દલપત ચૌહાણ ~ હા, હું એ જ છું * Dalpat Chauhan

મારી ઓળખ

હા, હું એ જ છું
યુગોથી જેને તમે ઓળખવાનો કરો છો ઇન્કાર.

અશ્વમેઘ યજ્ઞોમાં
તમે જ્યારે હજાર હજાર ઘોડાઓનો કરી સંહાર
પવિત્ર માંસના ટોપલા ભરી
ઘર તરફ કરતાં હતાં પ્રયાણ
ત્યારે યજ્ઞકુંડના અગ્નિને મેં કર્યો છે શાંત.
રાજ્યમાર્ગ પર ટપકેલા લોહીને મેં કર્યું છે સાફ.
તમે તો માત્ર શબ્દ ઉચ્ચારતા.
ભીખ માગતા દેવ પાસે
મેં દેવને સમિધ ધર્યું
તમારે માટે સમરાંગણોમાં જે હણાયો એ જ હું છું.
યુગોથી જેને તમે ઓળખવાનો કરો છો ઇન્કાર.

તમારા કૃષ્ણે
સોમનાથની કરી સ્થાપના
ત્યારે આ બાહુઓ વડે કર્યો છે ચંદન વૃક્ષોનો ધ્વંસ.
બીલીવૃક્ષનાં પર્ણ ચૂંટ્યાની વેદના ટેરવે અકબંધ.
ગંગાજલે થયો શંકરાભિષેક
ત્યારે ખાલી કાવડ લઇ હું મંદિર બહાર
પૂર્વ તરફ નજર માંડી સૂર્યની રાહ જોતો.
હર ઘંટારવે પૃથ્વીને જે નમ્યો એ જ હું છું
યુગોથી જેને તમે ઓળખવાનો કરો છો ઇન્કાર.

સૂર્યમંદિરોનાં ઉજાસને હું ખજૂરાહો સુધી હું લઇ ગયો છું.
સહસ્ત્રલિંગ તળાવના ઘંટ મેં બાંધ્યા છે.
મીનાક્ષી મંદિરોના સ્તંભોમાં કિચક થઈને છું જડાયો.
પરોણીઓના સટ્ટાકા સહેતાં
લીલાંછમ્મ ખેતરોનાં ધાન તમારે ચરણે ધરતાં
સ્મશાનમાં ચાંડાલની  ભૂમિકા ભજવી એ જ હું છું
યુગોથી જેને તમે ઓળખવાનો કરો છો ઇન્કાર.

તમારા બાગે ફિરદોસના બગીચાઓનો રખેવાળ
કેટલીય વાર જન્મ્યો- મર્યો,
તેની તમને ક્યાંથી ખબર હોય?
તમે તો દીવાને ખાસમાં મમીઓની ઉદાસી પહેરી
આથમતા સૂરજના અંજવાસમાં
મૃગલાંઓનું કૂણું કૂણું માંસ આરોગતા ચૂપચાપ .
હું લાલ કિલ્લાની દીવાલ શો અવિચળ
ઊભો હતો બહાર સાવ ભૂખ્યો..
એ જ હું છું
યુગોથી જેને તમે ઓળખવાનો કરો છો ઇન્કાર.

ગઈ કાલે જેને તમે
નાઈલની ધગધગતી રેતીમાં ચલાવી
સાંકળે બાંધી અમેરિકા લાદી ગયાં વહાણોમાં ,
આ હાથે સાંકળ, આ હાથે હલેસાં હતાં.
જેને તમે બજારુ માલ ગણી વેચ્યો એ જ હું છું
યુગોથી જેને તમે ઓળખવાનો કરો છો ઇન્કાર.

આજે કેસૂડાં થઇ ખીલ્યો.
થૂવરની વાડ- ખેતરનો ચાસ છું.
કાલીદાસો-વાલ્મિકીઓથી તરછોડાયેલા મને
તમે ઓળખવાનો કરો પ્રયત્ન?
ગામછેડે ગુફાવાસી જેવો
પડછાયા વિનાનો પણ…

~ દલપત ચૌહાણ (10.4.1940)

ધ્રુજાવી દે તેવું કાવ્ય.

પરિચય : નીરવ પટેલ અને પ્રવિણ ગઢવીની સાથે ‘કાળો સૂરજ’ દલિત પેન્થરના ઋતુપત્રથી ગુજરાતી દલિત સાહિત્યનો આરંભ.  સરકારી સેવાનિવૃત્ત. કવિતામાં ઉત્તર ગુજરાતની બોલી અને સંસ્કૃત પદાવલી સુભગ સમન્વય સાથે જોવા મળે છે.

કાવ્ય સંગ્રહો: તો પછી(૧૯૮૩), ક્યાં છે સૂરજ?(૨૦૦૧). પંદર જેટલા એવોર્ડ – મુખ્યત્વે ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી અને અન્ય એવોર્ડનો સમાવેશ થાય છે. ગુજરાતી દલિત  કવિતાસંચય ‘દુંદુભિ’ નું પ્રવિણ ગઢવી અને હરીશ મંગલમ સાથે સંપાદન (૨૦૦૦). સાહિત્ય અકાદમી , દિલ્હી ના ગુજરાતી દલિત ટૂંકી વાર્તાસંચય(૨૦૦૯) નું સંપાદન.

બે વાર્તાસંગ્રહો, ત્રણ નવલકથા  

સૌજન્ય : ગુજરાતી દલિત કવિતા

5 Responses

  1. Minal Oza says:

    પીડાને વાચા આપતી રચના..

  2. ઉમેશ જોષી says:

    હ્રદયસ્પર્શી રચના.

  3. Anonymous says:

    અસહ્ય પીડાની વાત. દલપતભાઈ અભિનંદન. જન્મદિવસની શુભેચ્છાઓ

  4. Kirtichandra Shah says:

    This is Terrific This is a Real Poem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: