.

જે જળોની જેમ વળગ્યા એમની નિષ્ઠા જુઓ,
રક્ત ખૂટ્યું હોય તો પણ છોડતું કોઈ નથી.

પુસ્તકો પસ્તીમાં પધરાવ્યાં પછી લોકો કહે,
જો કદી અમૃત મળે તો ઢોળતું કોઈ નથી.

અંદરોઅંદર હવેથી પૂછવાનું રાખીએ?
કૈંક છે એવા કે જેને પૂછતું કોઈ નથી.

જો ક્રિયા છે તો પછી ત્યાં કોઈ કર્તા પણ હશે
તૂટતા લાગે એ તારા તોડતું કોઈ નથી
?

~ લિપિ ઓઝા

શંકા અને પરિણામે નીપજતી નિરાશા. આંખ ખુલ્લી ને તોય કેમ કોઈ જાગતું નથી? બીજ છે, ઉપજાઉ જમીન છે, હાથ પણ છે પણ કેમ કોઈ વાવતું નથી? ‘કેમ કોઈ જાગતું નથી?’ જેવો જ પ્રશ્ન. આ લોકોની જ આદત છે કે વેડફી દીધા પછી ડાહી ડાહી વાતો કરવી.

જાણીતા ચિંતનને અસરકારક કલ્પનો દ્વારા ઉપસાવવાનો સરસ ઉપક્રમ.     

ના ગઈ

રોજની માફક એ આજે ના ગઈ,
સાંજની પળ સાંજ સાથે ના ગઈ.

જાણ થઈ એને ઘણાં વર્ષો પછી,
ટ્રેન ખાલી ગઈ હતી, એ ના ગઈ.

સ્વપ્નમાં ફૂલો બધાં ઊડી ગયાં,
એક કળી રહી ગઈ સવારે, ના ગઈ.

કોઈ અંગત દૂર થઈને થાય ના,
ગઈ પનોતી એમ જાણે ના ગઈ.

સ્ત્રી ખરી ને! એટલે રોકાઈ ગઈ,
સ્તબ્ધતા’ સાથે સ્મશાને ના ગઈ.

ભૂલકાનો ભોગ લેવાયો પછી,
તે નદી ક્યારેય કાંઠે ના ગઈ.

અંધતા સીમિત નથી આંખો સુધી,
છે કયું એ અંગ જ્યાં તે ના ગઈ!

~ લિપિ ઓઝા

મત્લાનો શેર વાંચતાં જ આંખમાં ચમક આવી જાય છે અને અંત સુધી જળવાઈ રહે છે….

7 Responses

  1. વાહ, બંને ગઝલો ‘કાબિલે દાદ’ છે.

  2. Kirtichandra Shah says:

    These are enerziging words good to puncture our sleeping self. ખૂબ Dhanyvad

  3. Lipi Oza says:

    મિત્રોનો આભાર.
    આભાર કાવ્યવિશ્વ.

  4. બન્ને ગઝલ ખુબ સરસ અભિનંદન

  5. Ashok Vavadiya says:

    ખૂબ સુંદર રચના

  6. Minal Oza says:

    નવી તાજગીસભર બંને રચનાઓ. અભિનંદન.

  7. હરીશ દાસાણી.મુંબઈ says:

    બંને ગઝલો ગમી. શેરની નજાકત અને ભાવપલટા આહ્લાદક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: