રેખાબા સરવૈયા ~ હજુ આજે પણ & ક્યારેક * Rekhaba Sarvaiya

સમય

હજુ આજે પણ

બપોરની સ્તબ્ધતામાં

રાત્રીની નીરવતામાં

જીવંત બનીને વીંટળાય છે મને

એના મૃત્યુની વિદારક ક્ષણો

ત્યારે થાય છે કે

વીતી જાય છે એ સમય છે

તો પછી માણસ માથે વીતે છે એ શું?

~ રેખાબા સરવૈયા

પોતાના અનુભૂતિવિશ્વને આકાર આપનારા આ કવિ પોતે એડિશનલ કલેકટર તરીકે કાર્યરત છે ત્યારે એમ થાય કે વહીવટી કામોની શુષ્કતાએ એમના સંવેદનજગતને સુકાવા નથી દીધું, એ બહુ મોટી વાત છે.  

ક્યારેક

જે રોટલી બનીને ફૂલતો ક્યારેક

પ્લાસ્ટિકનાં ફૂલોમાંય ફોરતો ક્યારેક

મીઠો છણકો થઈને વઢતો ક્યારેક

ગુલમ્હોર-શી આંખોમાં મ્હોરતો ક્યારેક

બાળકના કૂમળા હોઠોને ચૂમતો ક્યારેક

એ જ સંબંધ

ચોળાયેલી ચાદર જેવો થઈને

ટૂંટિયું વાળીને પડ્યો છે પથારીની પાંગતે

~ રેખાબા સરવૈયા

‘કાવ્યવિશ્વ’ની ભૂમિ પર એમના આ પ્રથમ કાવ્યસંગ્રહનું સ્વાગત

રેખાબા સરવૈયા * પ્રેમ અને પીડા * ગુર્જર 2023

‘પ્રેમ અને પીડા’ સંગ્રહમાંથી

એક કવયિત્રી સર્જનપ્રવૃત થાય ત્યારે પુરુષપક્ષના સંવેદનોના મુકાબલે, કવયિત્રીએ આલેખેલા સંવેદનો આગવાં, અલગ અને સત્યની વધુમાં વધુ નજીક હોવાના. કવયિત્રી કાવ્યમાં નારીજગતના ભીતરના અગોચર વિશ્વને શબ્દ દ્વારા ઉજાગર કરી આપે તેવી અપેક્ષા ભાવક સેવે, એ સ્વાભાવિક છે. પણ થોભો ભાવકની અપેક્ષાનુસાર જ કવયિત્રીએ સર્જન કરવું અનિવાર્ય નથી.

~ રમેશ પારેખ

@@

કવિતાના શબ્દમાં એમને દૃઢ આસ્થા છે. શબ્દને ગંભીરતાથી લેવાનો સ્વભાવ એમની રચનાઓમાં છે. તેથી કવિતાને એને જોઈતી અર્થવત્તા સહજ આવી મળે છે. કવિતા માટેની નિસબત, કવિતાને તેજવત કરવાની ધગશ આ રચનાઓમાં છે. કવિએ પોતાના વિષયક્ષેત્રો અને એનાં પરિમાણોની અનેક શક્યતાઓ, વ્યંજનાઓ જોઈ છે એના સંકેતો રચનાઓમાં છે. આ કાવ્યસંગ્રહ એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે અને એમાં સબળ રચનાઓ લેવાની કાળજી એમણે કરી છે. આમ ત્રીસ વર્ષનો ધીમો પણ મક્કમ કાવ્યરિયાઝ અહીં સંચિત છે.

~ કાનજી પટેલ

6 Responses

  1. સરસ રચનાઓ ખુબ ગમી

  2. ખરું! સ્ત્રીના કાવ્યોની અભિવ્યક્તિ સત્ય અને એના અનુભવની નજીક હોય છે. બંને રચનાઓ ખૂબ જ હ્રદય સ્પર્શી છે.

  3. રેખાબા સરવૈયા says:

    લતા બેન,
    આભાર નહીં પણ આનંદ..😊
    કેમકે ચૂંટણીની ભરચક વ્યસ્તતાઓ વચ્ચે જરાક માથું ઊંચું કર્યું તો આજે કાવ્યવિશ્વ મારી જ કવિતાઓની છાલક વાગી.. આ શુષ્ક બપોર પણ થઇ ગઈ ભીની ભીની.. 🪷👍

  4. રેખાબા સરવૈયા says:

    ભાવકો શ્રી છબીલભાઈ, અને સાજ મેવાડા ની આભારી છું.

    મિત્રોના પ્રતિભાવો તો પ્રેરક બની રહેશે.. સદાય 😇

  5. K says:

    Whether an executive can write a writing full od sensitiveness , love , affection ? Than

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: